નદીના કુંડનું પાણી સૂકાયું તો 54 વર્ષ બાદ થયા શિવલિંગના દર્શન, પૂજા કરવા ઉમટી પડ્યા ભક્તો
Image Social Media |
Shivlinga in the lake: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના નરવર ગામના ગ્રામજનોએ સિંધ નદીમાં જળ સમાધિ થયેલા શિવલિંગના 54 વર્ષ પછી દર્શન કર્યા. એ પછી શિવલિંગની પૂજન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નદીમાં પાણી ઓછું થતાં લોકોએ અહીં પૂજા અર્ચના કરવાનું શરુ કર્યું. ગ્રામજનોએ કહ્યું કે, સિંધ નદીના પાણીમાં ખૂબ જ પ્રાચીન શિવલિંગ છે. આ નદીમાં વધુ પ્રમાણમાં પાણી હોવાથી આ શિવલિંગ જળમગ્ન રહે છે. આ વખતે વરસાદ ઓછો થવાથી અને નદીમાં પણ પાણી ઓછું થતાં વર્ષો જૂના શિવલિંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા.
નદીના કુંડમાં 60 ફૂટ ભરાયેલું રહે છે પાણી
શિવપુરી જિલ્લાના નરવરથી 20 કિલોમીટર પૂર્વમાં નરવર-કરૈરા રોડ પર બદૈરા ચાર રસ્તાની ઉત્તર દિશામાં આવેલી ગ્રામ પંચાયત કાલીપહાડી ગામથી બે કિલોમીટર દૂર સિંધ નદી પસાર થાય છે, આ નદીના કિનારે જ એક કુદરતી કુંડ છે. જેમાં શિવલિંગ છે, પણ અહીં 60 ફૂટ જેટલું પાણી ભરાયેલું રહે છે. વર્ષ 1970 પછી પહેલીવાર આટલું પાણી ઓછું થયું છે. સામાન્ય રીતે જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન પાણી ઓછું હોય છે, તે દરમિયાન 1 થી 2 ફૂટના શિવલિંગના દર્શન થાય છે, પરંતુ આ વખતે નદીમાં પાણી ઘણું ઓછું થઈ ગયું છે. સિંધ નદી પર બનેલા આ કુંડમાં પાણી ઓછુ થવાના કારણે આ વખતે આખું શિવલિંગ જોવા મળી રહ્યું છે. 54 વર્ષ બાદ શિવલિંગના દર્શન કરવા માટે અહીં ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી.
આ પણ વાંચોઃ ભોજશાળાની દરગાહમાં કયા કયા ભગવાનની મૂર્તિ મળી, જાણો સમગ્ર વિવાદ
પહેલા જ્યારે સૂકું હતું ત્યારે જોવા મળ્યું હતું આખું શિવલિંગ
આ અંગે સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે, કાલી પહારી ગામથી 2 કિલોમીટર દૂરથી આ નદી પસાર થાય છે. ત્યાં જ એક કુદરતી કુંડ આવેલું છે, જેમાં આ તળાવ કાલાડા નામે ઓળખાય છે. નદીના કુંડમાં જ એક પ્રાચીન શિવલિંગ છે. સ્થાનિક વડીલોના જણાવ્યા પ્રમાણે આ શિવલિંગ 54 વર્ષ પહેલા સંપૂર્ણ શિવલિંગ જોવા મળ્યું હતું, કારણ કે ત્યારે તળાવ સુકું હતું.
શિવલિંગની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ગ્રામજનો
સિંધ નદીમાં પ્રાચીન શિવલિંગ બહાર આવ્યાના સમાચાર મળતાની સાથે જ અહીં મોટી સંખ્યામાં ગામલોકો ઉમટી પડ્યા હતા. શિવલિંગની પૂજા કરવા આવેલા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ધાય મહાદેવના નામે ઓળખાતું આ શિવલિંગ લગભગ 5 ફૂટ ઊંચું છે, અને તેનો વ્યાસ 4 ફૂટ છે. આખા ગામમાં લોકોએ ધાય મહાદેવ શિવલિંગના દર્શન કર્યા હતા. આ સાથે ગામ લોકોએ શિવલિંગ પર જળાભિષેક કરી વિધિ- વિધાનથી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.