'કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું...' ની અનુભુતિ કરાવતી ધરતી પરના 'સ્વર્ગ'ની પવિત્ર યાત્રા
Kilash Mansaovar Yatra: ભોળાના ભગવાન એવા શિવજી શાશ્વત ધ્યાનની મુદ્રામાં કૈલાશ પર્વત પર બિરાજમાન છે. કહેવામાં આવે છે કે, બ્રહ્માંડને ટકાવી રાખતી આધ્યાત્મિક શક્તિ અહીંથી જ ઉત્પન્ન થાય છે. પ્રાચીન ગ્રંથ ઋગવેદમાં હિમાલય, તેની રચના અને પવિત્રતાનો ઉલ્લેખ છે. હિમાલયમાં સૌથી પવિત્ર શિખર, કૈલાશ પર્વત ત્રણ કરોડ વર્ષ પહેલા રચાયો હોવાની માન્યતા છે. આજે આપણે પૃથ્વી પરના સ્વર્ગ સમાન કૈલાશ માનસરોવર વિશે જાણીશું.
ઘરતી પરનું સ્વર્ગ એટલે કૈલાશ માનસરોવર
કૈલાશ માનસરોવર તિબેટમાં આવેલું છે. જ્યાં, કૈલાસ પર્વતને 'કાંગરીનબોક' એટલે કે, કિંમતી રત્ન કહેવામાં આવે છે. દંતકથા અનુસાર, ભગવાન શિવ બ્રહ્માંડના સંતુલનને જાળવી રાખીને પર્વતના શિખર પર કોસ્મિક નૃત્ય તાંડવ કરે છે. કૈલાશ માનસરોવરને બ્રહ્માંડની ધરી માનવામાં આવે છે. જ્યાં સ્વર્ગ પૃથ્વીને મળે છે.
આ પણ વાંચો: 70 વર્ષે પહેલીવાર શ્રાવણીયા સોમવારનો અનોખો સંયોગ, સોમવારથી પ્રારંભ અને સોમવારે જ સમાપ્તિ
તેમજ માનસરોવર તળાવ અને રક્ષાતલ તળાવને પવિત્ર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, માનસરોવરમાં એક વાર ડુબકી લગાવનારને સ્વલોકના દર્શન થાય છે. કૈલાશ પર્વતનો દક્ષિણ ભાગ નીલમ, પૂર્વ ભાગ કિસ્ટલ, પશ્ચિમ રૂબી અને ઉત્તર સોનાનું રૂપ હોવાની માન્યતા છે.
શ્રદ્ધાળુઓને શિવમય બનાવતી પડકારરૂપ યાત્રા
કૈલાશ માનસરોવર યાત્રા સામાન્ય રીતે 14 દિવસ લે છે. જેમા, શ્રદ્ધાળુઓ પડકારરૂપ ચઢાણ અને કઠોર હવામાનની પરિસ્થિતિઓનો સામનો કરીને મુશ્કેલ પ્રવાસ કરે છે. શ્રદ્ધાળુઓના મતે, આ યાત્રા દરમિયાન શ્રી રુદ્રાષ્ટકમના શ્લોક 'તુપારાદ્રી સંકાશ ગૌરં ગમીરં, મનોભૂત કોટિ પ્રમા શ્રી શરીરં, સ્ફૂરન્મૌલિ કલ્લોલિની ચારુ ગંગા, લસ્દ્દાલબાલેન્દુ કંઠે ભુજંગા'
અર્થાત- જે હિમાલય સમાન ગૌરવપૂર્ણ અને ગંભીર છે, જેમના શરીરમાં કરોડો કામદેવોની જ્યોતિ અને શોભા છે, જેમના મસ્તિષ્ક પર પવિત્ર નદી ગંગા બિરાજમાન છે, જેમના લલાટ પર ચંદ્રમા અને ગળામાં સાપ સુશોભિત છે' તે મહાદેવના દર્શન થાય છે.
આ પણ વાંચો: વાંચો તમારું 05 ઓગસ્ટ, 2024નું રાશિ ભવિષ્ય
હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ ધર્મ માટે ખાસ
હિંદુ ધર્મ સિવાય જૈન, બૌદ્ધ, શીખ અને તિબેટના યુંગડુંગ બોન ધર્મ માટે કૈલાશ માનસરોવર ખાસ છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભ દેવે અહીં જ આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરી હતી. બૌદ્ધ ધર્મમાં કેલાશ પર્વતને મેરુ તરીકે ઓળખવામાં આવે છે. જે ભગવાન બુદ્ધના ધ્યાન સાથે સંકળાયેલ છે. તિબેટના યુંગડુંગ બોન ધર્મના સ્થાપક તોનપા શેનરાબે માનસરોવરને પવિત્ર સ્થાન ગણાવ્યું હતું. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવે અહીં ધ્યાન કર્યું હતું.