સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલો છે આ શિવમંદિરનો ઈતિહાસ: જાણો ભાવનગરના ભોજનાથ મહાદેવ મંદિરની રોચક ગાથા
600 year old Bhojanath Mahadev Temple in Bhavnagar : પાલિતાણા તાલુકાના હાથસણી ગામે શેત્રુંજી નદીના કિનારે હસ્તગીરી પર્વતની ગોદમાં 600 વર્ષ પૌરાણિક સ્વયંભૂ પ્રગટ ભોજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. સરવૈયા શાખનાં મહાપુરુષ જેસાજી વેસાજીના કાકા ભોજરાજજીને આ સ્થળે શિવ-સાક્ષાત્કાર થયો હતો, અને તેમણે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ધાર્મિક દ્રષ્ટિએ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર એવા ભોજનાથ મહાદેવના મંદિરનો ઈતિહાસ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ જોડાયેલો છે. ક્રાંતિકારી નેતા નાના સાહેબ પેશવા આ જગ્યાએ ગુપ્તવેશે રહ્યાં હતા.
આ પણ વાંચો: 5251 વર્ષ બાદ જન્માષ્ટમી પર બની રહ્યો છે આવો દુર્લભ યોગ: અવશ્ય કરો આ પાંચ ઉપાય
શેત્રુંજી નદીના કિનારે 600 વર્ષ જૂનું પૌરાણિક સ્વયંભૂ મહાદેવ મંદિર
પવિત્ર શ્રાવણ માસમાં ગોહિલવાડના શિવાલયોમાં શિવભક્તોનું ઘોડાપુર જોવા મળે છે, ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક એવા શિવમંદિરો છે, જેનો ગરવો ઈતિહાસ છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હાથસણી ગામે શેત્રુંજી નદીના કિનારે હસ્તગીરી પર્વતની ગોદમાં 600 વર્ષ જૂનું પૌરાણિક સ્વયંભૂ પ્રગટ ભોજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. સરવૈયા શાખના મહાપુરુષ જેસાજી વેસાજીના કાકા ભોજરાજજીને આ સ્થળે શિવજીનો સાક્ષાત્કાર થતાં તેમણે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, અને તેમના નામ પરથી મંદિરનું નામ ભોજનાથ મહાદેવ પડયું હતું.
નાના સાહેબ પેશવા અહીં ગુપ્તવેશે રહ્યા હતા
ધાર્મિક દ્રષ્ટિએ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર એવા ભોજનાથ મહાદેવના મંદિરનો ઈતિહાસ સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ જોડાયેલો છે. ઈ.સ.1857ના વિપ્લવ બાદ ક્રાંતિકારી નેતા અને વિપ્લવના પ્રણેતા નાના સાહેબ પેશવા પણ ગુપ્તવેશે આ સ્થળે રહ્યાં હતા. નાના સાહેબ પેશવા અહીં રહ્યાં ત્યારે સ્વરક્ષણ માટે કોઠા બનાવ્યા હતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ પણ પ્રતિષ્ઠિત કરી હતી, જે આજે પણ હજુ હયાત છે. 600 વર્ષ પહેલા થયેલા આ શિવ મંદિરના નિર્માણ બાદ જુદાં-જુદાં તબક્કે જીર્ણોદ્ધારનું કાર્ય થયેલું છે, અને હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પ્રકૃતિના ખોળે શિવના સાંનિધ્યમાં અનેક શ્રદ્ધાળુંઓ દર્શનાર્થે આવે છે.