મોડાસા,તા.10
મોડાસા તાલુકાના લીંભોઈ ખાતે આવેલા શનિદેવ મંદિરે શનેશ્વર
જયંતિનું પર્વ ઉજવાયું હતું. શનિ ભગવાનની મૂર્તિને કેરીઓનો શણગાર કરી વિશેષ અભિષેક
પૂજા યોજાઈ હતી. શ્રધ્ધાળુઓ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરી ભગવાન શનિદેવ ના દર્શન
કરી ધન્ય બન્યા હતા.
વૈશાખ વદ અમાવસને ગુરૂવારના રોજ શ્રી શનેશ્વર જયંતિ એટલે
શનિ ભગવાનનો જન્મ દિવસ તરીકે ઉજવાય છે. મોડાસાના લીંભોઈ ખાતે આવેલ શનિદેવ મંદિરે
વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. મંદિરના પૂજારી ચિરાગભાઈ જોશી
દ્વારા શનિદેવ ભગવાનની મૂર્તિને કેરીનો શણગાર કરી સુશોભિત કરાઈ હતી. વિવિધ આભુષણો,શણગાર
કરાયો હતો.
શનેશ્વર જયંતિ ને લઈ ખાસ અભિષેક પૂજાનું પણ આયોજન કરાયું
હતું.મહારાજે જણાવ્યું હતું કે આજે ૧૪૮ વર્ષે શનેશ્વર જયંતિ અને ગ્રહણ બંને એક જ
દિવસ રહયો હતો.
આમ લીંભોઈ ખાતે શનિદેવ મંદિરે શનિ ભગવાનના જન્મ દિવસની
શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી. મોડાસા પંથકમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત
કરી હતી. મંદિર તરફથી સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે અમલ કરાયો હતો.


