કોરોનાઃ ઇટલીમાં હવે ઇકોનોમીની લડાઈ
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- કોવિડ પછી ઓટોમેશન ઓર વધ્યું છે, એવામાં યુનિવર્સ બેઝિક ઇન્કમનો આઇડીયા વધારે પ્રસ્તુત બન્યો છે
કોરોના સામેની લડાઈ આખી દુનિયા લડી રહ્યું છે તેનો ફાયદો એ છે કે આપણે બીજા દેશોના અનુભવમાંથી શીખી શકીએ છીએ. શીખવા માગીએ કે ન માગીએ તે આખી વાત અલગ છે. જેમ કે ઇટલીની ઑક્સિજન કટોકટી જોઈને કેરળે સબક મેળવ્યો. એકબીજાના સારામાઠા અનુભવો એકબીજાને કામ લાગી શકે છે. ન શીખવાનું પરિણામ શું આવે છે એનો જાત અનુભવ આપણે કરી રહ્યા છીએ. હાલ વિશ્વમાં નોંધાતા દર ૧૦૦માંથી ૪૦ કેસ ભારતના છે. ને એય કદાચ આંકડા છુપવાઈ રહ્યા છે એટલે. બીજા દેશોમાં અત્યારે કોવિડને લઈને શું ચાલી રહ્યું છે તે જાણવા જોગ છે.
સરકારની ફરજ છે કે તે તેના નાગરિકો પ્રત્યે દયાળું બને. કોઈ પાસે ઝાઝું ભેગું થઈ ગયું હોય તો તેની પાસેથી થોડુંક લઈને જેની પાસે નથી તેને આપવાનો પ્રયત્ન કરે. કોરોના જેવી મહામારીએ મિડલ ક્લાસ અને ગરીબ વર્ગને થપાટ મારી હોય ત્યારે તો ખાસ. અમેરિકામાં જો બાઇડનની સરકાર એમ કરવા કટિબદ્ધ છે. જો બાઇડને ૧.૮ ટ્રિલિયન ડોલરનું સોશિયલ પેકેજ બહાર પાડયું છે. ૧૯૬૦ પછીનું આ સૌથી મોટું સોશિયલ પેકેજ છે. તેમાં બાળકોને દવા અને સારવાર ફ્રી, નિઃશૂલ્ક કોમ્યુનિટી કોલેજ, ફેમિલી લીવ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જે માલેતુજાર છે. પ્રતિ વર્ષ ૧ મિલિયન ડોલર કરતા વધુ કમાય છે તેમના પર ૩૯.૬ ટકા ઇન્કમ ટેક્સ લગાવવામાં આવ્યો છે.
ટેક્સના આ દર અન્યાયી લાગી શકે, પણ એવું નથી. હવે આવા દર લાગુ કરવા જરૂરી છે. જે ધનપતિ છે તેના પર. કારણ કે ઓટોમેશને અનેક લોકોની નોકરી છીનવી લીધી હોવાથી સસ્તી દવા, સસ્તા મકાન હવે દુનિયાભરની સરકારોની ફરજ બની ગયા છે. યુનિવર્સલ બેઝિક ઇન્કમનો કન્સેપ્ટ હવે લાવવો પડશે. જે લોકો બેરોજગાર છે તેમને સરકાર પૈસા આપે. જે લોકો અતિ ધનવાન છે તેમની પાસેથી ઊંચો ટેક્સ વસૂલે. હવે બધાને નોકરી મળશે એવું સંભવ બનવાનું જ નથી. મહામારી આવી પછી ઓટોમેશન ઓર વધ્યું છે.
સિંગાપોરથી ચીન અવર-જવર કરતા મુસાફરોની સંખ્યા ઘણી મોટી છે, કિન્તુ ત્યાંની સરકાર જાગતી હોવાથી તેઓ કોરોનાને અટકાવી શક્યા છે. હાલ ત્યાં સ્થિતિ બિલકુલ નોર્મલ છે. અલબત્ત લોકોની અવર-જવર પર સતત નજર છે. લોકોને બહાર જવું હોય તો પહેલા સરકારી એપ પર અપડેટ કરવું પડે છે. જેનો ત્યાંના લોકો વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ મહામારી છે ત્યાં સુધી તેમણે એ કમને સ્વીકારી પણ લીધું છે. તેમને જાહેર સ્થળો પર જવું હોય તો પણ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. કારણ કે જાહેર સ્થળો પર અમુક હદ કરતા વધુ લોકોની અવર-જવારની મનાઈ છે. સિંગાપોરમાં કામ કરતા વિદેશી કામદારો તો તેમની નોકરી દાતા કંપનીને પૂછ્યા વિના ઘરની બહાર પણ નીકળી શકતા નથી.
પાકિસ્તાન કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે. માર્ચમાં ત્યાં કોરોનાના ૧૬,૦૦૦ એક્ટિવ કેસ હતા તે હાલ આઠ ગણા વધી ગયા છે. ગરીબી ત્યાં પણ એટલી છે કે ઇમરાન ખાન ચાહે તો પણ લોકડાઉન લગાવી શકે તેમ નથી. તેની કહાની પણ ભારત જેવી જ છે. કોરોનાની બીજી લહેર ગયા બાદ પાકિસ્તાનીઓ તદ્દન રીલેક્સ થઈ ગયા હતા. માસ્ક પહેરતા નહોતા. સોશિયલ ડિસ્ટન્સિંગ પાળતા નહોતા. ધાર્મક કટ્ટરતાએ આ દેશને બરબાદ કરી નાખ્યો છે. તેમણે આટલી કટ્ટરતા સાયન્સ પ્રત્યે બતાવી હોત તો આજે તે ક્યાં હોત?
