Get The App

ટેક્સ હેવન દેશોના દિવસો આથમી જશે?

Updated: Jun 11th, 2021


Google NewsGoogle News
ટેક્સ હેવન દેશોના દિવસો આથમી જશે? 1 - image


- અરાઉન્ડ ધ વર્લ્ડ-  કુલદીપ કારિયા

- અત્યાર સુધી જાયન્ટ મલ્ટી નેશનલ કંપનીઓ જે દેશોમાં ટેક્સ નહીં બરાબર હોય ત્યાં ઊંચો નફો દેખાડતી હતી: જી૭ દેશો તે મિનિમમ ૧૫ ટકા ગ્લોબલ ટેક્સનો નિયમ લાવ્યા છે

સ્વિત્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, આયર્લેન્ડ, સિંગાપોર, હોંગકોંગ, લક્ઝમ્બર્ગ, સાઇમન આઇલેન્ડ્સ, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, બર્મુડા, સાઇપ્રસ, મોરેશિયસ, પનામા આ બધા ટેક્સ હેવન દેશો છે. આ એવા દેશો છે જ્યાં ઓછામાં ઓછો ટેક્સ છે. ઓછો ટેક્સ રાખવાના તેમના બે ગણિત છે. ૧) ટેક્સ ઓછો હોય તો ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ આવે. ૨) તેમની ભૂગોળ નાની છે, વસ્તી ઓછી છે એટલે શાસન ચલાવવા માટે એટલી બધી મહેનત કે એટલો મોટો કંઈ ખર્ચ નથી.

ફાઇન. દરેક દેશને પોતાની રીતે ટેક્સ સ્ટ્રક્ચર રાખવાનો હક છે. અહીં સુધી કોઈ વાંધો નથી. લોચો તે પછી શરૂ થાય છે. મલ્ટી નેશનલ કંપનીઓને ટેક્સ આપવો ગમતો નથી. એટલે તેઓ ભારતમાં, અમેરિકા કે બીજા કોઈ પણ દેશમાં ધંધો કરે તેનો નફો તે પેલા ટેક્સ હેવન દેશની બેલેન્સશીટમાં બતાડે છે. તે ભારતમાં ઓછો નફો બતાડે, અમેરિકામાં ઓછો નફો બતાડે, પણ પનામામાં જબરદસ્ત નફો બતાડે. પ્રોફિટ ક્યાં બતાડવો, ક્યાં છુપાવવો એ ઉચ્ચ દરજ્જાના અકાઉન્ટન્ટ્સ માટે રમત વાત હોય છે. ને વળી આ તો મલ્ટી નેશનલ કંપનીઓ. એટલે પછી શું ઘટે? 

ટેક્સ ચોર કંપનીઓ વિવિધ દેશોને વર્ષોથી આ રીતે ચૂનો અને કાથો બંને લગાડતી રહી છે. જી૭ દેશોની તેના પર નજર હતી. જી૭ દેશો એટલે યુએસ, જાપાન, જર્મની, બ્રિટન, ફ્રાંસ, ઇટલી અને કેનેડા. ગ્લોબલ ટેક્સ વિશેનો જે પ્રવર્તમાન કાયદો છે તે ૧૯૨૦થી ચાલ્યો આવે છે. તેમાં ફેરફારની ચર્ચા વર્ષોથી થઈ રહી છે. અમેરિકામાં આ વિશેની ચર્ચા નહીં નહીં તો આઠ વર્ષથી ચાલી રહી છે. આખરે જી૭ બેઠકમાં તે ટેબલ પર આવ્યો.

