આણંદ શહેરમાં 'નો પાર્કિંગ' ઝોનમાં વાહનોનાં ખડકલા
- તંત્રના આંખ આડા કાનથી રોષ
- જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલું જાહેરનામું માત્ર કાગળ ઉપર
આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બનતા ગત તા.૪ એપ્રિલે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી રેલવે સ્ટેશન, જૂના દાદર, ગુજરાતી ચોકની આસપાસ, રેલવે ગોદીના ગેટની બહાર રોડ ઉપર, નવા બસ સ્ટેન્ડના બન્ને ગેટની બહાર તથા નગરપાલિકા સરકારી દવાખાનાના ગેટની બહારના પચાસ મીટર વિસ્તારમાં વાહનો પાર્ક કરવા પર તેમજ અમૂલ ડેરી પાર્લરની આગળ અને શાક માર્કેટ ગેટની બહારના પચાસ મીટર વિસ્તારમાં ફોર વ્હીલ વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.
જો કે આ વિસ્તારો નો-પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હોવાં છતાં તંત્રનું જાહેરનામું માત્ર કાગળ પર રહી ગયું હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે. મોટાભાગના સ્થળોએ જાહેરનામાંનું સરેઆમ ઉલ્લઘંન થઈ રહ્યું છે. ખાસ કરીને રેલવે ગોદી, સરકારી દવાખાના તેમજ નવા બસ મથકના બંને ગેટની બહાર રિક્ષાઓ સહિતના વાહનોના ખડકલા જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતો હોવાનો રોષ ઠાલવી, સંબંધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોમાંથી માગ ઉઠી છે.