Get The App

અધૂરો રોડ બનાવી કોન્ટ્રાક્ટર થયો રફુચક્કર, ખેડૂતો ખેતીનું કામ પડતું મૂકી રોડના સમારકામમાં લાગ્યા

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
Jafarabad News


Jafarabad News : જાફરાબાદ તાલુકાના માણસા અને જામકા ગામના લોકો તંત્રની બેદરકારીનો ભોગ બન્યા છે. એક તો અનેક રજૂઆત બાદ સરકારે માણસાથી જામકા જતો રોડ મંજૂર કર્યો, કોન્ટ્રાક્ટરે કામ પણ શરુ કર્યુ, પરંતુ આખરે રોડ બનાવવાનું કામ તો ખેડૂતોએ જ કરવાનો વારો આવ્યો. કારણે કે, સરકારે જે કોન્ટ્રાક્ટરને રોડ બનાવવાનું કામ આપ્યું હતું તે રોડ અધૂરો મૂકીને જતો રહ્યો. જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. આખરે ખેડૂતોએ 'અપના હાથ જગન્નાથ'ના સૂત્રને અપનાવી જાતે જ રોડ બનાવવાનું શરુ કર્યુ છે.

ખેડૂતોએ જાતે શરુ કર્યુ રોડનું સમારકામ

સરકારે અંબિકા કન્સ્ટ્રક્શનને રોડનું કામ સોંપ્યું હતું. પરંતુ અંબિકા કન્સ્ટ્રક્શન રોડનું કામ અધૂરું મૂકીને જતાં રહેતા સ્થાનિક ખેડૂતોએ અવારનવાર અંબિકા કન્સ્ટ્રક્શન અને એસ.ઓ.ને અનેક વખત રજૂઆત કરી. તેમ છતાં રોડની કામગીરી પૂર્ણ કરાઈ ન હતી. અંતે ખેડૂતો ખેતીનું કામ પડતું મૂકીને સ્વખર્ચે રોડનું સમારકામ કરવા મજબૂર બન્યા.

80 ખેડૂતો બનાવી રહ્યા છે 70 મીટરનો રોડ 

ખેડૂતો દ્વારા છેલ્લા એક મહિનાથી અનેક વખત અંબિકા કન્સ્ટ્રક્શન સહિત અધિકારીઓને રજૂઆત કરતાં ફક્ત આશ્વાસન જ આપવામાં આવતું હતું. આ દરમિયાન ચોમાસાની સિઝનમાં ખેડૂતોને ખેતરે જવા માટે મુશ્કેલી ભોગવવી પડતી હોવાથી અંતે ખેડૂતોએ કંટાળીને સ્વખર્ચે રોડના રિસરફેસિંગની કામગીરી હાથ ધરી છે. જેમાં 80 ખેડૂતોએ એકઠા થઈને 70 મીટરનો રોડ બનાવવાની કવાયત શરુ કરી છે.

આ  પણ વાંચો : ભાવનગર રેલવે ડિવિઝનની 10 ટ્રેનના સમયમાં થશે ફેરફાર, એશિયાટિક સિંહોની સલામતી માટે લેવાયો મોટો નિર્ણય

અધિકારીઓ-કોન્ટ્રાક્ટરની મિલીભગતનો આક્ષેપ

સમગ્ર મામલે ખેડૂતોએ અંબિકા કન્સ્ટ્રક્શન અને અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા છે. જ્યારે વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.


Google NewsGoogle News