સરકારી નોકરીના નામે 9.60 લાખની ઠગાઇ : પિતા-પુત્ર સહિત ચાર સામે ગુનો
- નોકરી આપવાના બ્હાને વિશ્વાસઘાત
- મર્ચન્ટ નેવીમાં નોકરી કરતાં હોવાનું જણાવી બે મહારાષ્ટ્રીયન અને મોડાસા તાલુકાના દાવલી ગામના પિતા-પુત્રએ તેના મિત્રોને છેતર્યા
મોડાસા,તા. 3
અરવલ્લી જિલ્લાના જુની શિણોલ,ઝરડા અને લુસડીયા
ગામના ૩ યુવકોને રેલ્વે વિભાગ અને મર્ચન્ટ નેવીમાં સરકારી નોકરી અપાવવા પેટે રૂ.૯,૬૦,૦૦૦ ની રકમની છેતરપીંડી
આચરનાર શિક્ષક પિતા સહિત પુત્ર અને બે મહારાષ્ટ્રીયન સહિત ૪ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.લાખ્ખો
રૂપિયાની રકમનો ચુનો લગાવી નોકરી નહી આપી છેતરપીંડી આચરનાર આ ચારેય આરોપીઓ વિરૂધ્ધ
મોડાસા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકાના જુનીશિણોલ ગામનો ભૌતિક રાઠોડ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ કરી નોકરી શોધી રહયો હતો.દરમિયાન વર્ષ ૨૦૧૩-૧૪માં તેની સાથે મોડાસા હાઈસ્કુલમાં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતાં તેના જુના સહાધ્યાયી દાવલી ગામના કૃણાલ અસારી સાથે તેને મોડાસા ખાતે મુલાકાત થઈ હતી. વર્ષ ૨૦૧૯માં થયેલી આ મુલાકાતમાં કૃણાલે જણાવ્યું હતું કે તે હાલ મુંબઈ ખાતે ભારતીય નેવીમાં નોકરી કરી છે અને જો તારે સરકારી નોકરી કરવી હોય તો મુંબઈના સંતોષ કાલે મરાઠી અને નવનત જોગડે નેવી વિભાગમાં નોકરી માટે એજન્સી ચલાવે છે.આ બંને મહારાષ્ટ્રીયન ભારતીય મર્ચન્ટ નેવીમાં નોકરી પણ કરે છે. જો તારે નોકરી કરવી હોય તો તારે રૂ.૪ લાખ આપવા પડશે અને તું મારા બાપુજીને ઓળખે છે તેમને મળી લેજે. છેવટે સરકારી નોકરી ઈચ્છતાં આ યુવકે પરીવારજનોના દાગીના બેંકમાં ગીરવે મૂકી કૃણાલ અસારીના પિતા કે જે બનાસકાંઠામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા.તેમને રૂ.૩,૫૦,૦૦૦ તબક્કાવાર ચૂકવ્યા હતા.
આ ગઠીયાઓએ માંગ્યા મુજબના રૂ.૩.૫૦ લાખ
ભૌતિક રાઠોડે ચૂકવી દેતા તેને મુંબઈ બોલાવ્યો હતો અને ગોવાની એક પ્રાઈવેટ શીપીંગ ઈન્ટરનેશનલ
કંપનીમાં બોટમાં સાફ-સફાઈ કરવાનું કામ સોંપાયું હતું.એક મહિનાની નોકરી બાદ આ જુની શીણોલ
ગામના આ યુવકને તારા માટે અહી નોકરીમાં જગ્યા
નથી એમ કહી છુટો કરી દીધો હતો. સરકારી નોકરી આપવાના બ્હાને જિલ્લાના યુવકો સાથે
છેતરપીંડી આચરતી પિતા-પુત્રની જોડી સહિત મુંબઈના બે ઈસમોએ આજ રીતે મેઘરજ તાલુકાના ઝરડા
ગામના સંદીપભાઈ વલ્લભભાઈ ધમલાત અને ભિલોડા તાલુકાના લુસડીયા ગામના નિકુંજભાઈ બાબુભાઈ
કોપસા પાસેથી પણ રૂ.૬.૧૦ લાખની માતબર રકમ પડાવી લીધી હોવાનું જણાઈ આવ્યું હતું.
સરકારી નોકરી આપવાના બ્હાને જિલ્લાના
ત્રણ યુવકો સાથે છેતરપીંડી આચરનાર ચંદુભાઈ
ધુળાભાઈ અસારી રહે.દાવલી,તા.મોડાસા,કૃણાલ ચંદુભાઈ અસારી
રહે.દાવલી નામના પિતા-પુત્ર અને સંતોષ કાલે મરાઠી તેમજ નવનત જોગડે બંને રહે.મુંબઈનાઓ
વિરૂધ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરાઈ હતી. ટાઉન પોલીસે આ ચારેય આરોપીઓ
વિરૂધ્ધ ઠગાઈ,વિશ્વાસઘાત
અને છેપરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગઠિયા પિતા-પુત્રની જોડીમાં પિતા શિક્ષક
તરીકે ફરજ બજાવે છે
મોડાસા ટાઉન પોલીસે જે ચાર ગઠીયાઓ વિરૂધ્ધ
સરકારી નોકરી આપવાના બ્હાને રૂ.૯.૬૦ લાખની છેતરપીંડીનો ગુનો નોંધ્યો છે. તે આરોપીઓ
પૈકી ચંદુભાઈ અસારી અને કૃણાલ અસારી પિતા પુત્ર
છે. જેમાં પિતા ચંદુભાઈ ડી.અસારી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાંદોત્ર ખાતે
શિક્ષક તરીકેની નોકરી કરતાં હોવાનું નોંધાયું છે.આમ પિતા-પુત્રની જોડીએ તેમના જ ઓળખીતાઓને
લાખ્ખો રૂપિયાનો ચુનો લગાવતાં ચકચાર મચી છે.