દુનિયાઃ ગાંજો ઉગાડવાની મંજૂરીથી સામ્યવાદની શતાબ્દી સુધી
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- અમેરિકા અને યુરોપે વિશ્વમાં લોકશાહી મોડેલનો પ્રચાર-પ્રસાર કર્યો એમ શક્તિશાળી બનતું જતું ચીન હવે વિવિધ દેશોમાં તેના વિશિષ્ટ સામ્યવાદી મોડેલની નિકાસ કરશે
વિશ્વનું ગત સપ્તાહ સેંકડો ઘટનાઓથી ભરેલું રહ્યું. એક તરફ ચીનના સામ્યવાદી પક્ષે શતાબ્દી જંયતી ઊજવી તો બીજી તરફ ઉત્તર અમેરિકામાં અને કેનેડાના કેટલાક વિસ્તારોમાં કાતિલ ઠંડી નહીં કાતિલ ગરમી પડી. ત્રીજી તરફ સાઇપ્રસના જંગલોમાં આગ લાગી તો ચોથી તરફ સીરિયા અને ઈરાકમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધ્યું. ગત સપ્તાહમાં વિશ્વમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓના તથ્ય અને સત્ય સમજવા જેવા છે.
સિએરા-લિઓનની સરકાર સમુદ્ર તટ પર વસેલા બ્લેક જૉનસન ગામમાં માછીમારો માટે બંદરગાહ બનાવવાની છે. અહીંની ખાડીમાં વ્હેલ પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે. બંદર બનાવવા માટે સરકારે દરિયા કિનારાનો ૨૫૨ એકર વિસ્તાર કબજામાં લીધો છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ ચળવળકારો તેનો આકરો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું એમ છે કે જો અહીં બંદરગાહ બની જશે તો વ્હેલને પ્રજનન માટે જગ્યા નહીં મળે. તેની વસ્તી ઘટશે. અહીંનું પાણી દૂષિત થવાથી માછલીઓને અન્યત્ર ખસી જવું પડશે.
મક્સિકોની સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે કે જેમને ઘરે પાંદડા ઉગાડીને મેરીજ્યુઆનાનો નશો કરવો હોય તેમણે પરમીટ માટે અરજી કરવાની રહેશે. ગાંજાનું વેચાણ અગાઉની જેમ જ ગેરકાયદે રહેશે. સરકારી પરમીટના આધારે લોકો ઘરે પાંદડા ઉગાડીને નશો કરી શકશે. મેક્સિકોના પ્રમુખ એન્ડ્રીઝ મેન્યુલ લોપેઝ ઓબ્રાડોર બજારમાં ગાંજો વેચવાના વિચારને અનૈતિક ગણાવે છે. સરકારે આ માટે આમ તો કડક કાયદો ઘડયો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમાં જરાક જગ્યા કરી આપી છે.
અમેરિકાએ ઇરાન સમર્થિત સંગઠનો પર ઇરાક અને સિરિયા એરસ્ટ્રાઇક કરી હતી. આ માટે અમેરિકાના સૈન્ય વડામથક પેન્ટાગોને એવું કારણ આગળ ધર્યું કે, પેન્ટાગોને ઇરાકમાં અમેરિકનો પર ડ્રોન હુમલો કર્યો હતો. ઈરાનના પ્રમુખ હસન રુહાની ઈરાક પર પોતાનું વર્ચસ વધારવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે.
ઈઝરાયલના વિદેશ મંત્રી યેર લેપીડે યુએઈની મુલાકાત લઈ ત્યાં એમ્બેસીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું, અમે અહીં રોકાવા આવ્યા છીએ. ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ આરબ અમિરાત અને ઈઝરાયલે ગયા વર્ષે શાંતિ સમજૂતિ કરી છે. ઇઝરાયલ-યુએઈ વચ્ચે શાંતિ સમજૂતિ પછી યેર લેપિડ સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત લેનારા સર્વપ્રથમ ટોચના નેતા છે.
અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન ડોનલ્ડ રમ્સફેલ્ડનું ૮૮ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેઓ બે વખત અમેરિકાના સંરક્ષણ પ્રધાન રહ્યા. એક વખત જેરાલ્ડ ફોર્ડના કાળમાં અને બીજી વખત જ્યોર્જ ડબલ્યુ. બુશના સમયમાં. ૨૦૦૩માં ઈરાક યુદ્ધમાં તેમની ભૂમિકા મુખ્ય હતી. ઇરાકમાં કોમી રમખાણ અને બળવાખોરી ફાટી નીકળતા રમ્સફેલ્ડની ટીકા થયેલી. રમ્સફેલ્ડે અમેરિકાની તેલ કંપનીઓને લાભ કરાવવા માટે ઈરાક પર હુમલો કર્યો હોવાનું પણ કહેવાતું રહ્યું છે.
અમેરિકાનો ઉત્તર પશ્ચિમ અને કેનેડાનો પશ્ચિમ કાંઠો હીટવેવમાં શેકાઈ ગયો હતો. બ્રિટિશ કોલમ્બિયાના લિટન નામના ગામમાં તો પારો ઠેઠ ૪૯.૫ ડિગ્રીએ પહોંચ્યો. માઇનસ ૧૦થી પ્લસ ૩૦ ડિગ્રી વચ્ચે જીવવા ટેવાયેલા કેનેડામાં પારો ફાટીને ધુમાડે જતા લગભગ ૮૦૦થી વધુનાં મોત થયાં. મૃતકોમાં મોટા ભાગના વૃદ્ધ હતા. ક્લાઇમેટ ગમે તેટલું બદલાય માણસ ચેન્જ થવાનો નથી. તે સ્વાર્થી જ રહેવાનો.
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમાને ૧૫ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સમન્સને નકારવાના તથા જજને પડકારવાના ગુનામાં તેમને સજા ફટકારાઈ છે. તેમની સામે મૂળ કેસ ચાલે છે તે તો હજી બાકી જ છે. તેમના પર આરોપ છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે ફ્રાન્સની એક શસ્ત્ર કંપની પાસે લાંચ ખાધી હતી.
સુદાનમાં પણ ભૂતપૂર્વ પ્રમુખ ઓમર અલ બશીર સામે કેસ ચાલી રહ્યો છે. ત્યાંની સરકારે કહ્યું છે કે તેની સામે સ્થાનિક કેસ પૂરો થયા પછી તેઓ તેને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં મોકલશે. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતે તેના પર આરોપ મૂક્યો છે કે તે પ્રમુખ હતા ત્યારે તેમણે નરસંહાર કર્યો હતો. ૨૦૦૩માં ડાર્ફુર પ્રાંતમાં માનવતા સામેના અપરાધને ઉત્તેજન આપ્યું હતું. ફ્રાંસની જમણેરી નેતા મરીન લા પેન તેના રાષ્ટ્રવાદી વિચારો માટે જગખ્યાત છે. તેઓ જર્મનીના વિરોધી રહ્યા છે. તેમનો એવો આક્ષેપ છે કે જર્મનીએ યુરો એવી રીતે ડીઝાઈન કરેલો છે કે જર્મનીના અર્થતંત્રને ફેવર મળે. તેમનો આવો આરોપ હાસ્યાસ્પદ છે. તાજેતરમાં તેમની નેશનલ રેલી પાર્ટી સ્થાનિક ચૂંટણીમાં ભૂંડા હાલે પરાજિત થઈ હતી.
બ્રિટનના ઉતર આયર્લેન્ડ પ્રાન્તને યુરોપિયન યુનિયનનો ભાગ રાખવામાં આવ્યું છે. તે ઈયુના સિંગલ માર્કેટનો હિસ્સો હોવાથી બ્રેક્ઝિટ બાદ યુરોપિયન યુનિયન બ્રિટનને ત્યાં માંસના બનેલા બ્રિટનના ઉત્પાદનો વેચવાની મનાઈ ફરમાવી રહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે ચડસા-ચડસી થઈ રહી હતી. અંતે તેનો અંત આવી ગયો છે. ઇયુએ છૂટ આપી દીધી છે.