ઇટલીમાં કોરોનાએ સત્તાપલ્ટો કરી કાઢ્યો છે. નવનિયુક્ત વડા પ્રધાન મારિયો દ્રાઘીએ અર્થતંત્રને બેઠું કરવા ૩૦૦ અબજ ડોલરનું પેકેજ બહાર પાડયું હતું. આ પૈસા યુરોપિયન યુનિયનમાંથી આવવાના છે. તેના માટે તેમણે ઇયુની શરતો માનવી પડશે. અલબત્ત ઇટલીની ઇકોનોમી બેઠી થતી હોય તો તેઓ શા માટે નહીં માને? કોરોના પૂરો થાય પછી પણ અર્થતંત્રને બેઠું કરવાની લડાઈ દુનિયાના બધા દેશો માટે બહુ લાંબા વર્ષો સુધી ચાલવાની છે.
ઇઝરાયલમાં કોવિડ બિલકુલ નિયંત્રણમાં છે. ગત અઠવાડિયે ત્યાં કોવિડથી એક પણ દરદીનું મૃત્યુ થયું નહોતું. જાપાનમાં ઇમર્જન્સી ડિક્લેર કરવામાં આવી છે. બાર તથા શોપિંગ મોલ્સ બંધ કરવામાં આવ્યા છે. ચીલીમાં કોરોનાના કેસ ઘટયા પછી પણ તે પોતાની બોર્ડર ખોલવા તૈયાર નથી. અમેરિકામાં સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલે માસ્કના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમણે રસી લઈ લીધી છે તેમણે માસ્ક પહેરવાની જરૂર રહેશે નહીં. હા, ભીડવાળા સ્થળો પર તથા સ્ટેડિયમ પર તેમણે માસ્ક પહેરી રાખવું પડશે.
વિવાદમાં સપડાયેલી જ્હોનસન એન્ડ જ્હોનસન રસી અમેરિકન સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. તેનાથી બ્લડ ક્લોટ થાય છે કે નહીં તેની તપાસ હજી ચાલુ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એસ્ટ્રાઝેનેકા રસીન છ કરોડ ડોઝ ગરીબ દેશોને દાનમાં આપશે. આપણે વધેલો નાસ્તો ભિક્ષુકોને આપી દઈએ એના જેવી કંઈક આ વાત છે. અમેરિકામાં આ રસી રીજેક્ટેડ છે એટલે તે ગરીબ દેશોને પધરાવી દેવાનું છે. આપણને પીએલ ૭૭ હેઠળ ચોખાની સહાય કરેલી એ કેમ ભૂલી શકાય?
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- ચાઇનાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું છે. તિન્હાએપ્રોજેક્ટ હેઠળ ત્રણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનવાના છે. તેમાંનું પ્રથમ ૨૦૨૨માં બનશે. તિન્હાએનો અર્થ થાય છે હાર્મની ઑફ હેવન્સ. વર્તમાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કરતા તેની સાઇઝ પાંચમા ભાગની હશે.
- ચીનના લીક થયેલા વસ્તી ગણતરી અહેવાલમાં બહાર આવ્યું છે કે ચીનની વસ્તી ઘટતી જાય છે. વસ્તીમાં ઘટાડો કોમ્યુનિસ્ટ શાસકોના અંદાજ કરતા ઘણો વહેલો શરૂ થઈ ગયો છે.
- વસ્તી ગણતરીના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે અમેરિકામાં ૪ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૩૩.૧૪ કરોડ જનસંખ્યા નોંધાઈ હતી. છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તીમાં ૭.૪ ટકાનો વધારો થયો હતો, જે અત્યાર સુધીનો સૌથી ધીમો વધારો છે.
- યુકેના પ્રાન્ત ઉત્તર આયર્લેન્ડના વડા પ્રધાન એર્લીન ફોસ્ટરે રાજીનામું આપ્યું છે. બ્રેક્ઝિટ પછી માલની અવર-જવાર માટે ઉત્તર આયર્લેન્ડ અને રિપબ્લિક ઑફ આયર્લેન્ડ વચ્ચે બોર્ડર ઊભી કરાતા વિવાદ શરૂ થયો હતો. ઉત્તર આયર્લેન્ડ આમ બ્રિટનનો ભાગ છે, પણ ત્યાંના લોકો એથનિકલી રિપબ્લિક ઑફ આયરલેન્ડ સાથે જોડાયેલા હોય છે. આવી ગંદી રાજનીતિનો કોઈ અંત હોતો નથી.
- ઈરાકમાં કોરોનાની સારવાર દરમિયાન એક હૉસ્પિટલમાં ઑક્સિજનનો બાટલો ફાટયો હતો. તેનાથી લાગેલી આગમાં ૮૦ જણાના મોત થયાં હતાં.
- સેમસંગના દિવંગત અધ્યક્ષ લી કુન હીનો પરિવાર વારસા વેરા રૂપે ૧૧ અબજ ડોલરનું ચૂકવણું કરશે. માનવ ઈતિહાસનો આ સૌથી મોટો ઇનહેરિટન્સ ટેક્સ હશે. તેમની પાસે રહેલા સાલ્વાડોર ડાલી, ક્લોડ મોનેટ અને પાબ્લો પિકાસોના ચિત્રો કોરિયાના નેશનલ મ્યુઝિયમ અને બીજી સંસ્થાઓને દાનમાં આપવામાં આવશે.