ગરુડ પુરાણ પ્રમાણે ભૂલથી પણ મૃત વ્યક્તિના વસ્ત્રો ન પહેરવા જોઈએ, જાણો તેની પાછળનું કારણ
Image Source: Twitter
અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2023 બુધવાર
સંસારમાં જેનો પણ જન્મ થાય છે, તેનું મૃત્યુ પણ થાય છે. તેથી મૃત્યુને અટલ સત્ય કહેવામાં આવ્યુ છે. ગરુડ પુરાણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ દ્વારા મૃત્યુ અને મૃત્યુ બાદની સ્થિતિઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં મૃત્યુ વિશે જણાવ્યુ છે. તેમણે કહ્યુ છે કે મૃત્યુ બાદ માત્ર શરીર નષ્ટ થાય છે પરંતુ આત્મા ક્યારેય મરતો નથી એટલે કે આત્મા અમર છે. પરિવારમાં જ્યારે કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય છે તો લોકો તેમની વસ્તુઓને યાદગીરી તરીકે ખૂબ સાચવીને રાખે છે. અમુક લોકો તો મૃતકની વસ્તુઓનો ઉપયોગ પણ કરે છે તો અમુક લોકો તેને દાનમાં આપી દે છે.
ગરુડ પુરાણમાં આ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે મૃતકની કઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો તેનો ઉપયોગ કરવામાં આવ્યો તો શું થશે. આ ક્રમમાં ગરુડ પુરાણમાં મૃતકના કપડા વિશે જણાવાયુ છે. જેમાં જણાવાયુ છે કે ભૂલથી પણ મૃતકના કપડાને પહેરવા જોઈએ નહીં.
શા માટે મૃતકના કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ
ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે મૃત્યુ બાદ મૃતકના કપડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનું કારણ એ છે કે વ્યક્તિનું પોતાના વસ્ત્રો સાથે ખાસ જોડાણ હોય છે. કેમ કે મૃત્યુ બાદ પણ આત્મા ભૌતિક સંસારનો મોહ ત્યાગી શકતી નથી અને તે પોતાના લોકોની વચ્ચે રહેવા ઈચ્છે છે. તેથી મૃતક સાથે જોડાયેલી વસ્તુઓનો ઉપયોગ કરવાના બદલે તેનું દાન કરી દેવુ જોઈએ.
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો મૃતકના વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જીવાત્મા તે વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકે છે કે પછી જો વ્યક્તિ તે વસ્ત્રોને ધારણ કરે છે, તો તેને એક અલગ પ્રકારની શક્તિનો અનુભવ થવા લાગે છે. તેથી ઘણા લોકો મૃતકના વસ્ત્રોને રાખવાના બદલે તેનું દાન કરી દે છે. વસ્ત્રો સાથે જ મૃતકની ઘડિયાળ અને દાગીનાનો પણ ઉપયોગ કરવો જોઈએ.