અફઘાનિસ્તાનમાંથી USની એક્ઝિટઃ પરાજય?
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- લોકશાહી ક્યારેય દાનમાં મળી શકે નહીં, અફઘાનિસ્તાનને અમેરિકાએ આપેલી લોકશાહી ટકાવવા માટે અફઘાનીઓએ તાલિબાન સામે લડવું પડશે
બીજા વિશ્વયુદ્ધથી લઈને કોરોના સુધીમાં વિશ્વએ ચાર પરિવર્તનો જોયા છે. એક તો બીજું વિશ્વયુદ્ધ પછી આવ્યું, એક કોલ્ડવોરના અંતે આવ્યું, એક કોરોના વખતે આવ્યું અને કોલ્ડવોર તથા કોરોનાની વચ્ચે આપણે જોયો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાસવાદી હુમલો. ૨૦૦૧માં અમેરિકામાં થયેલા આતંકી હુમલાએ દુનિયા બદલી નાખી. હંમેશા માટે. ૨૦૦૧થી લઈને કોરોના આવ્યો ત્યાં સુધીના ૨૦ વર્ષનો તબક્કો જુઓ તો ત્રાસવાદ-ત્રાસવાદ સિવાય કંઈ સંભળાતું નહોતું. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લેવાની ઘોષણા કરતા એક ચક્રનો જાણે અંત આવ્યો છે અથવા નવા ચક્રની શરૂઆત થઈ છે.
અફઘાનિસ્તાનના શાસકો એટલે તાલિબાન. તેમણે અલકાયદાને અફઘાનિસ્તાનમાં વિકસવાની સુવિધા આપી. ટ્રેનિંગ આપી. અમેરિકાએ અફઘાનિસ્તાન પર પ્રેશર નાખ્યું કે તે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાખોરોને તેમને સોંપી દે. તાલીબાને મચક ન આપતા આરંભાયું યુદ્ધ. તેમણે સૈન્ય શક્તિના જોરે તાલિબાનને સત્તામાંથી તો હટાવી નાખ્યા, પણ સાફ કરી શક્યા નહીં. કારણ કે તાલિબાનને અફઘાનિસ્તાનમાં ગ્રાસરૂટ સપોર્ટ છે. છેલ્લા ૨૦ વર્ષમાં અમેરિકાના ૨૩૦૦થી વધુ સૈનિકો ત્યાં મૃત્યુ પામ્યા છે. ૨૦,૦૦૦ ઘાયલ થઈ ચૂક્યા છે અને એક ટ્રિલિયન ડોલર ખર્ચાઈ ચૂક્યા છે.
હાલ અમેરિકાના ઝાઝા સૈનિકો નથી ત્યાં. માંડ ૧૫૦૦ જેવા છે. તેમને પણ તેણે પાછા બોલાવી લેવાનો નિર્ણય કર્યો છે. વિશ્વ રાજનીતિમાં અને એશિયાની રાજનીતિમાં આ એક મોટો વળાંક છે. અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી બોલાવી લેવા એ જો બાઇડનની ભૂલ તો નહીં પુરવાર થાયને. ડોનલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં વિશ્વ રાજનીતિમાં અમેરિકા જ્યાં-જ્યાં નિષ્ક્રિય થયું ત્યાં-ત્યાં ચીને પગપેસારો કર્યો છે. તો અમેરિકા અફઘાનિસ્તાનમાંથી હટી જશે પછી ચીન ત્યાં નહીં ઘૂસે તેની શું ખાતરી છે? બાઇડન પણ ટ્રમ્પ જેવી જ ભૂલ તો નથી કરી રહ્યા ને?
