વડાલી તાલુકામાં માવઠાથી વાલોળ, કપાસ સહિતનો પાક જમીનદોસ્ત
- તાલુકામાં ત્રણ ઇંચ વરસાદથી અન્ય પાકો પર વિપરીત અસર
- સરકારી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી
વડાલી તા.19
વડાલી તાલુકામાં ગુરૂવાર અને શુક્રવારે કમોસમી માવઠાથી ગાજવીજ
સાથે ધોધમાર ત્રણ ઈંચ વરસાદ પડતા વાલોળના મોડવા તેમજ કપાસ અને અન્ય ચોમાસુ પાકોને વ્યાપાક
નુકસાન થતાં ખેડુતો પાયમાલ બની ગયા છે.એકાએક આવેલા વરસાદથી પાકોની સોથ વળતા મોં માં
આવેલો કોળીયો છીનવાઈ જતા જવાબદાર તંત્ર દ્વારા નુક્સાનીની સર્વે કરી યોગ્ય વળતર આપવા
ખેડુતો ઉગ્ર માંગણી કરવા લાગ્યા છે.
હવામાન વિભાગની વરસાદની અગાહીને લઈ વડાલી તાલુકામાં બુધવારે
વાતાવરણમાં પલટો આવી આકાશમાં વરસાદી વાદળો ઘેરાવા લાગ્યા હતા.જે વાદળો ગાજવીજ સાથે
ગુરૂવાર સવારથી તાલુકામાં વરસવા લાગ્યા હતા.આ કમોસમી માવઠાથી શુક્રવાર સવાર સુધીમાં
તાલુકામાં ૩ ઈંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો.જેને લઈ તાલુકાના ભજપુરા, ચુલ્લા, કેશરગંજ, વેટલા, અસાઈ વાસણા તેમજ અન્ય
ગામોમાં વાલોળના મોડવા મોટાપાયે ધરાશાઈ થઈ જતા ખેડુતોએ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો
છે. જ્યારે કપાસનો પાક પણ પવન સાથે પડેલા વરસાદથી જમીનદોસ્ત થઈ ગયો છે.
તેમજ મગફળી તેમજ અન્ય
તૈયાર પાકો કમોસમી વરસાદથી બગડી જતા મોમાં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડુતોએ મોટુ નુકસાન
વેઠવાનો વારો આવ્યો છે.એકતરફ ચોમાસામાં ઓછો વરસાદ પડતા પાકોને બચાવવા ખેડુતો માટે મુશ્કેલ
બન્યા હતા ત્યાંજ બચેલા પાકનો પણ કમોસમી વરસાદથી સફાયો થઈ જતા ખેડુતો પાયમાલ બની ગયા
છે.જેથી જવાબદાર તંત્ર દ્વારા વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર આપવા ખેડુતો
ઉગ્ર માંગ કરવા લાગ્યા છે.