વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં આ વાસણો ઊંધા મૂકવા જોઈએ નહીં, નહીંતર જીવનમાં આવી જશે નકારાત્મકતા
Image Source: Freepik
અમદાવાદ, તા. 01 ડિસેમ્બર 2023 શુક્રવાર
ઘરમાં રસોડુ ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ સ્થળ હોય છે. વાસ્તુ અનુસાર પણ રસોડુ યોગ્ય રીતે બનાવેલુ હોવુ જોઈએ જેથી કોઈ મુશ્કેલી ન આવે. અમુક લોકોનું રસોડુ ખૂબ જ સરસ રીતે સજાવેલુ હોય છે. દરેક વસ્તુ ત્યાં યોગ્ય રીતે રાખેલી હોય છે. મસાલાના ડબ્બાથી લઈને વાસણ સુધી વ્યવસ્થિત રીતે રાખેલા હોય છે. અમુક લોકોનું રસોડુ ખૂબ જ ગંદુ, અવ્યવસ્થિત હોય છે. તમામ સામાન આમતેમ ફેલાયેલો હોય છે. ખાસ કરીને વાસણ બગડેલા અને ઊંધા રાખેલા હોય છે. રસોડામાં ક્યારેય પણ વાસણોને ગંદા મૂકવા જોઈએ નહીં ખાસ કરીને રાતના સમયે. અમુક વાસણોને ક્યારેય પણ ઊંધા અને ખોટી દિશામાં રાખવાની પણ ભૂલ ન કરવી જોઈએ. ઘણી વખત લોકો અમુક વાસણોને સાફ કરવા કે ઉપયોગ કર્યા બાદ ઊંધા રાખી દે છે. આવુ કરવુ અશુભ ફળ આપી શકે છે.
કયા-કયા વાસણો ઊંધા ન મૂકવા જોઈએ
તવી
રસોડામાં રાત્રે વાસણ જે રીતે ગંદા ના મૂકવા જોઈએ તે જ રીતે અમુક વાસણોને ઊંધા પણ મૂકવા જોઈએ નહીં. વાસ્તુ અનુસાર રોટલી બનાવ્યા બાદ જો તમે તવીને ઊંધી રાખો છો તો આ અશુભ હોય છે. આવુ ભૂલથી પણ ન કરવુ. ઘણા લોકોની એ ટેવ હોય છે કે રોટલી બનાવીને તવીને ચૂલ્હા પરથી ઉતારીને ઊંધી રાખી દે છે. આવુ કરવાથી ઘરમાં ધનની અછત થઈ શકે છે. તમે આર્થિક તંગીથી ઝઝૂમી શકો છો. આવી સ્થિતિમાં તમારી ઉપર દેવુ વધી શકે છે.
કડાઈ
તવાની જેમ જ કડાઈને પણ ક્યારેય ઊંધી રાખવી જોઈએ નહીં. વાસ્તુ અનુસાર જ્યારે તમે કડાઈને સતત કિચનમાં સાફ કર્યા બાદ ઊંધી રાખો છો તો તેનાથી નકારાત્મક એનર્જીમાં વધારો થાય છે. હંમેશા તવી અને કડાઈનો ઉપયોગ કર્યા બાદ સાફ કરીને જ રાખો નહીંતર દરિદ્રતા આવી શકે છે. આ બંને વાસણોને ઊંધા રાખવાથી રાહુ દોષ લાગે છે. આનો ઉપયોગ કર્યા બાદ રાત્રે જ ધોઈને જરૂર મૂકી દો. તેનાથી ઘરના સભ્યોની પ્રગતિ પણ રોકાઈ શકો છો. ઘરમાં કંકાશ, અશાંતિ આવી શકે છે.
વાસણોને કઈ દિશામાં રાખવા યોગ્ય છે
વાસણોને હંમેશા પશ્ચિમ દિશામાં જ રાખવા શ્રેષ્ઠ હોય છે. ખાસ કરીને પિત્તળ, તાંબા, સ્ટીલ, કાંસાના વાસણોને પશ્ચિમ દિશામાં જ રાખો કોઈ અન્ય દિશામાં નહીં. એ વાતનું પણ ધ્યાન રાખો કે ગરમ તવી કે કડાઈમાં પાણી ન નાખો. આવુ કરવાથી જે ગરમી નીકળે છે, તે ઘરમાં નેગેટીવ એનર્જી લાવી શકે છે. ઘણા પ્રકારની મુશ્કેલીઓ જીવનમાં આવી શકે છે. વાસણોને ઊંધા કે પછી ખોટી દિશામાં રાખવાથી માતા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે.