પેટલાદ તાલુકાના અરડી ગામે પીવાના પાણીનો થઇ રહેલો વેડફાટ
- પાઇપલાઇનમાં લીકેજથી વિસ્તાર પાણીમય
- 10 દિવસથી લાઇનમાં ભંગાણને કારણે પાણી ગટરમાં વહી જતા નાગરિકોમાં આક્રોશ
વધુમાં મળતી માહિતી મુજબ ઉનાળા દરમ્યાન કેટલાક અંતરિયાળ ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉઠતો હોય છે ત્યારે પેટલાદ તાલુકાના અરડી ગામે હરિજનવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો દુર્વ્યય થઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિક જાગૃતો દ્વારા આ મામલે સંબંધિત તંત્રમાં અનેકવખત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. સ્થાનિકોની રજૂઆતો છતાં કુંભકર્ણની ઘોર નીંદ્રામાં પોઢી ગયેલ સરકારી બાબુઓ આ અંગે દુર્લક્ષ સેવી રીપેરીંગની કામગીરી ન કરાતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. છેલ્લા દસેક દિવસથી પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પીવાનું પાણી ગટરમાં વહી જઈ વેડફાટ થઈ રહ્યો છે. પીવાના પાણીની પાઈપલાઈનમાં સર્જાયેલ ભંગાણને કારણે સ્થાનિકોને પીવાનું પાણી ડોહળું મળતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સ્થાનિકોને પડતી હાલાકીને ધ્યાને લઈ સંબંધિત તંત્ર દ્વારા રોકેટ ગતિએ કામગીરી હાથ ધરી પીવાના પાણીની પાઈપલાઈનમાં સર્જાયેલ ભંગાણનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.