વિશ્વઃ સોશિયલ મીડિયા લોકશાહી પર ભારે પડશે?
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- સોશિયલ મીડિયા ધંધો કરે તેમાં વાંધો નથી, પણ તે મોનોપોલી સર્જી સત્તાધારીઓના મિત્ર તરીકે કામ કરવા લાગે તેમાં લોકશાહીને નુકસાન છે
મનુષ્ય સિવાય વાત કરીએ તો સૌથી મોટો સમાજ કીડીઓમાં, કોરલમાં અને ચિમ્પાન્ઝીઓમાં જોવા મળે છે. પણ આ બધા તેમના નિસર્ગ દત્ત સ્વભાવથી જ કામ કરતા હોય છે. ક્યારેય કોઈ કીડી વિશે એવું નથી જાણ્યું કે તેણે તેના સમાજ સામે બળવો પોકાર્યો. ક્યારેય કોઈ વાંદરાને ભાષણ આપતા જોયો નથી. પરવાળા ક્યારેય પેકેજ ટુર પર દરિયા પાર ફરવા ગયાનું ધ્યાને આવ્યું નથી. આ બધું માણસ જ કરી શકે. કારણ કે તેની પાસે વિચારવાની શક્તિ છે, તેની પાસે બુદ્ધિ છે. પણ સમજો કે માણસની બુદ્ધિ પ્રતિભાને, તેની વિચાર ક્ષમતાને એક વાડામાં બાંધી દેવામાં આવે તો? એવું થઈ શકે છે કે નહીં એ પછીની વાત છે, પણ એવું કરવાના સંનિષ્ઠ પ્રયત્નો થઈ રહ્યા છે. ટેકનોલોજી એમ કરવામાં સહાયક બની રહી છે.
સોશિયલ મીડિયાનો વિશ્વમાં જ્યારે ઉભાર થયો ત્યારે તેને એક ડેમોક્રેટિક મીડિયમ માનવામાં આવતું હતું. એટલું ડેમોક્રેટિક કે જનતા પોતે જ તેમાં કલમ ચલાવે. સમાચાર દ્વારા નહીં, પણ સીધી વ્યક્ત થાય. તેને લીધે આરબ સ્પ્રિંગ થઈ, ભારતમાં અણ્ણા આંદોલન થયું. આ આંદોલનોનું પરિણામ શું આવ્યું તે આપણે જોયું. લોકશાહીનું સપનું લઈને નીકળેલા દેશો ડિસ્ટેબિલાઇઝ થઈ ગયા. નવા તાનાશાહોના હાથમાં આવી ગયા. ભારતમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તામાં આવેલા લોકો કોમવાદી રાજનીતિ કરવા લાગ્યા.
વાર્તા અહીંથી બદલાય છે. સોશિયલ મીડિયાના માલિકોય કંઈ દાન-ધર્માદો કરવા તો નીકળ્યા નથી. તેમનેય કમાવવું છે. એટલે તેમણે લોકોનો ડેટા વેચવાનું શરૂ કર્યું. તેમણે જાહેરાતો શરૂ કરી. જાહેરાતો દેખાડે ત્યાં સુધી વાંધો નહીં, પણ લોકોની પસંદ-નાપસંદના આધારે તેનો ડેટા તૈયાર કરીને વેચે તે ખતરનાક.
સોશિયલ મીડિયા લોકશાહીની મશાલ લઈને નીકળ્યા હતા અને લોકશાહીના જ દુશ્મન કેમ બની ગયા? સૌથી મોટું કારણ અનલિમિટેડ પૈસા અને સત્તાની લાલચ. આના માટે તેઓ અમુક હથકંડા અપનાવે છે. ૧) નાની-નાની સોશિયલ મીડિયા કંપનીઓને ગળી જાય અથવા તેને ખતમ કરી નાખવા માટે કોઈ પણ હદ સુધી જાય. તેના કારણે વિવિધ દેશમાં તેનો ફેલાવો અને વર્ચસ વધે.
૨) એક બાબત તમે માર્ક કરી? સોશિયલ મીડિયા આવ્યું પછી લોકો પોતાના વિચારોને લઈને વધુ કટ્ટર બની ગયા. વધુ આક્રમક બની ગયા. શામાટે? એટલા માટે નહીં કે લોકોને અભિવ્યક્ત થવાની છૂટ મળી. આવું થવામાં સોશિયલ મીડિયાનું જ પાપ છે. એક અભ્યાસ એવું જણાવે છે કે જ્યારે ટેન્સ માહોલ હોય ત્યારે લોકો વધુ આક્રમકતાથી પોતાના વિચારો વ્યક્ત કરે છે અને સોશિયલ મીડિયા પર વધારે સક્રિય રહે છે. આથી સોશિયલ મીડિયા નેગેટિવિટીને, ટેન્સ માહોલને, આક્રમકતાને સતત પ્રોત્સાહિત કરતું રહે છે. કારણ કે એમાં એની દુકાન ધમધોકાર ચાલે છે.
૩) આવું કરવા માટે સોશિયલ મીડિયા અલ્ગોરિધમની મદદ લે છે. આ અલ્ગોરિધમને કહેવામાં આવે છે ફિલ્ટર બબલ. ફિલ્ટર બબલના આધારે સોશિયલ મીડિયા તમને માત્ર એવી જ પોસ્ટ્સ દેખાડે છે જે તમારા વિચારો સાથે મેળ ખાતી હોય. જો તમે જમણેરી હશો તો તમને તમારા ફેસબુક એકાઉન્ટમાં ૧૦માંથી આઠ પોસ્ટ જમણેરી વિચારો વાળી જ દેખાશે. જો તમે ઉદારવાદી હશો તે એ પ્રમાણે. તમને સાચું ચિત્ર દેખાડવામાં આવશે નહીં, ગમતું ચિત્ર દેખાડવામાં આવશે. હવે શું થાય છે? તમે આ ફિલ્ટર બબલથી અજાણ છો. આવી રમતથી અજાણ છો. એટલે તમે એવું માની લો છો કો દુનિયા મારા જેવું જ વિચારે છે. આથી તમે પોતાના ઓપિનિયન્સને લઈને વધારે દૃઢ બનશો. વધારે આક્રમક બનશો. આની નેગેટીવ ઇફેક્ટ એ આવે છે કે બીજી સાઇડ વિચારવાની તમારી શક્તિ સંપૂર્ણપણે ઘસાઈ જાય છે.
૪) સોશિયલ મીડિયા પર આપણે મોજથી આપણો ડેટા મૂકતા હોઈએ છીએ. આપણા ફોટોગ્રાફ્સ, ફેમિલિના પિક્ચર્સ, આપણા વિચારો, આપણી પસંદ-નાપસંદ બધું જ. ઉપરાંત આપણી પોસ્ટ્સ, કોમેન્ટ્સ અને લાઇક્સનું પણ તેઓ એનાલિસિસ કરતા હોય છે. એના આધારે આપણો જે ડેટા તૈયાર થાય છે તેને સાઇકોગ્રાફિક ડેટા કહે છે. આપણા બાપુજી આપણા વિશે જેટલું ન જાણતા હોય તેટલું આ ફેસબુક જાણી લે છે. તેમને આપણા ઝીણામાં ઝીણા બિહેવિયરની ખબર પડી જાય છે. આ ડેટા તેઓ પ્રાઇવેટ કંપનીઓને વેચે છે. પોલિટિકલ પાર્ટીઓને વેચે છે.
૫) રમત અહીંથી શરૂ થાય છે. હવે પોલિટિકલ પાર્ટીઓ અને પ્રાઇવેટ કંપનીઓ પણ આપણી સાયકોલોજી સાથે રમવાનું શરૂ કરે છે. તેમની પાસે આપણો સાઇકોગ્રાફ હોય છે એટલે એ જ પ્રકારનું ભાણું આપણને પીરસે છે. અથવા મેજોરિટીને ધ્યાનમાં લઈને તેઓ ભાણું તૈયાર કરે છે. પ્લસ એક વખત તમારી પાસે કોઈ વ્યક્તિનો સાઇકોગ્રાફિક ડેટા હોય એટલે તમે તે વ્યક્તિની પસંદ-નાપસંદને ધીમે-ધીમે ટ્વિસ્ટ પણ કરી શકો. યુવાલ નોહ હરારીએ આ વિશે વિસ્તારથી લખ્યું છે.
ફેસબુક અને બીજી સોશિયલ મીડિયા કંપનીઓ તો વેપારી છે. તેમને ગમે ત્યાં ધંધો કરવો છે. ફેસબુક, ગુગલ, એમેઝોન આવી ચાર-પાંચ કંપનીઓ એવી છે જેણે અડધાથી વધુ વિશ્વમાં મોનોપોલી ઊભી કરી દીધી છે. તેઓ શું કરે? કોઈ પણ દેશમાં શાસક પક્ષ જોડે જ ડીલ કરી લે. સોશિયલ મીડિયા કંપનીઓ સત્તાધારીઓને ગમે એવું કરે, સત્તાધારીઓ સોશિયલ મીડિયા કંપનીને બધી અનુકૂળતા કરી આપે. તેમના આ ગઠબંધન થકી તેઓ જનતાના માનસ પર પોતાની પકડ વધુને વધુ મજબૂત બનાવતા જાય છે.
આનું પરિણામ એ આવે છે કે લોકોને ખબર પડ રહેતી નથી કે તેઓ ચોઈસ ગુમાવી ચૂક્યા છે. તેનું નુકસાન એ થાય છે કે લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય, પર્સનલ ચોઈસ આ બધું નામ માત્રનું બની જાય છે. આવું હજી પૂરેપૂરું નથી થયું, ઘણું ખરું થઈ ચૂક્યું છે, પણ હજી જાગી શકાય છે. આને રોકી શકાય છે. આને રોકવા માટે વિશ્વની લોકતાંત્રિક સરકારોએ સોશિયલ મીડિયા સામે એક થવું પડે. યુનાઇટેડ નેશન્સ અને બીજી આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સંસ્થાઓએ જાગવું પડે. મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને મોનોપોલી સર્જતા અટકાવવા પડે. નાના-નાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ગળી જતા રોકવા પડે. શું એવું સંભવ છે કે?
આમાં એક પ્રશ્ન એ પણ થાય કે સરકાર તો સત્તાપક્ષ ચલાવતો હોય. ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સત્તાપક્ષને ડેેટામાં સહાયક બનતા હોય તો સત્તાપક્ષ તેના પર શા માટે લગામ લગાવે? સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને લોકશાહીની લાઇનમાં લાવે તેવી અપેક્ષા તેની પાસે રાખવી થોડી વધારે છે. હા, સરકાર તો જ કરી શકે જો તેના પર જનતાનું પ્રેશર હોય. પબ્લિક આ વિશે પોતાનો સ્ટ્રોન્ગ મત ધરાવતી થાય તો આવું થઈ શકે. અન્યથા આવનારા વર્ષોમાં દુનિયાના લોકશાહી દેશોનો સંઘર્ષ વધશે. બીજું તો શું?
પશ્ચિમી દેશો આ વિશે થોડા-થોડા જાગૃત છે. ભારત અને આફ્રિકન દેશોમાં સાવ અંધારુ છે. ચીન અને રશિયાને તો પોતાની અલગ જ ઇન્ટરનેટ દુનિયા છે. ને તેમને લોકશાહી સાથે નાતોય ક્યાં છે.