અફઘાનિસ્તાનમાં તાલિબાનનું પુનરાગમન: કોરોના ફળ્યો?
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- ઇન્ડોનેશિયામાં હાલ કોરોના બોમ્બની જેમ ફાટયો છે, હૉસ્પિટલો છલકાવા લાગી છે, અનેક જગ્યાએ ઑક્સિજનની અછત સર્જાઈ છે
અમેરિકા અફઘાનિસ્તાન છોડી રહ્યું છે અને એટલી જ ઝડપથી તાલિબાન અફઘાનિસ્તાનને ફરીથી કબજામાં લઈ રહ્યા છે. અફઘાનિસ્તાનની લોકશાહી મરણશૈયા પર છે. આ ઘટના અફઘાનિસ્તાનમાં દાખલો બેસાડશે. દુનિયાને જાણ થઈ ગઈ છે કે અમેરિકા વિશ્વની સૌથી મોટી મહાસત્તા હોવાની વાત કેટલી પોકળ છે. અમેરિકા જેવી મહાન શક્તિ ૨૦ વર્ષ સુધી લડીને એક સંગઠનને સાફ કરી શકી નથી તો જરૂર કોઈ વાત હોવી જોઈએ.
ચીન પણ હવે આંતરરાષ્ટ્રીય રાજનીતિનો બહુ મોટો પ્લેયર થઈ ગયો છે. ભવિષ્યમાં આ રીતે હવે અમેરિકા કે બીજા યુરોપિયન દેશો ફટાક દઈને કોઈ દેશ પર આમ ચઢાઈ કરતા પહેલા ૧૦૦ વખત વિચાર કરશે. પહેલા તાલિબાનને ખસેડયા. ૨૦ વર્ષ સુધી તે ઓલમોસ્ટ અમેરિકન સૈનિકોના કબજામાં રહ્યું. હવે અમેરિકન સૈનિકો જઈ રહ્યા છે અને તાલિબાન આવી રહ્યા છે.
આમાં અફઘાનિસ્તાનના સામાન્ય માણસોના જીવનનું શું? માત્ર અંધારુ. અફઘાન સેનાએ તો ઘણી જગ્યાએ તાલિબાન સામે લડયા વિના જ શરણાગતિ સ્વીકારી લીધી. બીજી બાજુ ઘણા બધા વિસ્તારોમાં સ્થાનિક લોકો સંગઠન બનાવીને તાલિબાનોનો સામનો કરી રહ્યા છે. તેમના અંધકારમય ભવિષ્યની જવાબદારી કોની? આ સવાલ પૂછવાવાળું પણ કોઈ નથી અને જવાબ આપનારું પણ કોઈ નથી.
કદાચ કોરોનાએ અમેરિકા અને યુરોપિયન દેશોની કમર તોડી નાખી છે. એટલે જ ઈરાન પણ હવે તેમની શરમ ભરતું નથી. ઈરાને ન્યુક્લિઅર વૉચડોગ ઇન્ટરનેશલ એટમિક એનર્જી એજન્સી (આઈએઇએ)ને મોઢામોઢ કહી દીધું છે કે, અમે યુરેનિયમનું સંવર્ધન કરી રહ્યા છીએ, જેથી તેનો ઉપયોગ વીજળી ઉત્પાદન માટે તથા બોમ્બ બનાવવા માટે થઈ શકે. ૨૦૧૫માં બરાક ઑબામાએ ન્યુક્લિઅર ડીલ કરી તે બહુ સમજી વિચારીને કરી હતી. તેના થકી ઈરાનને નિયંત્રણમાં રાખી શકાત, પરંતુ ટ્રમ્પે બધી બાઝી બગાડી નાખી. ઉપરથી આવ્યો કોવિડ. જો કોવિડ ન આવ્યો હોત તો કદાચ અમેરિકા અને બીજા યુરોપિયન દેશોએ તાલિબાનને રોકવાની હિંમત દાખવી હોત, પણ નહીં.
હવે તેઓ બધી જવાબદારી અફઘાની સેના પર નાખી રહ્યા છે. હવે વધુ યુદ્ધ કરવાના પૈસા ન તો યુરોપ પાસે છે ન અમેરિકા પાસે. આ ઘટનાક્રમો સમજાવી રહ્યા છે કે અમેરિકા, યુરોપ સિવાયના પણ સુપર પાવર્સ છે આ દુનિયામાં. એ સુપરપાવર્સ એટલે નિયતી. કુદરત. હવે જો બાઇડન ઈરાનને ફરીથી ન્યુક્લિઅર ડીલના બંધનમાં લાવવા માગે છે, પણ હવે એ સંભવ લાગતું નથી.
હૈતીના પ્રમુખ જોવિનલ મોઇસેની હત્યા થઈ ગઈ છે. પોલીસે કહ્યું કે તેણે છ હુમલાખોરોમાંથી ચારને અથડામણ દરમિયાન ઠાર કર્યા છે અને બેને ઝડપી લીધા છે. હજી એ સ્પષ્ટ નથી થયું કે હત્યા કોના ઈશારે કરાઈ છે.
હૈતીના વચગાળાના પ્રધાનમંત્રીને આવતા અઠવાડિયે ખુરશી ખાલી કરવાની હતી. તેઓ હવે વચગાળાના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળશે. ટૂંકમાં આટલા પરથી સમજી શકાય છે કે હત્યા કોણે કરાવી હશે.
