ગરુડ પુરાણ અનુસાર, નિયમિત કરો આ નામોનું સ્મરણ, તમામ સમસ્યાઓનો થઈ જશે બેડોપાર
નવી મુંબઇ,તા. 29 નવેમ્બર 2023, બુધવાર
વૈદિક હિંદુ ધર્મમાં 18 પુરાણો અને 4 વેદોની ચર્ચા કરવામાં આવી છે. 18 પુરાણોમાં ગરુડ પુરાણને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહત્વપૂર્ણ ગ્રંથ હોવાને કારણે તેને મહાપુરાણનો દરજ્જો મળ્યો છે.
ગરુડ પુરાણના અધિપતિ સ્વયં ભગવાન વિષ્ણુ છે. સનાતન ધર્મમાં કોઈ મનુષ્યના મૃત્યુ બાદ ગરુડ પુરાણનો પાઠ કરાવવાની પ્રથા છે. એવું માનવામાં આવે છે કે, ગરુડ પુરાણનો પાઠ કરવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે અને તે મોક્ષ પ્રાપ્ત કરે છે.આ સાથે જ તેમના પરિવારને જીવનમાં સતકર્મો કરવાની પ્રેરણા મળે છે.
ગરુડ પુરાણના નીતીસાર વિભાગમાં ભગવાન વિષ્ણુએ રોજિંદા જીવન સાથે જોડાયેલા નિતિ-નિયમો વિશે પણ જણાવ્યું છે, જેને અનુસરવાથી વ્યક્તિ ચિંતાઓથી મુક્ત થઈને સુખી જીવન જીવે છે. તેથી, ગરુડ પુરાણ એક એવો ગ્રંથ કહેવાય છે જે સારા કાર્યો કરવાની પ્રેરણા આપે છે અને મોક્ષ પ્રદાન કરે છે. ગરુડ પુરાણમાં ભગવાનના આવા નામોની ચર્ચા કરવામાં આવી છે, જેનું નિયમિત સ્મરણ અથવા જાપ કરવાથી તમે ચિંતાઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો.
ચાલો જાણીએ આ નામો વિશે...
- ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિએ દરરોજ 'હરિ' નામનો જાપ કરવો જોઈએ. હરિના નામનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની તમામ પરેશાનીઓ એક ક્ષણમાં દૂર થઈ જાય છે. તેમજ મૃત્યુ પછી આવા લોકો શ્રી હરિના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
- ગરુડ પુરાણ અનુસાર દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા એક વખત ભગવાન વિષ્ણુ દશાવતારના નામનો જાપ કરવો જોઈએ.
- જે વ્યક્તિ શિવના નામ અથવા મંત્રોનો જાપ કરે છે તે તમામ ચિંતાઓથી મુક્ત થઈ જાય છે અને સુખી જીવનનો આનંદ માણે છે. તેથી ગરુડ પુરાણમાં કહેવાયુ છે કે, આ સિવાય વ્યક્તિએ નિયમિત રીતે ભગવાન શિવની પૂજા કરીને તેમના નામનો જાપ કરવો જોઈએ.
- પાપકર્મોમાંથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ ‘નારાયણ’ નામનો નિયમિત જાપ કરવો જોઈએ.
આ પણ વાંચો: ગરુડ પુરાણ પ્રમાણે ભૂલથી પણ મૃત વ્યક્તિના વસ્ત્રો ન પહેરવા જોઈએ, જાણો તેની પાછળનું કારણ