તારાપુર, આંકલાવ ખાતેથી રેતી તથા માટીનું બિનઅધિકૃત વહન કરતા વાહનો જપ્ત
- 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો
- ખાણ-ખનીજ વિભાગે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન માટી, રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું
મળતી માહિતી મુજબ આણંદ ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા તારાપુર ખાતે ગત રોજ આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવતા એક ડમ્પર નંબર વગરના ડમ્પર તથા એક આઈશર ટેમ્પામાં સાદી રેતી ભરી બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેથી ટીમે ખનીજના વહન અંગેના દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરતા રોયલ્ટી પાસની અવધિ પૂર્ણ થઈ ગઈ હોવાનું માલૂમ પડયું હતું. જેથી ખાણ ખનીજ વિભાગે બંને વાહનો સીઝ કરી તારાપુર પોલીસના હવાલ કર્યા હતા.
અન્ય એક ટીમ દ્વારા આંકલાવ તાલુકાના બિલપાડ ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાનગી માલિકીની જમીનમાંથી સાદી માટીનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ખોદકામ તથા વહનના ઉપયોગમાં લેવામાં આવી રહેલ માટી ભરેલ બે ડમ્પર તથા અન્ય એક ખાલી ડમ્પર અને એક જેસીબી મશીન સીઝ કરી આંકલાવ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગની ટીમે આશરે ૭૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરી ખનીજ માફીયાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.