 બ્રિટનમાં જી૭ દેશોના નાણાં મંત્રીઓની બેઠક મળી. તેમાં વૈશ્વિક સ્તરે મિનિમમ ૧૫ ટકા કોર્પેરેટ ટેક્સનો સિદ્ધાંત લાગુ કરવા પર સહમતી બની. ધારો કે કોઈ કંપનીને પનામામાં ૧૦ ટકા ટેક્સ ભરવો પડતો હોય તો ડિફરન્સનો પાંચ ટકા ટેક્સ તેને પોતાના મૂળ દેશમાં ભરવાનો રહેશે. ભારતમાં વોડાફોનનો કેસ બધાને યાદ છે. ટેક્સથી બચવા માટે વોડાફોને એવું દર્શાવેલું કે તેણે પનામામાં એક કંપની ખરીદેલી અને તેના કબાટમાંથી હચના શેર નીકળેલા. મિનિમમ ૧૫ ટકા ગ્લોબલ ટેક્સનો કાયદો આવે તો ઘણી ખરી કરચોરી ઘટી શકે છે.

એમેઝોન, ફેસબુક, ગુગલ, ટેસ્લા અને બીજી ઘણી બધી કંપનીઓ એવી છે જે કોઈ પણ દેશની સરકાર કરતા પણ વધારે શક્તિશાળી બની ચૂકી છે. સામ્યવાદી ચીનનું મોડલ વિચિત્ર છે. તેણે અર્થતંત્રમાં સંપૂર્ણપણે કેપિટલિસ્ટ નીતિઓ અપનાવી છે, પણ જેવી કોઈ કંપની વધારે પાવરફૂલ બને એટલે ચીન તેને પોતાના આડકતરા નિયંત્રણમાં લઈ લે છે. પેટીએમ તેનું એક ઉદાહરણ છે. જેક માને તેમણે વધારે પાવરફૂલ ન બનવા દીધા. ચીન જાણે છે કે વિશ્વ વ્યાપારમાં ટકવા માટે તમારી પાસે ટોપ ૧૦૦માં સ્થાન પામે તેવી કંપનીઓ હોવી જોઈએ, પણ એવી કંપનીઓને પાછી સરકાર કરતા પાવરફૂલ બનવા દેવાની નહીં.  અન્ય દેશોમાં આપણે જોઈએ છીએ કે મોટી કંપનીઓ લોબિંગ કરવા માંડે છે. સરકારની પોલિસી ડ્રાઇવ કરવા લાગે છે. ચીન આવી કોઈ શક્યતા ખુલ્લી રાખતું નથી.

ટેક કંપનીઓની જે રીતે સત્તાઓ વધતી જાય છે એ જોઈને વિવિધ દેશની સરકારો તેમને નિયંત્રિત કરવા જાગી રહી છે, પણ સૌથી પહેલો અને મૂળભૂત કંટ્રોલ ટેક્સ નિયંત્રણનો છે. ને એ જ હોવો જોઈએ, કારણ કે મૂળભૂત ખેલ વધુમાં વધુ પૈસા ઘરભેગા કરવાનો ચાલે છે. હજી જી-૨૦ દેશોની બેઠકમાં આ મામલો ચર્ચાશે, યુએનમાં જશે. 

એક વર્ગ એવી ડિમાન્ડ કરી રહ્યો છે કે ગ્બોલ કોર્પોરેટ ટેક્સ ૨૫ ટકા હોવો જોઈએ. તો જે જાયન્ટ કંપનીઓ છે તે ગ્લોબલ ટેક્સ અમલી ન બને તે માટે સક્રિય બની છે. ગ્લોબલ કોર્પોરેટ ટેક્સ કમસેકમ ૨૫ ટકા હોવો જોઈએ એ મુદ્દો ૧૦૦ ટકા સાચો છે. કારણ કે મોટા ભાગના દેશોમાં કોર્પોરેટ ટેક્સ ૨૫થી ૪૦ ટકાની વચ્ચે છે.

આપણને પ્રશ્ન થાય કે આટલો ઊંચો ટેક્સ શા માટે? એટલા માટે કેમ કે ઓટોમેશનને કારણે બેરોજગારી અતિશય ઝડપથી વધી રહી છે. કોઈ એક દેશમાં નહીં, વિશ્વમાં લગભગ બધે જ. તો જેમની નોકરી જઈ રહી છે, નોકરીઓ ન હોવાને લીધે જે પરિવારો પર અસર પડી રહી છે તેમને લાભાન્વિત કરવા માટે સરકારને પૈસા જોઈએ. 

