કોરોનાઃ ઇયુ પછી હવે દક્ષિણ એશિયા એપિસેન્ટર
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- ન દેખાતો વાઇરસ કેવી રીતે આપણી દુનિયા બદલી રહ્યો છેઃ આવનારા સમયમાં દરેક વ્યક્તિને વેક્સિન પાસપોર્ટની જરૂર પડશે
સમગ્ર દુનિયામાં ૧૩,૬૭,૪૨,૪૦૫ કોવિડ કેસ છે. તેમાંથી ૨૯,૫૭,૪૨૭ના મૃત્યુ થઈ ચૂક્યા છે. ૧૦,૯૯,૭૪,૩૪૯ લોકો રીકવર થયા છે. ૨,૩૭,૧૩,૨૧૪ લોકોની આરોગ્ય સ્થિર છે. ૧,૦૩,૪૧૫ દરદીઓ સિરિયસ છે. ૧૦,૯૯,૭૪,૩૪૯ લોકો સાજા થઈ ગયા છે. આ આર્ટિકલ છપાશે ત્યાં સુધીમાં આંકડા ઘણા બધા બદલી ગયા હશે, પણ અહીં એક ઓવરવ્યૂ મેળવવા માટે લખ્યા છે. વિશ્વમાં કોવિડનો શિકાર બનતા દર ૧૦૦માંથી ૯૭ લોકો સાજા થઈ જાય છે. ત્રણ જણા મૃત્યુ પામે છે. કોરોનાથી મૃત્યુ દર હાલ ત્રણ ટકા છે. હાલ કોવિડનું નવું મોજું સૌથી તીવ્ર રીતે ભારતમાં ફુંકાઈ રહ્યું છે. ભારતમાં અત્યારે રોજના દોઢથી પોણા બે લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે, જે અમેરિકા કરતા પણ વધારે છે. ટૂંક સમયમાં ભારતની સ્થિતિ અમેરિકા કરતા પણ ખરાબ થઈ જશે એવો નિષ્ણાતોનો મત છે.
ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ કોરોના બ્લાસ્ટ થઈ ગયો છે. ભારતમાં રોજ દોઢ લાખ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હજારોની સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. અત્યારે કોવિડથી સૌથી વધુ પ્રભાવિત કોઈ ખંડ હોય તો તે યુરોપિયન યુનિયન માનવામાં આવે છે, પરંતુ થોડા જ સમયમાં દક્ષિણ એશિયા તેને પાછળ છોડી દેશે. દક્ષિણ એશિયા એટલે ભારત, પાકિસ્તાન, મ્યાંમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને બીજા દેશો. વિશ્વની ચોથા ભાગની વસ્તી દક્ષિણ એશિયામાં વસે છે. વળી, આ પ્રદેશ યુરોપ અને એશિયાની તુલનાએ બહુ જ ઓછો સમૃદ્ધ છે. દક્ષિણ એશિયામાં રસીકરણ થઈ રહ્યું છે, પણ વસ્તીની તુલનાએ રસીકરણની સ્પીડ બહુ જ ઓછી છે. સ્થિતિ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે. યુરોપિયન દેશો બીજી વખતને ત્રીજી વખત લોકડાઉન નાખી રહ્યા છે. કારણ કે ત્યાંની સરકારો પૈસાદર છે. તેઓ નાગરિકોને ઊંચી રાહતો અને ભથ્થા આપી શકે છે. દક્ષિણ એશિયાના દેશોમાં એવું નથી. દક્ષિણ એશિયન દેશોની કંગાળ સરકાર પાસે એવી કોઈ ફેસિલિટી નથી.
કોવિડને ન સ્વીકારનારા અને તેનો જ શિકાર બની જનારા તાન્ઝાનિયાના મરહૂમ પ્રમુખ જ્હોન મગુફુલીના સ્થાને સામિયા સુલુહુ હસન નવા પ્રમુખ બન્યા છે. તેઓય મગુફુલીથી કંઈ ઓછા ઊતરે એમ નથી. તેમણે કોરોનાને નાથવા માસ્કનો સહારો લેવાનો ઇનકાર કરી દીધો છે. સાઇન્ટિફિકલી પ્રૂવ થઈ ચૂક્યું છે કે માસ્ક કોરોનાને રોકવામાં બહુ મદદરૂપ થાય છે તોય તાન્ઝાનિયાના લોકો કોઈ બીજી દુનિયામાં જ જીવે છે.
જેવી રીતે યુરોપિયન યુનિનયનના દેશો વચ્ચે બોર્ડર નથી, તેવું જ ઓસનિયામાં છે. ઓસનિયા એટલે ઓસ્ટ્રેલિયા અને તેની આસપાસના દેશો. કોરોનાને કારણે ત્યાં પણ બોર્ડર સીલ થઈ ગયેલી. હવે તે ખોલવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડના લોકો હવે રોકટોક વિના એકબીજાના દેશમાં જઈ શકશે અને આ માટે કોઈ વેક્સિનની પણ જરૂર નહીં રહે.
ફ્રાંસમાં ત્રીજી વખત રાષ્ટ્રવ્યાપી લોકડાઉન થયું છે. ત્યાં પણ હૉસ્પિટલ્સ ઉભરાવા લાગી છે. શાળાઓ અને જીવન જરૂરી ન હોય તેવી ચીજવસ્તુઓની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. નાજી, સાંજનો કર્ફ્યુ એ ભારતના વિજ્ઞાાનીઓની શોધ નથી. ભારતમાં પણ તે અમલી છે. ફ્રાંસમાં સાંજે સાતથી સવારે છ વાગ્યા લગી કર્ફ્યુ લાગી કરી દેવાય છે.