અમેરિકા અફઘાનિસ્તાનમાંથી વિદાય લઈ રહ્યું છે કારણ કે હવે તેને ત્યાંનો ખર્ચ પોસાય તેમ નથી. ૨૦ વર્ષ સુધી તે જે જમીન પર રહ્યું ત્યાં હાર્યું કે જીત્યું? આ સવાલ પણ થાય. કારણ કે આજની તારીખે ૫૦ ટકા તાલિબાન અફઘાનિસ્તાનના હાથમાં છે. વાટાઘાટોમાં તેનો હાથ ઉપર છે. અમેરિકા જતું રહે તે પછી એવું પણ બને કે તે અમેરિકા દ્વારા સ્થાપવામાં આવેલી લોકતાંત્રિક સરકારને ઉખાડી ફેંકશે. જો એવું થશે તો અફઘાનિસ્તાનના લોકશાહી સમર્થકોનું તથા મહિલાઓનું બહુ મોટું નુકસાન થશે. તેઓ ભણવા નહીં જઈ શકે. સંગીત નહીં સાંભળી શકે. મુક્ત રીતે હરીફરી નહીં શકે. લાતિબાન સંકુચિત માનસના છે. અમેરિકા તેના સૈનિકોને બોલાવી લેશે એટલે સ્વાભાવિક છે કે બીજા દેશો પણ બોલાવી લેશે. ત્યાં બ્રિટનના ૭૫૦ સૈનિકો છે.
અફઘાનિસ્તાનની સેનામાં એટલી શક્તિ નથી કે તે લોકશાહી ટકાવી શકે. જો અફઘાનિસ્તાનને લોકશાહી જોઈતી હોય તો તે ટકાવી રાખવાની શક્તિ તેમણે પેદા કરવી પડે. તેના માટે લડવું પડે. અફઘાનિસ્તાનના લોકો લોકશાહી માટે કેટલુંક અને કેવુંક લડશે તે હવે પછી જોવા મળશે.
અમેરિકા એટલે વિશ્વની સૌથી મોટી સૈન્યશક્તિ તે તાલિબાન સાથે ૨૦ વર્ષ લડયા પછી પણ તેને હરાવી ન શકતી હોય તો શક્તિનો અર્થ શું સમજવાનો? શું એટલે જ રશિયાની હિંમત વધી રહી છે? રશિયા ૨૦૧૪માં ક્રીમિયાને ગળી ગયા પછી હવે યુક્રેનને ચાવી જવા બેબાકળું બન્યું છે. પુતિન હવે વૃદ્ધ થયા છે અને મરતા પહેલા પશ્ચિમી દેશો સાથે આરપારની લડાઈ ઇચ્છે છે. તેઓ કોઈ મોટી સૈન્ય કાર્યવાહી કરે એ પહેલા તેમને ગુંડા કહેનારા બાઈડને તેમને ફોન કરીને મળવાની ઈચ્છા દર્શાવી છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આ બહુ મોટી વાત છે.
રશિયાને ખબર છે કે અમેરિકાના ખુદના ઘરમાં અત્યારે હોળી છે. દુનિયાના બીજા દેશો પણ કોરોનામાંથી માથુ ઊંચું કરી શકે એમ ન હોવાથી ઝટ દઈને આંતરરાષ્ટ્રીય મામલામાં પડશે નહીં. એવામાં રશિયા તક ઝડપવા ચાહશે. પુતિન અને બાઇડન વચ્ચેની મુલાકાત કેવી રહે છે ત્યાર પછી ભવિષ્યનો અંદાજ આવી શકે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો જતા રહેશે પછી પાકિસ્તાન તેનો મિસયુઝ કરી શકે. પાકિસ્તાન અત્યારે અફઘાનિસ્તાન-તાલિબાન વાર્તાલાપમાં પણ ભારતને ઇચ્છતું નથી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું જવું એશિયા અને સમસ્ત વિશ્વની રાજનીતિ માટે મોટી ઘટના લેખાશે. ત્યાં ફરીથી ત્રાસવાદ પાંગરે તેવું પણ બની શકે છે. જો એવું થશે તો ફરીથી અમેરિકા અફઘાનિસ્તાનમાં ઘૂસશે? કે તેની નિસબત તો માત્ર ૨૦૦૧નો બદલો લેવા પૂરતી હતી?
