અરવલ્લીની 232 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નવા યુવા મતદારો મતદાન નહીં કરી શકે!

- બહુચરાજીના મેળાના દિવસે પૂનમે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન

- 28મી ઓકટોમ્બરે પ્રસિધ્ધ કરાયેલા આખરી મતદાર યાદી મુજબના મતદારો જ મત આપી શકશે : નિવાસી અધિક કલેકટર

Updated: Nov 24th, 2021


Google NewsGoogle News

મોડાસા,તા. 23

રાજયભરમાં ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજકીય પક્ષોમાં ચહલ પહલ વધી છે. માગસર સુદ પૂનમના રોજ બહુચરાજીના પ્રખ્યાત મેળાના દિવસે યોજાનાર આ ચૂંટણીને લઈ મતદાન ઉપર પ્રભાવ પડશે એમ મનાઈ રહયું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં  યોજાનાર ૨૩૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ નામ નોંધાવનાર નવા મતદારોને મતદાન કરવા નહી મળે એમ જિલ્લા ચૂંટણી શાખાના સૂત્રો દ્વારા જણાવાયું હતું.

આગામી ૧૯મી ડીસેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાની ૨૩૧ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે. જિલ્લામાં ૧૯૬ સરપંચ અને ૧૭૫૦ વોર્ડ સભ્યોની  આ ચૂંટણી રાજય ચૂંટણી પંચ દ્વારા ગત ૨૮મી ઓકટોમ્બરના રોજ આખરી પ્રસિધ્ધ કરાયેલા મતદાર યાદી મુજબ યોજાનાર છે. જિલ્લામાં ૧૯૬ ગ્રામ પંચાયતોમાં ૧ સામાન્ય,૧ ગ્રામ પંચાયતમાં મધ્યસત્ર અને ૩૪ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી ૬૩૧ મતદાન મથકો પર યોજાનાર છે. પરંતુ આ ચૂંટણી રાજય ચૂંટણી પંચ દ્વારા ગત ૨૮ મી ઓકટોમ્બરના રોજ પ્રસિધ્ધ કરાયેલ આખરી મતદાર યાદી મુજબ યોજાનાર હોઈ હાલ તંત્ર દ્વારા હાથ ધરાયેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હેઠળ નોંધાનાર નવા મતદારો આ ચૂંટણીમાં મતદાન કરી શકશે નહી.એમ વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું છ.

આ અંગે  અરવલ્લી જિલ્લાના અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડના જણાવ્યા મુજબ હાલ ૧લી નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી હાથ ધરાયેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ હેઠળ યોજાઈ રહી છે. જેમાં વિધાનસભા ચૂંટણીને લઈ મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવનાર છે. અને આ મતદાર યાદી પ્રસિધ્ધિ ૧લી ડીસેમ્બરના રોજ કરવામાં આવનાર છે.

 જયારે જાહેર થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ ૨૮મી ઓકટોમ્બરની આખરી મતદાર યાદી પ્રસિધ્ધિ હેઠળ કરવામાં આવનાર છે.

આમ હાલ સુધારણા ઝુંબેશ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવનાર નવા મતદારો ૧૯મી ડીસેમ્બરે યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન કરી શકશે નહી એમ જણાવાયું છે.


Google NewsGoogle News