Vastu Tips: વાસ્તુ અનુસાર ઘરમાં આ 5 છોડ લગાવવાથી દૂર થાય છે ગરીબી, ધન-ઐશ્વર્યની થાય છે પ્રાપ્તિ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 27 ફેબ્રુઆરી 2024 મંગળવાર
દરેક વ્યક્તિ સુખ-સમૃદ્ધિની ઈચ્છામાં ખૂબ મહેનત કરે છે પરંતુ ક્યારેક મહેનત પ્રમાણે પરિણામ મળતુ નથી. વાસ્તુશાસ્ત્રમાં અમુક છોડ એવા છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે અને આર્થિક સ્થિતિને મજબૂત કરે છે.
મીઠો લીમડો
વાસ્તુ અનુસાર મીઠો લીમડો લગાવવો અત્યંત શુભ અને મંગલકારી હોય છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ છોડને ઘરની ઉત્તર દિશામાં લગાવવાથી જીવનમાં પ્રગતિના નવા-નવા માર્ગ ઊભા થાય છે. આ દિશામાં લગાવેલો આ છોડ તમારા વ્યવસાયમાં પ્રગતિ આપશે.
ક્રાસુલા
વાસ્તુ શાસ્ત્રમાં ક્રાસુલાના છોડને ખૂબ શુભ અને લાભકારી માનવામાં આવ્યો છે. તેને ઘરમાં લગાવવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ ખતમ થઈ જાય છે. સાથે જ ધનના નવા માર્ગ ખુલે છે. વાસ્તુ અનુસાર ક્રાસુલાને ઘરના પ્રવેશ દ્વારની જમણી બાજુએ રાખવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં આ છોડ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે જેનાથી વ્યક્તિને ધન લાભ મળે છે. આ સાથે જ પ્રમોશન અને બિઝનેસમાં લાભ મળે છે. ઓફિસ કે દુકાનના કેશ કાઉન્ટર પર ક્રાસુલાનો છોડ રાખી શકો છો. તેનાથી બમણો ધન લાભ મળશે.
આંબળા
વાસ્તુ શાસ્ત્રમાં આંબળાના વૃક્ષને અત્યંત શુભ માનવામાં આવે છે. તેને લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. તેની સાથે જ ઘરમાં ધન ધાન્યનો વધારો થાય છે. માન્યતા છે કે આંબળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. આંબળાના વૃક્ષને ઘરમાં ઉત્તર, પૂર્વ કે પછી ઉત્તર-પૂર્વ દિશામાં લગાવી શકો છો. આ દિશામાં લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વૃક્ષમાં નિયમિત રીતે જળ આપવાથી દરેક પ્રકારના કષ્ટોથી છુટકારો મળી જાય છે અને ધન-ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
સફેદ આકડો
પુરાણોમાં સફેદ આકડાને ભગવાન ગણેશનું જ સ્વરૂપ માનવામાં આવે છે. આ છોડ પર હળદર, ચોખા અને જળ ચઢાવવાથી ઘરમાં પ્રગતિ થાય છે. સાથે જ સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ છોડના ફૂલ શિવજી અને ગણેશજી પર ચઢે છે જેનાથી ઘરમાં સંપન્નતા આવે છે. વાસ્તુની માન્યતા છે કે આ છોડના શુભ પ્રભાવથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ધનની અછત રહેતી નથી.
પારિજાત
ધાર્મિક માન્યતા અનુસાર પારિજાતના વૃક્ષ પર સ્વયં માતા લક્ષ્મી અને નારાયણ વાસ કરે છે. પારિજાતનું વૃક્ષ ઉત્તર દિશામાં લગાવવુ સૌથી શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયુ છે કે પારિજાતનું ફૂલ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. પારિજાતનું વૃક્ષ ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં પ્રગતિ પણ આવે છે. જો વાસ્તુ અનુસાર પારિજાતનો છોડ લગાવવામાં આવે તો ઘરમાં ધન ધાન્યની અછત રહેતી નથી.