રવી સિઝનમાં ખાતરની કૃત્રિમ અછત

- સપ્તાહથી ખેડૂતો ધક્કા ખાતા હોવા છતાં ખાતર મળતુ જ નથી

- બટાકા અને ઘઉનું વાવેતર પુરજોશમાં શરૂ કરાયું પણ ખાતર ન મળતા વાવેતર ખોરંભે પડયું

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
રવી સિઝનમાં ખાતરની કૃત્રિમ અછત 1 - image

બાયડ,તા.10

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે રવી વાવેતરનો પ્રારંભ થઈ ચુકયો છે અને ખેડુતો બટાકાથી લઈ ઘઉંનું વાવેતર શરૂ કરી ચુકયા છે. ખરા સમયે રાસાયણીક ખાતરની અછત સર્જાતાં ખેડુતો હેરાન-પરેશાન થઈ ચુકયા છે.

ખેડુતોને ખાતર માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે છતાં પણ ખાતર મળી શકતું નથી જેના કારણે ખેડુતોમાં રોષ પણ ફેલાયો છે. એનપીકે, પોટાશ, સલ્ફેટ અને ડીએપી જેવા ખાતર માટે ખેડુતો તાલુકા કક્ષાએ રઝળી રહ્યા છે પણ સંતોષકારક જવાબ નહી મળતાં ખેડુતોની ઉંઘ હરામ થઈ ચુકી છે. રાસાયણીક ખાતર ને લઈ ખેડુતો એક તાલુકા થી બીજા તાલુકા સુધી પણ પહોંચી રહ્યા છે પણ નિરાશા હાથ લાગી રહી છે ત્યારે ઝડપથી રાસાયણીક ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડુતો માંગણી કરી રહ્યા છે.

બંને જિલ્લામાં શિયાળાની શરૂઆત થઈ ચુકી છે અને ખેડુતો ખેતી કામમાં પરોવાઈ ગયા છે. બટાકા અને ઘઉંનું વાવેતર પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ રાસાયણિક ખાતરને લઈ ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવી સીઝનના પ્રારંભે જ રાસાયણિક ખાતરની અછત સર્જાઈ છે અને તેના માટે ખેડુતો સહકાર મંડળીઓમાં આંટાફેરા મારી રહ્યા છે પણ પુરતા પ્રમાણમાં ખાતર મળતું નથી.

આ અંગે ખેડુતો જણાવી રહ્યા છે કે, દર વખતે આ સિઝનમાં ખાતરની અછત સર્જાય છે છતાં પણ અગમચેતીના કોઈ પગલા ભરવામાં આવતા નથી. સહકારી મંડળીઓમાં પણ પુરતા પ્રમાણમાં ખાતર આવ્યું નથી. ખાનગી ડીપોમાં ખાતર ઉંચા ભાવે વેચવામાં આવી રહ્યું છે અને ખેડુતોના ખિસ્સા ખંખેરવામાં આવી રહ્યા છે. ખેડુતોની મજબુરીનો લાભ લઈ કેટલાક રાસાયણીક ખાતર વિક્રેતા વેપારીઓ તગડો નફો પણ કમાઈ રહ્યા છે.

સહકારી મંડળીના ખાતર વિક્રેતાઓ જણાવી રહ્યા છે કે, પુરતા પ્રમાણમાં ખાતરનો સ્ટોક આવ્યો નથી એટલે આ સમસ્યા સર્જાઈ છે પણ નજીકના દિવસોમાં પુરતા પ્રમાણમાં ખાતર આવી જશે અને ખેડુતોની સમસ્યા હલ થઈ જશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો હતો.

જો કે, આ બધાની વચ્ચે હાલ રાસાયણીક ખાતરની અછતને લઈ ખેડુતો રવી સિઝનમાં વાવેતર કરવાના સમયે ફસાયા છે. ઝડપથી રાસાયણીક ખાતર ઉપલબ્ધ થાય તેવી ખેડુતો માંગણી કરી રહ્યા છે.


Google NewsGoogle News