Get The App

વિદ્યાર્થિની પર દુષ્કર્મના કેસમાં વિદ્યાનગરના શિક્ષકને 25 વર્ષની સખત કેદની સજા

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થિની પર દુષ્કર્મના કેસમાં વિદ્યાનગરના શિક્ષકને 25 વર્ષની સખત કેદની સજા 1 - image


- આણંદની પોક્સો સ્પેશિયલ કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો

- બોર્ડની પરીક્ષામાં પાસ નહીં કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પર એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું : કોર્ટે પીડિતાને 4 લાખનું વળતર પણ અપાવ્યું

આણંદ : બોર્ડની પરીક્ષામાં વધુ ઈન્ટર્નલ માર્કસ અપાવવાની લાલચ અને બોર્ડની પરીક્ષામાં પાસ નહીં કરવાની ધમકી આપી સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારવાના પોક્સો એકટ હેઠળના બહુ ગંભીર કેસમાં આણંદ જિલ્લાના વિદ્યાનગરની અંગ્રેજી માધ્યમની આઇ.બી.પટેલ સ્કૂલના આરોપી શિક્ષક દર્શનકુમાર હર્ષદભાઇ સુથારને અત્રેની પોક્સો સ્પેશ્યલ કોર્ટના સ્પેશ્યલ જજ તેજસ આર.દેસાઇએ એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ૨૫ વર્ષ જેલની આકરી સજા ફટકારી છે. કોર્ટે વધુમાં ભોગ બનનાર પીડિતા વિદ્યાર્થિનીને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવી આપવા પણ હુકમમાં ઠરાવ્યું છે.

ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, વિદ્યાનગરની અંગ્રેજી માધ્યમની આઈ.બી. પટેલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દર્શનકુમાર હર્ષદભાઈ સુથાર (ઉં.વ. ૪૭, રહે. લક્ષ્ય સેફરોન, બાકરોલ)એ ૧૪ વર્ષ અને ૯ મહિનાની સગીર વિદ્યાર્થિનીને બોર્ડની પરીક્ષામાં કમ્પ્યુટરના પેપરમાં વધુ ઈન્ટર્નલ માર્ક્સ આપવાની લાલચ આપી તેમજ બોર્ડના પેપર પોતે જ ચેક કરવાનો હોવાથી પરીક્ષામાં પાસ નહીં કરે તેવી ધાકધમકી આપી ગત તા.૨૦-૩-૨૦૨૨થી તા.૨૮-૫-૨૦૨૨ દરમિયાન એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપી શિક્ષકે માસૂમ વિદ્યાર્થિનીને આ અંગેની કોઇને જાણ નહીં કરવાની ધમકી આપી હતી અને જો જાણ કરશે તો તેના પરિવારજનોને મારી નાંખવાની પણ ધમકી આપી હતી.

જે અંગે પરિવારને જાણ થતાં પરિવારે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષક સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે તા. ૨-૦૬-૨૦૨૨ના રોજ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ અંગે એડીશનલ સેશન્સ જજ, આણંદની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ફરિયાદીના વકીલની દલીલો, ૧૫ સાહેદો, ૩૫ દસ્તાવેજો સહિતના પુરાવાને ધ્યાને લઈ એડીશનલ સેશન્સ જજ, આણંદ તેજસ આર. દેસાઈએ આરોપી દર્શનકુમાર હર્ષદભાઈ સુથારને તકસીરવાન ઠેરવી પોક્સો એક્ટ હેઠળ ૨૫ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ કુલ રૂ.૧૧ હજારનો દંડ ફટકારી રૂ. ૪ લાખ ભોગ બનનારને વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો છે.


Google NewsGoogle News