પણ ૧૫ ટકાથી શરૂઆત થાય એ પણ સરાહનીય છે. આવકારદાયક છે. નો મામો કરતા કહેણો મામો શું ખોટો? કમસેકમ શરૂઆત તો થઈ. હવે જોવાનું એ રહે છે કે જે ટેક્સ હેવન દેશો છે તે કઈ રીતે રિએક્ટ કરે છે? ગ્લોબલ ટેક્સ ૧૫ ટકા રાખવા માગતી સરકારો, ટેક્સ ચોરી કરતી જાયન્ટ કંપનીઓ અને ટેક્સ હેવન દેશો વચ્ચેના આ ત્રિકોણીય જંગમાં ગ્લોબલ ટેક્સ લાવવા માગતી સરકારો વિજેતા બને તે જ લોકોના હિતમાં છે.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોની સરકારે જાહેર કર્યું છે કે કોવિડમાં તેના ૩૨ સાંસદના મોત થયાં છે. જે દેશમાં ૩૨ સાંસદો મરી ગયા હોય ત્યાં આમ જનતાનો મૃત્યુઆંક કેટલો ઊંચો હોય કલ્પી શકો છો. જોકે આઠ કરોડની વસ્તીવાળા આ દેશમાં કોવિડથી ફક્ત ૭૮૬ સામાન્ય લોકો મૃત્યુ પામ્યાં હોવાનું જાહેર કરાયું છે. જ્યાં સાંસદો ૩૨ મર્યા હોય ત્યાં ૭૮૬ સામાન્ય લોકો કઈ રીતે?

- ઈરાનનું સૌથી મોટું નૌસેના જહાજ ઓમાનના દરિયામાં બળીને ડૂબી ગયું હતું. જહાજમાં તકનિકી ક્ષતિને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. શ્રીલંકાના દરિયાકિનારા નજીક પ્લાસ્ટિકના દાણા અને કેમિકલ ભરેલું જહાજ ડૂબી ગયું હતું. 

- ચીનમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યા મોટી સમસ્યા છે. પહેલા ત્યાં માત્ર એક જ સંતાન કરવાનો કાયદો હતો. ત્યાર બાદ હમ દો હમારે દોનો કાયદો લવાયો. હવે ચીની સરકાર હમ દો હમારે તીનની પોલીસી લઈને આવી છે. જોકે હવે ચીની મહિલાઓ ત્રણ સંતાન માટે તૈયાર ન હોવાના અહેવાલ આવી રહ્યા છે.

- ચીનના એક બ્લોગરે એવું લખ્યું કે સીમા પર ભારત અને ચીન વચ્ચેની અથડામણમાં ચીનના જેટલા સૈનિકો મર્યા તેના કરતા ખૂબ ઓછા આંકડા ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. કિયુ ઝિમિંગ નામના બ્લોગરને આવું લખવા બદલ આઠ માસની જેલ થઈ હતી.

- ટેક્સાસની વિધાનસભામાં રિપબ્લિક પાર્ટી વોટિંગને લગતા કાયદામાં ફેરફાર કરી રહી છે. જેમાંની એક જોગવાઈ પોલિંગ સ્ટેશન ૨૪ કલાક ચાલુ ન રાખવા વિશેની પણ છે. અશ્વેત અને મેક્સિકન મૂળના મતદારોને મતદાન કરતા રોકવા માટે આ કાયદો લવાઈ રહ્યો છે. જ્યારે ખરડો વિધાનસભામાં રજૂ કરાયો ત્યારે ડેમોક્રેટ્સ વૉક આઉટ કરી ગયા હતા.

- કોલંબિયામાં વિરોધ થોભવાનું નામ લઈ રહ્યો નથી. પ્રમુખ ઇવાન ડયુકે હિંસાથી સૌથી વધુ પીડિત કાલિ શહેરમાં સેના મોકલી હતી. હ્યુમન રાઇટ્સ વોચના અહેવાલ પ્રમાણે કોલંબિયામાં હિંસા દરમિયાન ૬૩નાં મોત થયાં છે.


Google NewsGoogle News