વહેરાખાડીના ગ્રામજનોનો આણંદની ખાણ ખનીજ વિભાગની કચેરીને ઘેરાવ
- મહીસાગર નદીના કાંઠે નહાવા પર પ્રતિબંધ લગાવતા
- નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા ભૂમાફિયાઓ સામે પગલાં લેવાની માંગ
આણંદ તાલુકાના ખાનપુર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં થોડા દિવસ પૂર્વે બે મિત્રો ડૂબી ગયા હતા. તાજેતરમાં ગામડી ગામના ચાર વ્યક્તિઓ ખાનપુર નજીક મહીસાગર નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જેને લઈ તંત્ર દ્વારા મહી કાંઠે આવેલા વહેરાખાડી સંગમ તીર્થ, ખાનપુર અને ઉમરેઠ તાલુકાના લાલપુરા નજીક મહીસાગર નદીમાં નહાવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
વહેરાખાડી સંગમ તીર્થ હોવાથી ત્યાં શ્રદ્ધાળુઓનો ધસારો વધુ રહે છે. તંત્ર દ્વારા નહાવા પર પ્રતિબંધ મુકાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. બુધવારે વહેરાખાડી ગામે યોજાયેલી ગ્રામ પંચાયતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા અને તંત્રના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો.
બાદમાં સરપંચ સહિત ગ્રામજનો આણંદ ખાતે આવેલી ખાણ ખનીજ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ કચેરીનો ઘેરાવો કરી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ વડોદરા તરફના ખનન માફિયાઓ આણંદની હદમાં પ્રવેશી મહીસાગર નદીના પટમાં હિટાચી મશીન તથા નાવડીઓ મૂકી રેતી ચોરી કરતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો હતો. જેથી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા તથા શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને લઈ નિર્ણય લેવા માંગ કરી હતી.