બ્રાઝિલમાં રસી કૌભાંડ ગાજી રહ્યું છે. ત્યાંની સર્વોચ્ચ અદાલતે જૈર બોલ્સોનારો સામે તપાસના આદેશ આપી દીધા છે. તેમણે આરોપ છે કે તેમણે ભારત પાસેથી રસી ખરીદવામાં જે સોદો થયો તેમાં ચાલતી અનિયમિતતાની ઉપેક્ષા કરી. એક અધિકારીએ રસીના એક ડોઝ દીઠ એક ડોલરની લાંચ માગી હોવાનો આરોપ છે. આ મામલે સેનેટ તપાસ પણ બેસાડાઈ છે. હજારો બ્રાઝિલિયનો સરકારના વિરોધમાં સડક પર ઊતરી ગયા છે. તેઓ જૈર બોલ્સોનારોના મહાભિયોગની માગણી કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
આફ્રિકામાં એસ્વાતિની નામનો દેશ આવેલો છે. આ એક જ દેશ એવો છે જ્યાં હજુ પણ રાજાશાહી ચાલી રહી છે. તેના રાજાનું નામ છે કિંગ મસ્વાતી. તેમની સામે પણ દેખાવો શરૂ થઈ ચૂક્યા છે. પોલીસે કાયદાના એક વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ વિદ્યાર્થીઓ વિફર્યા છે અને સડક પર ઊતરી આવ્યા છે. પોલીસ બચાવ કરે છે, એને અમે નથી માર્યો એ કાર અકસ્માતમાં મરી ગયો. તેમનો આ બચાવ તદ્દન પાંગળો છે. કદાચ આફ્રિકાની છેલ્લી રાજાશાહી પણ જશે. તેમ થવાથી એસ્વાતિનીનો ઉદ્ધાર થઈ જશે એવું માનવું ભૂલ ભરેલું છે.
નાઇજિરિયાની શાળામાં ૧૪૦ વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ત્યાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અપહ્યુત થઈ ચૂક્યા છે. ત્યાં બોકોહરામ કરીને એક ત્રાસવાદી સંગઠન છે તે બહુ જ સક્રિય છે. બોકો હરામનો અર્થ થાય છે પશ્ચિમી શિક્ષણનો વિરોધ. તેઓ નાઇજિરિયનોને અજ્ઞાાનના કાળા અંધારામાં જ રાખવા માગે છે.
બીજી એક જાણવાજોગ ઘટના ઘટી છે. માર્ચ મહિનામાં એવર ગિવન નામની કંપનીનું એક જહાજ સુએઝ કેનાલમાં ફસાઈ ગયું હતું એ તો યાદ જ હશે. તેનાથી કેનાલને નુકસાન પણ થયું હતું. સુએઝ કેનાલનું ઇન્ટરનેશનલ ટ્રેડમાં ખૂબ મહત્ત્વ છે. એવર ગિવનનું જહાજ ફસાઈ જતા દિવસો સુધી બીજા વ્યાપારી જહાજોની લાંબી લાઈન લાગેલી. ખનીજતેલના ભાવ હલબલી ગયેલા. ઇજિપ્તે તે જહાજ જપ્ત કરી લીધેલું અને એવર ગિવન પાસે ૫૫ કરોડ ડોલરના દંડ કમ વળતરની માગણી કરેલી. એવર ગિવન અને ઇજિપ્ત સરકાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. કેટલા ડોલરમાં થયું તે બેમાંથી એકેય પક્ષકારે બહાર પાડયું નથી.
ઇઝરાયલમાં એક હંગામી કાયદો ઘડાયો હતો. જો કોઈ પેલેસ્ટિનિયન કોઈ ઇઝરાયલી સાથે લગ્ન કરે તો તેને ઇઝરાયલની નાગરિકતા નહીં આપવાની. આ કાયદો લંબાવવાની નવી સરકારે ના પાડી દીધી છે. લેબેનોનોન એક સામાજિક વિસ્ફોટની કગાર પર ઊભો છે. તેનું અર્થતંત્ર લાંબા સમયથી ફડચામાં છે.
ત્યાં ફુગાવો આસમાને પહોંચી જતા તેના ચલણની કોઈ કિંમત રહી નથી. દેશમાં દવા, ખોરાક સેન્ડબોક્સમાં જ રોકાતા હોવાથી તેમને અલગથી ક્વોરન્ટાઇન થવાની જરૂર નથી. પ્રવાસીને કોરોના હોવાની થાઈલેન્ડને ચિંતા નથી. તેઓ હવે એ પ્રમાણે જ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને તૈયાર કરી રહ્યા છે.
ઇન્ડોનેશિયામાં હાલ કોરોના બોમ્બની જેમ ફાટયો છે. હૉસ્પિટલો છલકાવા લાગી છે. અનેક જગ્યાએ ઑક્સિજનની અછત સર્જાઈ છે. બ્રિટનમાં જે ડેવલોપમેન્ટ છે તે જોવા જેવું છે. વડા પ્રધાન બોરિસ જૉનસને ઘોષણા કરી છે કે ૧૯ જુલાઈથી ત્યાં કોરોનાને લગતા તમામ નિયંત્રણો દૂર કરી દેવામાં આવશે.
માસ્ક પહેરવાની પણ જરૂર નહીં રહે. બ્રિટનમાં કોવિડ કેસ હાલ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ ઓલમોસ્ટ પબ્લિકે રસી લઈ લીધી હોવાથી હવે લગભગ કોઈને હૉસ્પિટલ જવાની જરૂર પડતી નથી.