બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ માર્ગો ખખડધજ બન્યા
- અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન
- ઠેર ઠેર ખાડા અને બિસ્માર રસ્તાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલી
બોરસદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથક સાથે જોડતા અનેક માર્ગો છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યા છે. બોરસદની આસપાસના ૧૦ કિ.મી. વિસ્તારમાં આવેલા વિવિધ ગ્રામ્ય વિસ્તારો ધંધા-વેપાર અર્થે બોરસદના બજારો સાથે સંકળાયેલા છે અને ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો રોજેરોજ બોરસદ ખાતે અપડાઉન કરતા હોય છે.
ત્યારે ચોમાસામાં થયેલા વરસાદના કારણે ડામરનું ધોવાણ થતા અનેક માર્ગો ખખડધજ થઈ ગયા છે. કેટલાક માર્ગો ઉપર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડયાં છે. જેને લઈ આ માર્ગો વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યા છે. માર્ગના સમારકામ અંગે સંબંધિત તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી આ અંગે યોગ્ય કાર્યવાહી કરાઈ નથી. જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. બોરસદ તાલુકાના કિંખલોડથી ચમારા, નવાખલ ચોકડીથી આંકલાવ, કિંખલોડ ચોકડીથી ગંભીરા ચોકડી, અલારસાથી નિસરાયા તથા ભાદરણથી વાલવોડ સહિતના વિવિધ માર્ગો છેલ્લા ઘણા સમયથી ખખડધજ બની ગયા છે.
ત્યારે પીપળી ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મોટાભાગના વિસ્તારોમાં હાલ માર્ગની સ્થિતિ સાવ દયનીય બની ગઈ છે અને વાહનચાલકો માટે વિકટ સમસ્યા ઉભી થઈ છે. ખખડધજ માર્ગોનું નવિનીકરણ અનિવાર્ય હોવા છતાં પણ સંબંધિત તંત્ર કેટલાક માર્ગો ઉપર માત્ર થીંગડાં મારી સંતોષ માની રહ્યું હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે.