પેટલાદના ભવાનીપુરામાં શુદ્ધ પાણી માટે ગ્રામજનોના વલખા
- અપુરતા પાણી વિતરણથી મુશ્કેલી
- હરસિદ્ધિ માતાના મંદિર વિસ્તારમાં ડહોળું પાણી વિતરણ કરાતા રોષ
ભવાનીપુરા ગામે હરસિદ્ધિ માતાના મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસોથી પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. જેને કારણે ગ્રામજનો અને પશુઓને પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણાં દિવસોથી પીવાલાયક પાણી આવતું નથી. તેમજ દિવસ દરમિયાન માત્ર અડધો કલાક જ પાણી છોડવામાં આવતા મુશ્કેલીઓ વધી છે. જેથી પશુઓને પણ પુરતુ પાણી પીવડાવી શકાતુ નથી.
હાલ અસહ્ય ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ પડતી હોય છે, ત્યારે અપુરતા પાણીને લઈ સ્થાનિકોને આમતેમ ભટકવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ અંગે તલાટી અવનીકાબેન પટેલે જણાવ્યું હતું કે, ચામુંડા મંદિર નજીક હરસિદ્ધિ માતા મંદિર વિસ્તારમાં ડહોળું પાણી આવતુ હોવા અંગે તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે પાણીના સમય મુજબ નિયમિત પાણી સ્થાનિકોને આપવામાં આવતું હોવાનો દાવો કર્યો હતો.