Get The App

તલોદ શહેરમાં તા.27મીથી સપ્તાહનું સ્વૈચ્છિક લૉકડાઉન રહેશે

- કોરોનાની ચેઇન તોડવા પ્રયાસ

- કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધતા નિર્ણય કરાયો : તા. 3 મે સુધી લૉકડાઉનનો અમલ કરાશે

Updated: Apr 25th, 2021


Google NewsGoogle News
તલોદ શહેરમાં તા.27મીથી સપ્તાહનું સ્વૈચ્છિક લૉકડાઉન રહેશે 1 - image

તલોદ, તા. 24

તલોદ નગર અને તલોદ તાલુકાના સંખ્યાબંધ ગામોમાં કોરોનાએ તીવ્ર ગતિએ આક્રમણ જારી રાખતા ન છૂટકે પ્રજાના જાહેર જનઆરોગ્યના હિતને કેન્દ્રસ્થાને રાખીને તલોદ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. જે અન્વે તલોદ નગર પાલિકાએ આગામી તા. ૨૭-૦૪-૨૦૨૧ મંગળવારથી તા. ૩-૫-૨૦૨૧ સોમવાર સુધ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે જે મુજબ તલોદના તમામ વેપાર ધંધા આગામી મંગળવારથી એક સપ્તાહ માટે સંપૂર્ણપણે બંધ રાખવાની વેપારી આલમને ફરજ પડશે.

તલોદ નગરમાં શનિ/ રવિ સંપૂર્ણ બંધ અને સોમથી શુક્ર દરમિયાન બપોરના ૨ વાગ્યાથી બજારો બંધ રાખવાનું અગાઉ ઠરાવવામાં આવ્યું હતું પરંતુ કોરોનાની ઝડપી તેજ ગતિને કારણે લોકો કોરોના પોઝિટિવનો ભોગ બન્યા છે.

એક તરફ ઠેર ઠેર ઉભા કરાયેલા કન્ટેઇમેન્ટ ઝોન માત્ર નામ પૂરતા જ હોય તેમ ભાસી રહ્યું છે. આવા ઝોનમાંથી સતત લોકો બેરોકટોક અવરજવર કરતા જ હોય છે. જેમાં કોરોનાના દર્દીઓ તથા તેમની સાથે રહેતા પરિવારોનો પણ સમાવેશ થાય છે. આવા ઝોનમાં પોલીસે મૂકેલા હોમગાર્ડઝ કે જીઆરડીની કોઈ જ ભૂમિકા હોય તેમ લાગતું નથી. તેઓ માત્ર સવારથી સાંજ જે તે ફાળવેલ જગ્યાએ બેસે છે, કોઈને પૂછપરછ કરવાની અન્ય કોઈ જ ડયુટી તેમની હોતી નથી.

કોરોના વાયરસના સંક્રમણની સાંકળને તોડવા લૉકડાઉન એકમાત્ર ઉપાય હોવાનું વિચારીને તલોદ નગર પાલિકા એક્શન મોડમાં આવી છે અને એક સપ્તાહનું લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉન દરમિયાન દાક્તરી સેવા સારવાર માટે આવશ્યક એવા દવાખાના અને દવાની દુકાનો સંપૂર્ણપણે ખુલ્લા રહેશે. જ્યારે તમામ દુકાનો, મોલ, લારી, ગલ્લા, પાથરણા તથા ગલીઓ અને સોસાયટીઓમાં ફરતા શાકભાજી અને ફ્રૂટ વેચતા ફેરિયાઓ સહિતના વેપાર ધંધા સદંતર એક સપ્તાહ માટે બંધ રહેશે. જ્યારે સવારે ૬થી ૯ અને સાંજે ૪થી ૬ દરમ્યાન જે તે પાર્લરવાળાઓ માત્ર દૂધ દહી અને છાશનું વેચાણ કરી શકશે. લૉકડાઉનના સમયગાળામાં બેફિકર થઈને ફરનાર તથા કાળાબજાર સહિતના ગોરખધંધા કરનારાઓ ઉપર જે તે કાયદાનો ઉપયોગ કરવાની તંત્રને ફરજ પડશે તેમ જાણવા મળેલ છે. તલોદ તાલુકાભરના ગામડાઓની તમામ દુકાનો તથા ચોકડીઓ ઉપર આવેલા બજારો પણ આ એક સપ્તાહના લૉકડાઉન દરમિયાન નાના મોટા વેપાર ધંધા બંધ રાખશે.

તંત્રએ લૉકડાઉનનું પાલન કરવા અપીલ કરી

તલોદ નગરપાલિકા પ્રમુખ દક્ષાબા ઝાલા, ઉપપ્રમુખ ઋતુલ પટેલ અને મુખ્ય અધિકારી સંજય રામાનુજ સહિત આગામી મંગળવારથી અમલમાં આવતા સાપ્તાહિક લોકડાઉનમાં સંપૂર્ણ બંધ પાળીને મહામારીના આ કપરા કાલમાં આમ પ્રજામાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહી તે માટે પૂરો સહકાર આપે તેવી અપીલ કરી છે.

વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે

સપ્તાહભર બંધ દરમિયાન સરકારી હૉસ્પિટલમાં કોવિડ-૧૯ના ટેસ્ટની કામગીરી તથા વેક્સિનેશનની કામગીરી નિયત સમય દરમ્યાન રાબેતા મુજબ ચાલુ રહેશે તેમજ દર્દીઓના નિદાન, સારવારની કામગીરી પણ ચાલુ રહેશે.

talod-city

Google NewsGoogle News