આણંદ શહેરમાં 5 વિસ્તારમાં વેન્ડર ઝોન બનાવવામાં આવશે
- 3 હજાર ફેરિયાઓની રોજગારીનો પ્રશ્ન
- ગુરૂવારની બેઠક રદ રહી, હવે આગામી દિવસોમાં ઝોન અંગેનો નિર્ણય લેવાશે
આણંદ નગરપાલિકા વિસ્તારમાં ત્રણ હજાર જેટલા ફેરિયાવાળાઓ માટે વેન્ડર ઝોન બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી વાતો થઈ રહી છે. સરકારની એજન્સી દ્વારા ભૂતકાળમાં થયેલા સર્વે મુજબ ૨૨ ઝોન કરવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. પરંતુ અવકુડાની નિરસતાના કારણે કામગીરી થઈ ન હોવાના આક્ષેપ ઉઠયા છે. પાલિકામાં સાત વિસ્તારમાં ભાડાથી લારી- પાથરણાવાળાને જગ્યા આપવાનો અગાઉ પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જે ઠરાવ પણ પડતો મુકવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રશ્નના ઉકેલ માટે ગત ગુરુવારે ચીફ ઓફિસર એસ. કે. ગરવાલે વેન્ડર સમિતિ સાથે બેઠક યોજવાનો એજન્ડા બહાર પાડયો હતો.
પરંતુ તેમને ગાંધીનગર બોલાવવામાં આવતા બેઠક મોકુફ રાખવામાં આવી હતી. ત્યારે આગામી તહેવારો પહેલા ફેરિયાઓને જગ્યા ફાળવી દેવામાં આવે તેવી ફેરિયા એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ પ્રશ્નનો સત્વરે ઉકેલ નહીં આવે તો અવનવા કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારી હતી.
મોટાભાગના ફેરિયાઓને રોજગારી મળે તેવુ આયોજન
આ અંગે ચીફ ઓફિસર એસ.કે. ગરવાલે જણાવ્યું હતું કે, ફેરિયાઓ સાથે મીટિંગ રદ થઈ હતી પરંતુ હવે નવેસરથી મીટિંગની તારીખ જાહેર કરવામાં આવશે. જેમાં ત્રણ હજાર જેટલા ફેરિયાઓ માટે શહેરમાં પાંચ ઝોનમાં વિભાજન થશે. દરેક ઝોનમાં ફ્રૂટ, શાકભાજી, ચીજવસ્તુઓ, અન્ય ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓને જગ્યા આપવામાં આવશે. મોટાભાગના ફેરિયાઓનો સમાવેશ થાય અને તેમને રોજગારી મળે તેવું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે.
5 વર્ષથી જગ્યાની ફાળવણીનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી
ફેરિયા સમિતિના સભ્ય અને કટલરીની લારી ચલાવતા ઈમરાન વ્હોરાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં સમિતિની રચના કરાઈ હતી અને પાંચ વર્ષ પહેલા જગ્યા ફાળવણીની વાત પણ થઈ હતી. પરંતુ પાલિકાને ફેરિયાઓને જગ્યા ફાળવવામાં કોઈ રસ ન હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ૧૬ સભ્યોની સમિતિમાં માત્ર ૬ ફેરિયાઓનો સમાવેશ કરાયો છે.