Get The App

આણંદના સલાટીયા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા મહિલાઓનું વિરોધ પ્રદર્શન

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
આણંદના સલાટીયા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા મહિલાઓનું વિરોધ પ્રદર્શન 1 - image


- સ્થાનિક લોકોને પાણીમાંથી અવરજવર કરવાની નોબત

- સોસાયટીઓમાં જવાના ટીપી સ્કીમના માર્ગ પર ખાડા પડતા લોકોને મુશ્કેલી, પાલિકામાં રજૂઆતો છતાં પરિણામ શૂન્ય 

આણંદ : આણંદ શહેરના સલાટીયા રોડ ઉપર વીસથી વધુ સોસાયટીને જોડતા ટીપી સ્કીમના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા આજે સ્થાનિક મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી નડતા સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ કરાઈ છે.

છેલ્લા કેટલાક વર્ષોથી આણંદ શહેર સતત વિકસિત થતાં અલગ-અલગ વિસ્તારોમાં રહેણાંક સોસાયટી બની છે. સતત વિકસતા જતા સલાટીયા માર્ગ ઉપર મહંમદઅલી પાર્ક સહિત વીસથી વધુ સોસાયટીઓ આવેલી છે. સોમવારના રોજ બપોરના સુમારે આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા આ સોસાયટીઓમાં જવાના ટીપી સ્કીમના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને પાણીમાંથી અવર-જવર કરવાની નોબત આવી છે. 

આ માર્ગ ઉપર ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાતા વરસાદી પાણીના કારણે આવા ખાડાઓનો ખ્યાલ ન આવતા અનેક લોકો ખાડામાં પટકાય છે અને ઈજા થવાના બનાવો બને છે. જેને લઈ સ્થાનિકોએ આજે સૂત્રોચ્ચાર કરી પાલિકા વિરૂધ્ધ રોષ ઠાલવ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં હજી સુધી નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નાખવામાં આવી નથી. તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન પણ નથી. જેના કારણે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથીમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ રહે છે. જેને લઈ માખી-મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક કાઉન્સીલર દ્વારા પણ આ અંગે પાલિકા સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકા સત્તાધીશો માત્ર ઠાલા વચનો આપે છે અને ડ્રેનેજ લાઈન માટે કોઈ કાર્યવાહી કરાતી નથી. આ વિસ્તારમાં ત્રણ ખાનગી શાળાઓ આવેલી છે. જેમાં અભ્યાસ કરતા બાળકોને પાણીમાંથી અવર-જવર કરવાની ફરજ પડી છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરાઈ છે.


Google NewsGoogle News