Get The App

21મી સદીના વિશ્વની વાસ્તવિકતા

Updated: Apr 30th, 2021


Google NewsGoogle News
21મી સદીના વિશ્વની વાસ્તવિકતા 1 - image


- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- કેપટાઉન યુનિવર્સિટીના પુસ્તકો સળગી ગયા, અમુક તો 15મી સદીમાં  લખાયેલા હતા: આ ઘટના નાલંદા યુનિ.માં લાગેલી આગની યાદ અપાવે છે

૨૧મી સદીનું વિશ્વ આવું હશે, તેવું હશે, કેવું-કેવું હશે... આપણે અજબ-ગજબની કલ્પનાઓ કરી હતી. ૨૧મી સદીના ૨૧મા વર્ષે આ કલ્પનાઓ કોરોનાની કાળઝાળ ગરમીમાં વરાળની જેમ ઊડી ગઈ. મહામારી સામે બચવું એ પહેલી પ્રાયોરિટી બની ચૂકી છે. વૈશ્વિકરણના નામ નીચે રેસ્ટ ઇન પીસ લખાઈ ચૂક્યું છે. દરિયાકાંઠાની ભાષામાં કહીએ તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અમેરિકાએ જે ટ્રાવેલ એડ્વાઇઝ લાગુ કરી છે તે લેવલ ૪ ડુ નોટ ટ્રાવેલ છે. આ અંતર્ગત અત્યારે વિશ્વના ૮૦ ટકા દેશોનું ઇન્ટરનેશનલ ટુરિઝમ બંધ છે. દુનિયામાં ક્યાં શું સ્થિતિ છે તેના પર એક નજર નાખવા જેવી છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે ટુરિઝમ ચાલુ કર્યું છે. ત્યાં કોરોના ઘટયો છે એટલે. બંને દેશોએ ટ્રાવેલ બબલનું ઉદ્ઘાટન કર્યું હતું. એ અંતર્ગત ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયાના મુસાફરો એકબીજાના દેશમાં જાય તો તેમને ક્વોરન્ટાઇન થવાની જરૃર નથી.

દુનિયા આખી કોરોના સામે લડવામાં રોકાયેલી છે ત્યારે ચીને આ તકનો લાભ ઉઠાવીને હોંગકોંગ પર પકડ મજબૂત બનાવી છે. જિમ્મી લાઇ કરીને ત્યાં એક પ્રકાશક છે. તેઓ પોતે ઉત્તમ લેખક છે અને ચીની સરકારના ટીકાકાર છે. ૨૦૧૯ના પ્રો ડેમોક્રસી પ્રોટેસ્ટમાં ભાગ લેવા બદલ તેમને ૧૪ મહિનાની સજા કરવામાં આવી છે. આ ૧૪ મહિના તો ફક્ત નામના છે. હવે તેઓ ક્યારેય બહાર નહીં નીકળે કદાચ. ચીને આવા કેટલાય ક્રાંતીવીરોને જેલમાં ખતમ કરી નાખ્યા છે. હોંગકોંગ એક સ્વાયત્ત રાજ્ય છે અને ચીન તેની સ્વાયત્તા ખતમ કરી નાખવા માગે છે. ગુજરાત સરકારે ગુજરાત સાહિત્ય અકાદમીની કરી નાખી એવી રીતે.

ચીનની દાઢ દક્ષિણ અને પૂર્વ ચીન સમુદ્ર પર પણ વર્ષોથી ડળકેલી છે. તેની રક્ષા કાજે અમેરિકા અને જાપાન એક થયા છે ત્યારે શી જિનપિંગે એવું કીધું, અમારી આંતરિક બાબતોમાં માથુ મારતા અને સાહેબગીરી કરતા દેશોને આડેહાથે લેવામાં આવશે.

