Get The App

આજે અહોઈ અષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્તથી લઈને વિધિ અને પારણા સુધીની તમામ વિગતો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
આજે અહોઈ અષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્તથી લઈને વિધિ અને પારણા સુધીની તમામ વિગતો 1 - image


Image: Wikipedia

Ahoi Ashtami 2024: અહોઈ અષ્ટમીનું વ્રત મુખ્યરીતે સંતાનના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને તેમની પ્રગતિ માટે રાખવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને માતાઓ દ્વારા કરવામાં આવે છે. અહોઈ અષ્ટમીનું વ્રત કારતક મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રાખવામાં આવે છે. આ દિવસે માતાઓ નિર્જળા કે ફળાહાર કરીને આખો દિવસ ઉપવાસ કરે છે અને સાંજના સમયે અહોઈ માતાની પૂજા કરીને વ્રતને સંપન્ન કરે છે. અહોઈ અષ્ટમીનું વ્રત માતા-પુત્રના પવિત્ર બંધનને મજબૂત બનાવનાર માનવામાં આવે છે. આ વ્રતને કરવાથી સંતાનના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માતાઓ આ વ્રત દરમિયાન પોતાના સંતાનની ખુશી અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે.

અહોઈ અષ્ટમી શુભ મુહૂર્ત 2024

પંચાંગ અનુસાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 24 ઓક્ટોબરે મોડી રાત્રે 01:18 મિનિટ પર શરૂ થશે. આ તિથિનું સમાપન 25 ઓક્ટોબરે મોડી રાત્રે 01:58 મિનિટ પર થશે. દરમિયાન અહોઈ અષ્ટમીનું વ્રત આજે એટલે કે 24 ઓક્ટોબરે કરવામાં આવશે.

અહોઈ અષ્ટમી પૂજા મુહૂર્ત

પંચાંગ અનુસાર અહોઈ અષ્ટમીની દિવસની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 05.42 થી સાંજે 06.59 મિનિટ સુધી રહેશે. અહોઈ અષ્ટમીની પૂજા કરવા માટે કુલ 1 કલાક 17 મિનિટનો સમય મળશે.

અહોઈ અષ્ટમી પૂજા વિધિ

સૌથી પહેલા સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લો. પૂજા સ્થળને સ્વચ્છ કરીને દિવાલ પર અહોઈ માતાનું ચિત્ર કે પ્રતીક બનાવો. અહોઈ માતાની તસવીર ન હોય તો તમે દિવાલ પર 8 કોષ્ઠક વાળું ચિત્ર બનાવી શકો છો. ચોકી પર લાલ કપડુ પાથરીને કળશ સ્થાપિત કરો. પૂજન સામગ્રીમાં ફળ, મિઠાઈ, ધૂપ-દીપ, કંકુ, નાડાછડી, ચોખા અને જળ વગેરે રાખો. સાંજે ચંદ્રોદય પહેલા અહોઈ માતાની પૂજા કરો. તેમને ફળ, મિઠાઈ અને અન્ય સામગ્રી અર્પણ કરો. પૂજાના સમયે અહોઈ માતાની કથાનો પાઠ જરૂર કરો. ચંદ્રના દર્શન બાદ ચંદ્રને જળ અર્પણ કરો અને વ્રતના પારણા કરો.

અહોઈ અષ્ટમી વ્રતના પારણાની વિધિ

અહોઈ અષ્ટમીનું વ્રત સંતાનના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. તેથી વ્રતના પારણા પણ તેટલા જ મહત્વના હોય છે જેટલું વ્રત રાખવાનું. પારણાનો મુખ્ય હેતુ વ્રતનું સમાપન કરવું અને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હોય છે. એ માન્યતા છે કે પારણા કરવાથી વ્રતનું ફળ મળે છે અને સંતાનની રક્ષા થાય છે. અહોઈ અષ્ટમીના પારણા સામાન્યરીતે રાત્રે તારાઓને જોઈને કરવામાં આવે છે. વ્રતના દિવસે સાંજે 6 વાગ્યા બાદ વ્રત કરનાર પાણીથી ભરેલા પાત્રમાં કંકુ કે ચોખા નાખીને તારાઓને અર્ધ્ય આપીને માતાઓ વ્રતના પારણા કરી શકે છે. 

અહોઈ અષ્ટમીના દિવસે કરો આ ઉપાય

અહોઈ અષ્ટમીના દિવસે 8 પ્રકારના અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે. અહોઈ માતાની પૂજાના સમયે 8 દીવા પ્રગટાવો અને 8 પ્રકારના ફળ કે અનાજ અર્પણ કરો. 

આ દિવસે કન્યાઓને ભોજન કરાવવું અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

અહોઈ માતાની કથાનું શ્રવણ કરવું પણ ખૂબ લાભદાયક હોય છે. તેનાથી ઘરમાં ખુશહાલી આવે છે.

આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કે વસ્ત્રોનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

અહોઈ અષ્ટમીનું મહત્વ

અહોઈ અષ્ટમીનું વ્રત સંતાનની ભલાઈ માટે રાખવામાં આવે છે. આ વ્રતને ખાસ કરીને તે મહિલાઓ કરે છે જેમના ઘરમાં સંતાન છે કે સંતાન પ્રાપ્તિની કામના હોય છે. આ વ્રત કરવા ચોથના ચાર દિવસ બાદ અને દિવાળીના આઠ દિવસ પહેલા આવે છે. અહોઈ અષ્ટમીના દિવસે માતાઓ પોતાના સંતાનોના લાંબા આયુષ્ચ, સુખી જીવન અને કલ્યાણની કામના કરે છે.  


Google NewsGoogle News