મ્યાંમારની સેનાએ ૨,૩૦૦ પ્રોટેસ્ટર્સને જેલમાંથી મુક્ત કર્યા છે. તેમાં આમ જનતા ઉપરાંત કેટલાક એક્ટિવિસ્ટ્સ અને પત્રકારોનો પણ સમાવેશ થાય છે. તેનો અર્થ એ નથી કે મિલિટરી સરકાર સત્તા છોડી દેશે. મ્યાંમારમાં મિલટરીના બળવા સામે જબરદસ્ત લોકરોષ ફાટી નીકળ્યો છે અને કેમેય કરીને શાંત થતો નથી. જનતાને ગુસ્સો ઠંડો પાડવા આ પગલું લેવાયું છે.
કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાએ ૧૦૦ વર્ષ પૂરા કર્યા. તેની ઉજવણી તિયનનમેન સ્ક્વેર ખાતે કરવામાં આવેલી. એ જ જગ્યા જ્યાં એક વખત હજારો વિદ્યાર્થીઓને ગોળીએ દેવાયેલા. ૭૦,૦૦૦ની મેદની ભેગી કરીને શી જિનપિંગે કેવી રીતે સીપીસીએ ચીનને બદલ્યું તેના ગુણગાન ગાયા. ચીનના આ ૧૦૦ આમ જુઓ તો રક્તથી ખરડાયેલા રહ્યા. સાથોસાથ દુનિયાને એક મેસેજ એવો પણ ગયો છે કે સામ્યવાદી શાસન ફેઈલ છે એવા ભ્રમમાંથી તે નીકળી જાય. સામ્યવાદી અર્થનીતિ જરૂર ફેઇલ થઈ ગઈ છે, પણ રાજનીતિ નહીં. હવે ચીન તેના પોલિટિકલ મોડેલની નિકાસ કરવાનું શરૂ કરશે. દુનિયામાં ચીન સ્ટાઇલ સામ્યવાદવાળા દેશોની સંખ્યા વધશે. લોકશાહી તરફી યુરોપ અને અમેરિકા માટે આ ચેતવાની ઘડી છે.
ઓસ્ટ્રેલિયામાં ડેલ્ટા વેરિયન્ટે ફુંફાળો માર્યો છે. સરકારે નવા અંકુશો લાગુ કર્યા છે. પ્રવાસ પ્રતિબંધો ફરીથી અમલી બન્યા છે. ન્યુ ઝીલેન્ડ સાથેનું જે ટ્રાવેલ બબલ હતું, જે અંતર્ગત બંને દેશોના નાગરિકો બેરોકટોક અવરજવર કરી શકતા હતા તે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયામાં હજી કેવળ પાંચ ટકા વસ્તીને જ રસી મળી છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ જણાવ્યું હતું કે, જુદી-જુદી રસીઓનું મિશ્રણ કરવાથી ઇમ્યુનિટીને જબરદસ્ત બુસ્ટ મળશે. એક ડોઝ ફાઇઝર-બાયોનટેકનો તથા બીજો ડોઝ ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાનો અથવા પહેલો એસ્ટ્રાઝેનેકાવાળો અને બીજો ફાઇઝરનો ડોઝ લેવાથી શરીરમાં એન્ટિબોડીની સંખ્યામાં જબ્બર ઉછાળો આવે છે. ઉત્તર કોરિયાના ગંડુ રાજા કિમ જોન્ગ ઉને કેટલાક સીનિયર અધિકારીઓને મહામારીને નાથવામાં અક્ષમ અને બેજવાબદાર ગણાવીને તેમને ઘરભેગા કરી દીધા હતા. તોય ધન્ય કહેવાય. અન્યથા આ ભાઈ તો સીધા ફાંસીએ જ લટકાવે એમ છે. તેમણે હૂને જણાવ્યું છે કે, અમારે ત્યાં કોરોનાનો એક પણ કેસ નથી. બોલો. આને કોણ પહોંચે?