૨૦૦૧માં ચીન એટલો મોટો પ્લેયર નહોતો. અત્યારે છે. વળી, કોરોનામાં બધા સહુ સહુમાં પડયા હોવાથી ઝટ દઈને કોઈ આંતરરાષ્ટ્રીય ઝઘડામાં કૂદવા તૈયાર નથી. એવામાં અફઘાનિસ્તાનમાં સ્થાપિત હિતોને મોકળું મેદાન મળી શકે છે. જો બાઇડન આ બધું કઈ રીતે હેન્ડલ કરશે તેના પરથી નક્કી થશે કે તેમની વિદેશ નીતિ ફેઇલ હશે કે સક્સેસ, તેના પરથી ખબર પડશે કે આગામી ચાર વર્ષ દરમિયાન અમેરિકાની વિદેશ નીતિ કેવી હશે. વર્તમાન અકલ્પનીય વળાંકો લઈ રહ્યો છે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- જર્મનીની રાજનીતિમાંથી અન્ગેલા મેર્કેલ હવે વિદાય લઈ રહ્યા છે ત્યારે શાસક ગઠબંધન ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સમાં વિવાદ શરૂ થયો છે. ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયનના નેતા અર્મિન લાશેટને સંયુક્ત ઉમેદવાર ઘોષિત કરવા કે બવારિયા સ્થિત ક્રિશ્ચિયન સોશિયલ યુનિયનના નેતાને. જર્મનીની રાજનીતિ ત્રિભેટ આવીને ઊભી છે.
- બોરિસ જ્હોનસને તેના પુરોગામી ડેવિડ કેમેરુન સામે તપાસના આદેશ આપ્યા છે. તેમના પર ગ્રીનસિલ ફાઇનાન્સ કંપની વતી લોબિંગ કરવાનો આરોપ છે. વધુ એક અશ્વેતની શ્વેત પોલીસ અધિકારી દ્વારા હત્યા બાદ મિનિયાપોલિસમાં આંદોલન ફાટી નીકળ્યા હતા. તેમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
- અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં અશ્વેતો માટે મતદાન કરવું વધારે કપરું બનાવી દેવામાં આવ્યું છે. અમેરિકાની સેલિબ્રિટીઓ, ત્યાંની કંપનીઓ તેના વડાઓએ આવા વોટિંગ બંધનોની ટીકા કરતા સ્ટેટમેન્ટ પર સહી કરી છે.
- ગ્વિલર્મો લાસો ઇક્વેડોરના નવા પ્રમુખ બન્યા છે. તેમણે સ્ત્રી અને પુરુષ વચ્ચે આવકની અસમાનતા ઘટાડવાનું, કુપોષિત બાળકોને પોષણ આપવાનું તથા પબ્લિક હેલ્થ સિસ્ટમ સુધારવાનું વચન આપ્યું છે. આને કહેવાય મૂળ મુદ્દા. આપણે ત્યાં ચૂંટણી મૂળમુદ્દા પર લડાતી જ નથી. એટલે લોકો વધારે હેરાન થાય છે.
- બ્રાઝિલની સંસદે કોરોનાને નાથવામાં નિષ્ફળ ગયેલા પ્રમુક જૈર બોલ્સોનારો સામે તપાસ બેસાડી છે. કોવિડને કારણે અત્યાર સુધીમાં ૩,૫૦,૦૦૦ બ્રાઝિલિયનોના મોત થઈ ચૂક્યાં છે. તપાસ સમિતિ ફાઇનલ રીપોર્ટ ફેડરલ પ્રોસીક્યુટર્સ ઑફિસને સોંપશે.
- ૨૭ વર્ષ સુધી બુર્કીના ફાસો પર શાસન કરનારા બ્લેઇઝ કોમ્પાઓર સામે તેના પુરોગામીની હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેણે પોતાના પુરોગામી થોમસ સંકરાને ૧૯૮૭માં હત્યા કરીને ઉથલાવી દીધો હતો. ૨૦૧૪માં બુર્કિના ફાસોમાં વિદ્રોહ થયેલો ત્યારથી બ્લેઇઝ પણ આઇવરી કોસ્ટમાં દેશવટો ભોગવી રહ્યો છે. બધું અહીંનું અહીં છે.