બ્રિટનમાં એસ્ટ્રોજેનેકાનો વિવાદ ઊભો રહેવાનું નામ લેતો નથી. આ રસી લોહીના ગંઠોડા કરતી હોવાનું વધારે દૃઢ રીતે પુરવાર થઈ ચૂક્યું છે. બ્રિટનના મેડિકલ રેગ્યુલેટરે કહ્યું છે કે ૩૦થી નાની વયના યુવાનોને અન્ય રસી આપો. તેનાથી મોટાઓને એસ્ટ્રોઝેનેકાની રસી લેવામાં વાંધો નથી. તેઓને બ્લડ ક્લોટિંગની સમસ્યા ભાગ્યે જ થાય છે અને રસીના ફાયદા રસી કરતા અનેક ગણા વધારે છે.
બ્રાઝિલની હાલત અત્યારે વિશ્વમાં સૌથી દયનીય છે. ત્યાં રોજના ૪,૦૦૦ લોકો મરી રહ્યા છે તોય તેના પ્રમુખ જૈર બોલ્સોનારો સમજવા તૈયાર નથી. તેઓ લોકડાઉન લાદવા તૈયાર નથી. તેમનો રસીકરણ કાર્યક્રમ પણ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના નવા કેસ ઘટાડવા માટે રસીકરણ કાર્યક્રમની ગતિ અત્યારે જેટલી છે એના કરતા ત્રણથી પાંચ ગણી વધારવાની આવશ્યકતા છે.
કોવિડ મહામારીના પ્રતિધ્વનિ રૂપે હમણા એક નવો શબ્દ ગૂંજતો થયો છે વેક્સિન પાસપોર્ટ. વેક્સિન પાસપોર્ટ એટલે સરકાર તરફથી મળેલું એવું સર્ટિફિકેટ જેમાં લખેલું હોય કે આ વ્યક્તિએ રસીના તમામ ડોઝ લઈ લીધા છે. આ વેક્સિન પાસપોર્ટ જીમ, સ્ટેડિયમ, રેસ્ટોરાં અથવા ભીડભાડવાળી કોઈ પણ જગ્યાએ ચાલે. તે આંતરરાષ્ટ્રીય ટુરિઝમમાં પણ ચાલે. ઇઝરાયલ વેક્સિન પાસપોર્ટને માન્ય કરનારો દુનિયાનો પહેલો દેશ બની ગોય છે. યુરોપિયન યુનિયન અને બ્રિટન પણ તેને લાગુ કરવાની તૈયારીમાં છે. અમેરિકા વેક્સિન પાસપોર્ટનો વિરોધ એવું કહીને કરી રહ્યું છે કે આનાથી રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ થશે.
કેલિફોર્નિયા સરકારે કોરોના સંદર્ભે લાગુ કરેલા પ્રતિબંધો ૧૫મી જૂન સુધીમાં હળવા કરી દેવાનો નિર્ણય કર્યો છે. ઇટાલીએ દરેક હેલ્થ વર્કર્સ અને ફાર્માસિસ્ટ્સ માટે રસીકરણ ફરજિયાત બનાવી દીધું છે. જો તેઓ રસીકરણ નહીં કરાવે તો તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આવો નિયમ લાગુ કરનારો તે દુનિયાનો પહેલો દેશ બન્યો છે.
નરી આંખે ન દેખાતો વાયરસ માણસ જાતની દુનિયા બદલી રહ્યો છે. ને આપણને ઘમંડ છે કે આપણે આ દુનિયા પર રાજ કરીએ છીએ. માણસ જો પૃથ્વી પર રાજ કરવાનું મૂકી તેના જીવનતંત્રનું એક અંગ બની જાય એમાં જ આ અને આવનારી તમામ મહામારીઓનો કાયમી ઈલાજ દેખાઈ રહ્યો છે. એક સમયે અમેરિકા કોરોનાનું એપિસેન્ટર હતું, બાદમાં યુરોપિયન યુનિયન બન્યું અને હવે દક્ષિણ એશિયા છે. કમનસીબે ભારત દક્ષિણ એશિયામાં જ આવેલું છે.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- જોર્ડનમાં રાજકીય કાવાદાવા આસમાને છે. કિંગ અબ્દુલ્લાના ઓરમાન ભાઈ પ્રિન્સ અબ્દુલ્લા પર શાસન ઉથલાવવાના ષડયંત્રનો આરોપ મૂકી તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તેમના ૨૦ સાથીઓને પણ ગિરફ્તાર કરવામાં આવ્યા છે.
- યમનના દરમિયામાં તરી રહેલા ઇરાનના એક વહાણમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. તેના કારણે તેને ઘણું નુકસાન પહોંચ્યું છે. ઇરાન કહે છે કે આ કાર્ગોશિપ હતું, જ્યારે વાવડ એવા છે કે તે જાસૂસી જહાજ હતું. ઈઝરાયલે તે ઉડાવી દીધું. ઈરાને તેનો બદલો લેવાની ધમકી આપી છે.
- ચીની સરકારના દબાણને પગલે બીબીસીના પત્રકાર જ્હોન સડવર્થને તાઇવાન ભાગી જવું પડયું હતું. જોકે આ તેમના માટે પ્રાઉડ મોમેન્ટ હતી. તેમણે શિનજિયાંગ પ્રાન્તમાં ઉઇગર મુસ્લિમોના દમન વિશે તથા ચીનમાં કોવિડ-૧૯ના આઉટબ્રેક વિશે જે સ્ટોરીઝ કરી તેની દુનિયાભરમાં વાહવાહ થઈ રહી છે.
- ચીન અત્યારે હોંગકોંગના લોકશાહી સમર્થકોનું સખત દમન કરી રહ્યું છે. તાઇવાનમાં ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ૫૦નાં મોત થયાં હતાં.