ચરોતરમાં આજે ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
- શહેરમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોનો ધસારો
- આજે માફકસરનો પવન રહેવાનો હવામાન વિભાગનો વર્તારો : અવનવા માસ્ક, ટોપી, ચશ્મા, ફુગ્ગા સહિતની વસ્તુઓ ખરીદવા બજારમાં ભીડ જામી
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં શનિવારે છેલ્લી ઘડીની ખરીદી માટે શહેરમાં સલુણ બજાર સહિત અમદાવાદી બજાર, ડભાણ ભાગોળ, મરીડા ભાગોળ, સંતરામ રોડ તથા ડુમરાલ બજાર વગેરે વિસ્તારો પતંગરસિયાઓથી ઉભરાયા હતા.
જ્યારે કેટલાક નાના-મોટા વિતરકોએ છેલ્લી ઘડીની ખરીદીમાં ભાવમાં વધારો કરી દીધો હોવાની ચર્ચાઓ ગ્રાહકોમાં થઈ રહી હતી.
નડિયાદના બજારોમાં શનિવારે પતંગની જેમ તૈયાર દોરીની ફીરકી તથા કાચા દોરાની રીલની ખરીદીમાં પડાપડી થઇ હતી. છેલ્લી ઘડીએ દોરી પીવડાવવા માટે નડિયાદ તથા આસપાસના ગામના લોકો ઉમટી પડયા હતા. નડિયાદમાં દોરી માટેના ખાસ વિસ્તાર ગણાતા મરીડા ભાગોળમાં તૈયાર ફીરકી અને જૂની ફીરકીના વેચાણમાં વધારો નોંધાયો છે.
મકરસંક્રાતિ પર્વને લઈ અબાલ-વૃધ્ધો સહિત યુવાનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પર્વને લઈ કેટલાક પતંગરસિયાઓ અઠવાડિયા અગાઉથી જ પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે. જો કે પર્વના આગલા દિવસે બપોર બાદ શહેર સહિત જિલ્લાના વિવિધ બજારોમાં તેમજ રાજમાર્ગો પર પતંગરસિયાઓ દ્વારા મન મુકીને પતંગ તથા દોરીની ખરીદી કરાઈ હતી.
શહેરના વ્યાયામશાળા રોડ, જુના રસ્તા, જુના બસ મથક વિસ્તાર સહિત સરકારી દવાખાના વિસ્તારમાં પતંગરસિયાઓની પતંગ-દોરી સહિત માસ્ક, ટોપી, ચશ્મા, પીપુડા તેમજ ફુગ્ગાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. પર્વના આગલા દિવસે પર્વને અનુરૂપ ચીજવસ્તુઓની ધુમ ખરીદી નીકળતા શહેરના બજાર વિસ્તારમાંથી ટુવ્હીલર લઈને પસાર થવુ મુશ્કેલ બન્યું હતું.
બીજી તરફ બજારમાં ચીક્કી, મમરાના લાડુ, તલસાંકડી, ગજક, સોનવડો સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી પણ નીકળી હતી. ઉત્તરાયણ પર્વના દિવસે એટલે કે રવિવારે પરોઢથી જ અબાલ-વૃધ્ધ સહિતના અગાશી ઉપર રંગબેરંગી પતંગો ઉડાડવાની મજા માણશે.
આ ઉપરાંત શહેરીજનો તલસાંકડી, ચીક્કી, મમરાના લાડુ, ઉંધીયુ તેમજ જલેબીની જ્યાફત માણતા નજરે પડશે. સાથે સાથે અગાશી ઉપર ડી.જે. તેમજ સાઉન્ડ સીસ્ટમ પણ ગોઠવવાનું આયોજન કરાતા લોકો અગાશી ઉપર ડી.જે. તેમજ સાઉન્ડ સીસ્ટમના તાલે ઝુમતા નજરે પડશે.
રવિવારના રોજ મકરસંક્રાતિ પર્વને લઈને વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે અને પતંગરસિયા દ્વારા આકાશમાં પતંગોના પેચ ખેલાશે.
પર્વ દરમિયાન પતંગરસિયાઓ એકબીજાના પતંગો કાપીને એ કાપ્યો છે.... લપેટ.. એ હેંડી... સહિતની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠશે.
સાથે સાથે પીપુડાના અવાજ સાથે શોરબકોર કરી પતંગ કાપ્યાનો આનંદ વ્યક્ત કરાશે. ઉત્તરાયણ પર્વના દિવસે દાન-ધર્મનું પણ મહત્વ હોવાથી કેટલાક લોકો દાન-ધર્મ કરી પુણ્ય કમાશે.