Get The App

પ્રેમપ્રકરણને લઇને લીંબાલી ગામના યુવકની હત્યા, 5 આરોપીની ધરપકડ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
પ્રેમપ્રકરણને લઇને લીંબાલી ગામના યુવકની હત્યા, 5 આરોપીની ધરપકડ 1 - image


- ના પાડવા છતાં પ્રેમ સંબંધ ચાલુ રાખતા આખરે યુવકનું કાસળ કાઢી નાખ્યું

- ખેતરમાં લઇ જઇ કેફી પીણું પીવડાવ્યું, માથામાં રિક્ષાની કીકના સળિયાનો ઘા કર્યો, લાશ બાળી દીધી

આણંદ : સોજિત્રા તાલુકાના લીંબાલી ગામના ચરામાંથી યુવકની હત્યા કરી સળગાવી દીધેલ હાલતમાં મળી આવેલ લાશના બનાવમાં પ્રેમ પ્રકરણમાં બાવીસ વર્ષીય યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોર સહિત પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા.

સોજિત્રાના લીંબાલી ગામના ચરામાંથી હત્યા કરાયેલ હાલતમાં સળગાવી દીધેલ લાશ મળ્યાની ચકચારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. લીંબાલી ગામના ટેકરાવાળા ફળીયામાં રહેતો ૨૨ વર્ષીય ઋતિકકુમાર બચુભાઈ રાઠોડ ગત તા.૫મીના રોજ રાત્રિના સુમારે કોઈકનો ફોન આવતા ઘરેથી નીકળ્યો હતો અને મોડી રાત સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી .

અને આ અંગે બીજા દિવસે પરિવારજનોએ ગુમ થયા અંગે સોજિત્રા પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાવી હતી. બીજી તરફ ચરા વિસ્તારમાં આવેલ એક ખેતરની ઓરડી આગળ બનાવેલ ઓટલા ઉપર લોહીના ડાઘ મળી આવ્યા હતા અને લગભગ ૫૦૦ મીટર દુર આવેલ અન્ય ખેતરમાં ડાંગરના પરાળના ગંઠામાં સળગાવી દીધેલ હાલતમાં ૨૨ વર્ષના આશરાના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. 

જે અંગે સોજિત્રા પોલીસે સૌપ્રથમ અપમૃત્યુની નોંધ નોંધી અર્ધ બળેલ લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. જો કે લાશ બળી ગયેલ હોઈ પોલીસે ડીએનએ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું અને નમૂના લઈ ગાંધીનગર એફએસએલમાં મોકલી આપ્યા હતા.

બળી ગયેલ હાલતમાં મળી આવેલ મૃતદેહ ઋતિકકુમાર રાઠોડનો હોવાની ગામમાં ચર્ચાઓ જાગી હતી અને પ્રેમસંબંધમાં ઋતિકની હત્યા કરાઈ હોવાનું ચર્ચાની એરણે ચઢતા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. 

જેમાં બળી ગયેલ લાશ ઋતિક બચુભાઈ રાઠોડની હોવાનું ખુલવા સાથે લીંબાલી ગામના એક કિશોરની બહેન સાથે ઋતિકને પ્રેમસંબંધ હોઈ અવારનવાર ના પાડવા છતાં તેણે પ્રેમસંબંધ ચાલુ રાખતા ઋતિકની હત્યા કરાઈ હોવાનું ખુલવા પામ્યું હતું.  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લીંબાલી ગામના મિત શૈલેષભાઈ પટેલ, પ્રહલાદભાઈ ઉર્ફે પેલીયો મગનભાઈ સોલંકી, પરેશભાઈ ઉર્ફે લોટો રઈજીભાઈ તળપદા અને અન્ય બે કિશોરોએ મળી સમગ્ર કાવતરું રચ્યું હતું. 

જેમાં ઋતિકને કેફી પીણું પીવડાવી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે મુજબ પરેશ ઉર્ફે લોટો તળપદા ઋતિકને ગામમાંથી મોટરસાયકલ ઉપર બેસાડી ચરા વિસ્તારમાં આવેલ ખેતરમાં લઈ ગયો હતો જ્યાં તેને કેફી પીણું પીવડાવ્યા બાદ પાંચેય શખ્સોએ ભેગા મળી રીક્ષાની કિકનો સળીયો ઋતિકને માથાના ભાગે મારી હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ લાશને ઢસડીને નજીકના ખેતરમાં આવેલ ડાંગરના પરાળના ગંઠામાં ફેંકી દઈ આગ ચાંપી દીધી હતી અને પુરાવાનો નાશ કરી ત્યાંથી ચાલ્યા ગયા હતા. પોલીસે બે કિશોર સહિત તમામ પાંચ શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News