99 લાખ, 99 હજાર અને 999 મૂર્તિ; ભારતના આ સ્થળે ક્યારે કોણે બનાવી આટલી મૂર્તિઓ, આજે પણ રહસ્ય
Image: Wikipedia
Unakoti: પૂર્વોત્તર ભારતના ત્રિપુરામાં એક સ્થળ ઉનાકોટી છે. જંગલોની વચ્ચે આ દૂર પહાડી વિસ્તારમાં દેવી-દેવતાઓની 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ બનેલી છે. આ મૂર્તિઓ ક્યારે અને કોણે બનાવડાવી. કયા રાજાની દેખરેખમાં આ કાર્ય થયુ હતુ. એ આજે પણ રહસ્ય છે પરંતુ અહીંનું કુદરતી સૌંદર્ય અને ભગવાન શિવને સમર્પિત આ સ્થળ તમારું મન મોહી લેશે.
ત્રિપુરા અને બાંગ્લાદેશની સરહદે કૈલાશહેર છે. અહીંથી 10 કિ.મી દૂર ગાઢ જંગલોમાં ઉનાકોટી વસેલું છે. કહેવાય છે કે આ માર્ગેથી થઈને એક કરોડ દેવી-દેવતા કાશી ગયા હતા પરંતુ આ સ્થળનું એક રહસ્ય છે કે આટલી દૂર અને એકાંત સ્થળ પર કોણે અને ક્યારે શિખરોને કોતરીને આટલી બધી મૂર્તિઓ બનાવી હતી.
દુર્ગમ વિસ્તારમાં આ સ્થળના બનવાની કથા રહસ્યમયી છે. કોઈ પણ ઈતિહાસ આ રહસ્યને ઉકેલી શકતો નથી. એ ખબર જ નથી કે કયા સમયગાળામાં કયા યુગમાં ત્યાં મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. આટલી બધી ભવ્ય મૂર્તિઓ પહેલા ક્યારેય એક સાથે દેશના કોઈ ખૂણામાં જોવા મળી નથી.
અમુક લોકો માને છે કે પાલ સામ્રાજ્ય દરમિયાન આ સ્થળ બન્યુ તો કોઈ કહે છે કે 8મી-9મી સદીમાં સ્થળ બન્યુ. અમુક લોકો માને છે કે અહીં બનેલી મૂર્તિઓ બૌદ્ધ સંસ્કૃતિથી પ્રભાવિત છે. જોકે, તે બાદ પણ કોઈ પાક્કા દાવા સાથે કંઈ નહીં કહી શકતું નથી.
ભોલેનાથ આ માર્ગેથી કાશી ગયા હતા
ઉનાકોટી વિશે ખૂબ દંતકથાઓ છે. એ પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવ ઘણા દેવી-દેવતાઓ સાથે અહીંથી બનારસ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેઓ રઘુનંદન પહાડથી પસાર થયા. ઉનાકોટીને પહેલા રઘુનંદન પહાડના નામથી ઓળખવામાં આવતું હતું. રાતનો સમય હતો તો તમામ દેવી-દેવતા થાકી ગયા હતાં. ત્યારે શંકર ભગવાને કહ્યું કે તમામ રાત્રે રઘુનંદન પહાડ પર આરામ કરશે અને સવાર થતાં જ વારાણસી માટે પ્રસ્થાન કરશે.
પરંતુ, દુર્ભાગ્યવશ આગલી સવારે કોઈ પણ દેવી-દેવતાની આંખ ખુલી નહીં. મહાદેવ ઉઠ્યા અને એકલા જ વારાણસી જવા માટે નીકળ્યા. કહેવાય છે કે જે દેવી-દેવતા ઉઠી ન શક્યા તેઓ પથ્થરમાં બદલાઈ ગયા. આ પણ તે તમામ લોકકથાઓ પૈકીની એક છે, જેને ઘણા લોકો માને છે. ઉનાકોટીનો અર્થ એક કરોડથી ઓછું તેવો થાય છે.
સમગ્ર ખીણ મંદિરનો ભાગ હોય તેવું લાગે છે
ઉનાકોટીની સમગ્ર ખીણ જ એક વિશાળ મંદિરની જેમ દેખાય છે. લગભગ એક કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલા પહાડ પર જ્યાં સુધી નજર જાય છે ત્યાં પથ્થરો પર કોતરવામાં આવેલી દેવી-દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ દેખાય છે. ત્યાં ચતુર્મુખી શિવ, ગણેશ ભગવાન, દુર્ગા માતા, લક્ષ્મી માતા સહિત ઘણા દેવી-દેવતાઓની મૂર્તિઓ તો છે જ આ સિવાય અહીં તમને રાવણની મૂર્તિ પણ જોવા મળશે, જે હાથમાં ધનુષ-બાણ લઈને નિશાન સાધતી નજર આવે છે.
