Get The App

જાણો જ્યોતિષ અનુસાર કોણ છે ભદ્રા, શા માટે તેનું છે ખાસ મહત્વ

Updated: May 26th, 2019

GS TEAM


Google News
Google News
જાણો જ્યોતિષ અનુસાર કોણ છે ભદ્રા, શા માટે તેનું છે ખાસ મહત્વ 1 - image


લખનઉ, 26 મે 2019, રવિવાર

જ્યોતિષ શાસ્ત્રમાં મુહૂર્તો પર વધારે ધ્યાન આપવામાં આવે છે. કારણ કે જીવનના સાંસ્કારિક કાર્યો મુહૂર્ત જોયા વિના કરવામાં આવતા નથી. જન્મથી લઈ મૃત્યુ સુધી થતા 16 સંસ્કાર પણ મુહૂર્ત જોયા બાદ જ કરવામાં આવે છે. જીવનમાં થતા આ 16 સંસ્કારનું ખાસ મહત્વ છે. તેના માટે મુહૂર્ત જોવામાં ભદ્રાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ભદ્રાની ચર્ચા સામાન્ય રીતે દરેક શુભ અને અશુભ કાર્યો પહેલા થતી તમે પણ સાંભળી હશે ત્યારે આજે જાણીએ કે શું છે આ ભદ્રા અને તેનું મહત્વ શા માટે સૌથી વધારે છે. 

ભદ્રા

ભદ્રા દેવો અને દાનવોના સંગ્રામમાં ઉત્પન્ન થઈ હતી. તેનું મુખ ગર્દભી જેવું છે અને તેને પુંછડી તેમજ સાત હાથ અને ત્રણ પગ છે. તેની આંખ કોડી જેવી છે. ઉત્પન્ન થયા બાદ ભદ્રા શવ વસ્ત્રોને ધારણ કરી શવ પર સવાર થઈ અને દૈત્યોની સેનામાં પ્રવિષ્ટ થઈ. ભદ્રાએ અગ્નિ ધારણ કરી અને વાયુવેગથી દૈત્યોનો સંહાર કર્યો. આ કાર્યના કારણે તે શિવના કર્ણપદને પ્રાપ્ત થઈ. ત્યારબાદથી ભદ્રા ભગવાન શિવના કર્ણમાં નિવાસ કરે છે. 

ભદ્રાનું ફળ

જે પોતાનું હિત ઈચ્છતા હોય તેમણે ભદ્રા કાળમાં લગ્ન તેમજ અન્ય શુભ કાર્યો કરવા જોઈએ નહીં. શુક્લ પક્ષમાં ચતુર્થી તેમજ એકાદશીના ઉત્તરાર્ધમાં તેમજ પૂર્ણિમા અને અષ્ટમીના પૂર્વાર્ધમાં ભદ્રા હોય છે. કૃષ્ણ પક્ષમાં તૃતીયા તેમજ દશમીના ઉત્તરાર્ધમાં અને ચતુદર્શી અને સાતમના પૂર્વાર્ધમાં ભદ્રા હોય છે. ભદ્રા કોઈપણ પ્રકારના કાર્યો માટે શુભ નથી. 

કેવી રીતે જાણવું ભદ્રા વિશે

મીન, ધન, કન્યા, તુલા રાશિમાં ચંદ્ર હોય તો તે સમયે ભદ્રા પાતાળમાં હોય છે. વૃશ્ચિક, વૃષ, મિથુન તેમજ સિંહ રાશિગત ચંદ્ર હોય તો ભદ્રા ભૂમિ પર હોય છે અને મેષ, કર્ક, મકર, કુંભ રાશિમાં ચંદ્ર હોય તો ભદ્રા સ્વર્ગમાં હોય છે. ચતુદર્શીના રોજ ભદ્રા પૂર્વમાં હોય છે. અષ્ટમીએ અગ્ની કોણમાં, સાતમના દક્ષિણમાં, પૂનમ પર નૈઋત્યમાં, ચતુર્થી પર પશ્ચિમમાં, દશમ પર વાયવ્યમાં, એકાદશી પર ઉત્તરમાં અને તૃતીયા તિથિ પર ઈશાન કોણમાં ભદ્રા હોય છે. 


Tags :