Get The App

પેટલાદ તાલુકામાં બે તેમજ આણંદ તાલુકામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો

- વહેલી પરોઢે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો

Updated: Jul 7th, 2022


Google NewsGoogle News
પેટલાદ તાલુકામાં બે તેમજ આણંદ તાલુકામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો 1 - image

- બોરસદ તાલુકામાં 10 મીમી અને ખંભાતમાં ૫ાંચ મીમી જ્યારે અન્યત્ર હળવા ઝાપટાં પડયાં

આણંદ


સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી પરોઢના સુમારે જિલ્લામાં ઠેર-ઠેર વિજળીના કડાકા અને વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. જિલ્લાના આણંદ તાલુકામાં લગભગ સવા ઈંચ જ્યારે પેટલાદ તાલુકામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ઉત્તર ઓડીસા પર સર્જાયેલ લો પ્રેશરને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આણંદ જિલ્લામાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ હતી. જે મુજબ ગત મંગળવાર મોડી સાંજથી આણંદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી ઝાપટા વરસ્યા હતા. બુધવારના રોજ પણ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટા વરસ્યા હતા. 

આજે વહેલી પરોઢના સુમારે આણંદ શહેર સહિત જિલ્લાના કેટલાક તાલુકા મથકો ખાતે મેઘગર્જના વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. જિલ્લાના આણંદ તાલુકામાં રાત્રિના ૨ થી સવારના ૪ કલાક દરમ્યાન ૩૦ મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે પેટલાદ તાલુકામાં ૩૬ મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે ત્યારબાદ મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો.

આણંદ જિલ્લા પુરનિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સવારે ૬  કલાકે પુરા થતા ૨૪ કલાક દરમ્યાન જિલ્લામાં કુલ ૯૧ મી.મી. વરસાદ વરસ્યો છે. જેમાં આણંદ તાલુકામાં ૩૦ મી.મી., પેટલાદ તાલુકામાં ૪૬ મી.મી., બોરસદ તાલુકામાં ૧૦ મી.મી. અને ખંભાત તાલુકામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં વરસાદી ઝાપટા વરસવાનું યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


Google NewsGoogle News