અહીં પહોંચતાં જ તમને અલગ જ અનુભવ થશે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ પર ચારેબાજુ પહાડ છે અને હરિયાળી, વૃક્ષો જોવા મળશે. આ વિસ્તાર ખૂબ ગાઢ જંગલોની વચ્ચે વસેલો છે અને ખૂબ દુર્ગમ છે. એવું લાગે છે કે અલગ-અલગ સમય દરમિયાન અહીં મૂર્તિઓને બનાવવામાં આવી હશે.
સીતા કુંડમાં સ્નાન કરવાથી મળે છે પુણ્ય
શિવ ભગવાનની પણ ઘણી મૂર્તિઓ અહીં જોવા મળે છે. અહીં સૌથી મોટી મૂર્તિ શિવ ભગવાનની જ છે. તે મૂર્તિની પાસે નંદી પણ છે. બાંગ્લાદેશ અને પાડોશી રાજ્યોથી ઘણા લોકો અહીં આવે છે અને પૂજા કરે છે.
અહીં પહોંચ્યા બાદ તમને તેવી જ શાંતિ મળે છે જેવી કોઈ ધાર્મિક સ્થળ પર મળે છે. મોટી-મોટી મૂર્તિઓની વચ્ચે નાની-નાની અને એકલી બનેલી મૂર્તિઓ પણ જોવા મળે છે. ત્યાં નજીકમાં જ સીતા કુંડ પણ બનેલો છે, જેમાંથી જળની ધારા નીકળે છે. ધાર્મિક માન્યતા છે કે આ સ્થળ પર સ્નાન કરવાથી પુણ્ય મળે છે. અહીં આવતાં લોકો આ કુંડમાં સ્નાન જરૂર કરે છે.
ભગવાન વિશ્વકર્માના પુત્રએ બનાવી મૂર્તિઓ
સ્થાનિક લોકોની વચ્ચે વધુ એક કહાની પ્રચલિત છે. આ કહાની ભગવાન વિશ્વકર્માના પુત્ર કલ્લૂ કુમારની છે. અહીં રહેતા કબીલાના લોકો જણાવે છે કે કલ્લુ કુમાર ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે કૈલાશ જવા ઈચ્છતાં હતાં પરંતુ ભોલેનાથ તેમને ખાસ પસંદ કરતાં નહોતા.
તેથી તેમણે એક શરત મૂકી કે જો કલ્લૂ કુમાર એક રાતમાં એક કરોડ મૂર્તિઓ બનાવી દે છે તો તે કૈલાશ આવી શકે છે. કલ્લૂ કુમારે આખી રાત મહેનત કરીને મૂર્તિઓ બનાવી. જોકે, સવારે જ્યારે ગણતરી થઈ તો એક કરોડમાંથી એક મૂર્તિ ઓછી નીકળી અને કલ્લૂ કુમાર કૈલાશ જઈ શક્યાં નહીં. એક કરોડમાંથી એક મૂર્તિ ઓછી હોવાના કારણે આ સ્થળનું નામ ઉનાકોટી પડી ગયું.
આ એક કહાની પણ પ્રચલિત છે
વધુ એક કહાની અનુસાર કળિયુગની શરૂઆતમાં દેવી-દેવતાઓએ પૃથ્વી છોડીને સ્વર્ગ જવાનો નિર્ણય કર્યો. તેમને ખબર હતી કે કળિયુગમાં આ સ્થળ રહેવા લાયક રહેશે નહીં પરંતુ તેમણે એ પણ નિર્ણય કર્યો કે તેઓ પોતાની મૂર્તિઓ અહીં છોડીને જશે, જેથી ભવિષ્યમાં જે લોકો અહીં આવીને તેમના આશીર્વાદ લેવા ઈચ્છશે તે લઈ શકે છે.
કેવી રીતે પહોંચવું
ત્રિપુરાની રાજધાની અગરતલા દેશના વિભિન્ન શહેરોથી ફ્લાઈટ દ્વારા જોડાયેલી છે. ઉનાકોટી કૈલાશહેર અગરતલાથી 178 કિ.મીના અંતરે છે. અહીં માટે દરરોજ બસો દોડે છે. અહીં પહોંચવા માટે નજીકના રેલવે સ્ટેશન એનએફ રેલવેનું કુમારઘાટ છે, જે કૈલાશહેરથી 26 કિ.મી દૂર છે.
આ સિવાય ગુવાહાટી, શિલાંગ, સિલચર અને રાજ્યના ઘણા જિલ્લા અને પેટા-વિભાગીય શહેરોથી પણ કૈલાશહેર માટે દરરોજ બસો દોડે છે. અહીંથી ઉનાકોટી માત્ર 8 કિ.મી દૂર છે. ત્યાં પહોંચ્યા બાદ તમને અદ્ભુત અનુભવ થશે. અહીંની કુદરતી સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.