આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ
- વહેલી સવારે અડધા કલાક સુધી વરસાદ ખાબક્યો, પાણી ભરાયા
- હવામાનમાં આવેલા અચાનક પલટાથી શરદી-ખાંસી અને તાવના કેસ વધ્યા, ત્રણ ઋતુનો અનુભવ કરતા લોકો
ગત સપ્તાહે આણંદ જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું હતું અને લઘુત્તમ તાપમાનનો પારો ૧૨ ડી.સે. સુધી નીચે ગયો હતો. જો કે છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટતા ગતરોજ લઘુત્તમ તાપમાન ૨૧ ડી.સે.થી ઉપર રહ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ હતી. ત્યારે આજે વહેલી સવારના સુમારે આણંદ જિલ્લાના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારે તેજ પવનો ફૂંકાવાના શરૂઆત થઈ હતી અને લગભગ ૫-૩૦ કલાકની આસપાસના સુમારે વરસાદનું આગમન થયું હતું. ધીમી ધારે વરસાદની શરૂઆત થયા બાદ અચાનક જ વરસાદનું જોર વધ્યું હતું અને મૂશળધાર વરસાદ વરસ્યો હતો. લગભગ અડધો કલાક સુધી મેઘરાજાએ બેટીંગ કર્યા બાદ વિરામ ફરમાવ્યો હતો. જો કે મૂશળધાર વરસાદ વરસવાના કારણે જાહેર માર્ગોની આસપાસ તથા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે પણ વહેલી સવારના સુમારે કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. ઉલ્લેખનીય છે કે દીવાળી પૂર્વે આણંદ જિલ્લામાં કમોસસમી વરસાદ વરસતા ખેતીપાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. તંત્ર દ્વારા ખેતીના નુકસાન અંગે સર્વે કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ હજી સુધી ખેડૂતો માટે કોઈ વળતરની જાહેરાત કરાઈ નહતી ત્યારે પુનઃ એકવાર જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ શિયાળાના પ્રારંભ સાથે ખેડૂતો દ્વારા ઘઉં તથા શાકભાજીનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે કમોસમી વરસાદને કારણે ઘઉં તથા કપાસનું ઉત્પાદન ઘટવાની સાથે શાકભાજીના પાકમાં પણ વિપરીત અસર થવાની ભીતિ સાથે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.