હમણા અમેરિકા અને ચીનની એક સચિવસ્તરની બેઠક યોજાઈ. તેમાં ચીનના સચિવે એવું કહ્યું, લોકશાહી કોકાકોલા નથી કે આખી દુનિયામાં તેનો સ્વાદ એક જેવો હોય. તેમનું આ લોજિક એવા દેશોના નેતાઓને કોઠે પડી શકે છે જેઓ કોરોના મહામારીના આવરણ હેઠળ લોકશાહી ખતમ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમેરિકા અને બીજા લોકશાહી સમર્થક દેશો માટે અત્યારે એક મોટી ચિંતા લોકશાહી બચાવવાની પણ છે. 

રશિયા મોકો શોધીને યુક્રેનને ગળી જવા અધીરું બન્યું છે. પુતિને યુક્રેનની સરહદ પર સૈનિકો અને શસ્ત્રોનો ખડકલો કરી દીધો છે. સ્ટેટ ઑફ ધ યુનિયન સ્પીચમાં તેમણે પશ્ચિમી દેશો વિરુદ્ધ ઝેર ઓક્યું. તેમણે કહ્યું, જો પશ્ચિમી દેશો સીમા ઓળંગશે તો ઝડપી અને આકરો પ્રતિભાવ મળશે. 

આ બાજુ અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડ હત્યા કેસમાં બહુ મોટો ચૂકાદો આવ્યો છે. જ્યોર્જ ફ્લોઇડનું ગળુ દબાવી તેની હત્યા કરનારા પોલીસ કર્મી ડેરેક શોવિનને દોષિત ઠરાવવામાં આવ્યા છે. ગયા વર્ષે જ્યોર્જ ફ્લોઇડની હત્યા બાદ અમેરિકામાં બ્લેક લાઇવ્ઝ મેટર આંદોલન બહુ તેજ બન્યું હતું. તેના પડઘા અમેરિકાની ચૂંટણીમાં પણ પડયા. હમણા પણ એક અશ્વેતની એક પોલીસમેને હત્યા કરી. ત્યારે અમેરિકાની ન્યાયપાલિકાએ જે કરોડરજ્જુ બતાવી છે તે અશ્વેતોની હિંમત વધારનારી ઘટના છે.

કેપ્ટાઉન યુનિવર્સિટીમાં હમણા આગ લાગી. એ આગ લાઇબ્રેરીમાં પહોંચતા હજારો પુસ્તકો બળીને રાખ થઈ ગયા. મોટા ભાગના પુસ્તકો આફ્રિકન સ્ટડીઝ પરના હતા. એ આફ્રાકા જ્યાંથી આદિમ માનવ આખા વિશ્વમાં ફેલાયો. ઘણાખરા તો ૧૫મી સદીમાં લખાયેલા હતા. આ આગે તક્ષક્ષીલા અને નાલંદા યુનિવર્સિટીમાં લાગેલી આગની યાદ અપાવી દીધી. 

યુદ્ધ હોય કે ન હોય, ત્રાસવાદ હોય કે ન હોય સીરિયાની જનતાને લોકશાહીનો સ્વાદ ચાખવા મળવાનો નથી. ૨૬મી મેએ ત્યાં સંસદીય ચૂંટણી છે, પણ આ ચૂંટણી કેવળ નામની છે. પ્રમુખ કમ સરમુખત્યાર બશર અલ અસદે ત્યાં વિપક્ષ ઊભો જ નથી થવા દીધો. સીરિયન યુદ્ધની આખી કથા ત્યાંથી જ શરૃ થાય છેને. આરબ સ્પ્રિંગ અંતર્ગત ત્યાં આંદોલન શરૃ થયેલા અને બશર અલ અસદે સારિન ગેસનો ઉપયોગ કરીને હજારો લોકોને મારી નાખેલા.

જરૃરી નથી કે દુનિયામાં બધે લોકશાહી જ હોય. ક્યાંક સરમુખત્યારશાહી પણ સારી નીવડે છે, ક્યાંક રાજાશાહી પણ. શાસક કેવો છે તે પણ જોવાનું રહેને. લી કુઆન યુએ સિંગાપોર પર ૪૦ વર્ષ રાજ કર્યું, પણ તેને સોનાનું બનાવી દીધું. તેની પાસે આલા દરજ્જાની શાસકીય સૂઝ. હાઈ નોલેજ. એવું જ તમે ફિદેલ કાસ્ત્રોનું કહી શકો. કાસ્ત્રોએ એકહથ્થુ રાજ કર્યું, પણ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું. શાસક એવો હોય તો સરમુખત્યારશાહી કે રાજાશાહી પણ ખરાબ નથી, પણ શાસક તો સારો મળવો જોઈએને. અન્યથા હાલત ઇસ્લામિક દેશો જેવી કે ચીન જેવી થાય કે જ્યાં જનતાને ચૂં કે ચાં કરવાનોય અધિકાર નથી.

બાય ધ વે પહેલી વખત ક્યુબા પર બિનકાસ્ત્રો પ્રમુખ શાસન કરશે. ફિદેલ કાસ્ત્રો બાદ તેમના નાના ભાઈ રાઉલ કાસ્ત્રોએ સત્તા સંભાળેલી અને હવે તેમની જ પાર્ટીના ડિયાઝ કેનેલ સત્તા સંભાળશે. ક્યુબામા પણ અસંતોષ અને હતાશા વધી રહ્યા છે. એવામાં ત્યાં થોડા ઘણા પરિવર્તનો આવી શકે છે.

કેનેડાના ફાઇનાન્સ મિનિસ્ટર ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેનેડાને બેઠું કોવિડમાંથી બેઠું કરવા ૮૧ કરોડ ડોલરનું બજેટ બહાર પાડયું છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસી એક લાખ લોકો લે ત્યારે એક જણાને લોહી ગંઠાવાની સમસ્યા થાય છે. તેમ છતાં યુરોપિયન યુનિયનની મેડિકલ એજન્સીઓએ ભલામણ કરી છે કે રસીની બોટલ પર આ વિશે ચેતવણી લખવામાં આવે. બ્રાઝિલમાં કોવિડ ડેથનો આંકડો ૩,૮૦,૦૦૦ને પાર કરી ગયો છે. ત્યાંની સરકાર કોરોનાની સારવાર બાબતે હવે ઠેઠ જાગૃત બની છે.

સ્વીડનમાં કોરોના હળવો પડવાથી પબ્લિક રીલેક્સ ફીલ કરી રહી છે ત્યારે ત્યાંની સરકાર બગડી છે. તેના આરોગ્ય પ્રધાને કહ્યું, કોરોના સમાપ્ત થઈ ગયો હોય એવી રીતે વર્તવાની જરૃર નથી. વધારે કડક નીતિ નિયમો લાવવામાં આવશે. 

વિશ્વમાં અત્યારે કોરોનાના ૧૪,૭૯,૦૦,૦૦૦ કેસ નોંધાઈ ચૂક્યા છે અને ૩૧,૨૪,૯૬૪ મૃત્યુ થઈ ચૂક્યા છે. કોરોનાએ દુનિયા બદલી નાખી છે. આ મહામારી જશે ત્યાં સુધીમાં વિશ્વ સંપૂર્ણ બદલાઈ ચૂક્યું હશે. ગ્લોબલાઇઝેશન પછી શું હશે? તે ગ્લોબલાઇઝેશન કરતા વધારે રોમાંચક હશે કે નહીં તે અત્યારે તો માત્ર કલ્પના કરવાનો વિષય છે. એવી થીઅરી પણ ચાલે છે કે આ મહામારી એક ષડયંત્ર છે. ચીને કે કોર્પોરેટ્સે આ જાણીજોઈને કર્યું છે. આ બધી થીઅરીઓ છે. ધારણા છે. આપણે ધારણાને બદલે હકીકતનો હાથ પકડીને ચાલશું તો બહેતર વિશ્વ રચી શકીશું.


Google NewsGoogle News