Chanakya Niti: ચાણક્ય નીતિ અનુસાર આ બાબતો પતિ-પત્નીના સંબંધને કરે છે કમજોર
Image Source: Twitter
અમદાવાદ, તા. 29 જાન્યુઆરી 2024 સોમવાર
દુનિયાના મહાન રાજદ્વારી, રાજકારણી અને માર્ગદર્શક આચાર્ય ચાણક્યએ દાંપત્ય જીવન માટે પણ મહત્વના સૂત્ર જણાવ્યા છે. ચાણક્ય નીતિમાં જણાવાયેલી આ વાતો આજે પણ સંપૂર્ણ રીતે પ્રાસંગિક છે. તેમના જણાવ્યા અનુસાર પતિ-પત્નીના સંબંધમાં નાની તિરાડ પણ આવી જાય તો તેને પૂરવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેથી પતિ-પત્નીએ આ સંબંધને ખૂબ સાચવીને નિભાવવો પડે છે. સાથે જ તેમણે અમુક જરૂરી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. નહીંતર દાંપત્ય જીવનને બરબાદ થવામાં વાર લાગતી નથી.
પતિ-પત્નીએ હંમેશા આ વાતોનું ધ્યાન રાખવુ
ચાણક્ય નીતિ અનુસાર પતિ-પત્ની જો સુખદ દાંપત્ય જીવન જીવવા ઈચ્છે છે તો તેમણે અમુક વાતોનું હંમેશા પાલન કરવુ જોઈએ. ત્યારે તેમની વચ્ચે પ્રેમ, વિશ્વાસનો સંબંધ જળવાઈ રહેશે. સાથે જ તેઓ બીજાની સામે પણ સન્માનના પાત્ર રહેશે.
શંકા
ક્યારેય પણ પતિ-પત્નીએ એકબીજા પર શંકા કરવી જોઈએ નહીં. ક્યારેય તેમણે એકબીજાથી કંઈ છુપાવવુ જોઈએ નહીં. જો મનમાં કોઈ વાત હોય તો જાણ્યા વિના શંકા કરવાના બદલે અંદરોઅંદર વાત કરીને તે મુદ્દાને ઉકેલી લો. પતિ-પત્નીની વચ્ચે વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. ત્યારે જ તેમનો સંબંધ લાંબા સમય સુધી ટકેલો રહી શકે છે અને ખુશ પણ રહી શકે છે.
પોતાની વાતો અન્યને ન જણાવો
પતિ-પત્નીએ એકબીજાની અંગત વાતો ક્યારેય પણ કોઈને કરવી જોઈએ નહીં. આવુ કરવાથી તેઓ બીજાની સામે મજાકનું પાત્ર બને છે અને તેમનો આંતરિક સંબંધ પણ કમજોર થાય છે.
અપમાન
ક્યારેય પણ પતિ-પત્નીએ એકબીજાનું અપમાન કરવુ જોઈએ નહીં. બીજાની સામે તો ક્યારેય પણ કોઈ અપમાનજનક વાત બોલવી જોઈએ નહીં. આવુ કરવુ પતિ-પત્નીના મનમાં એકબીજાના પ્રત્યે સન્માનની ભાવના ઘટાડી દે છે જ્યારે મજબૂત મેરિડ લાઈફ માટે પ્રેમની સાથે સન્માન જરૂરી છે કેમ કે પતિ-પત્નીના સંબંધમાં સન્માનની ઉણપ સંબંધને કમજોર કરી દે છે.
મદદની ઉણપ
પતિ-પત્ની એક રથના 2 પૈડા હોય છે. તેમના આંતરિક મદદથી જ પરિવાર અને જીવન ચાલે છે. જેમાં એક પણ વ્યક્તિના યોગદાનને ઓછુ આંકવુ જોઈએ નહીં. પતિ-પત્ની બંનેએ પોતાની જવાબદારીઓ અને કર્તવ્ય નિભાવવા જોઈએ.