Get The App

આણંદ જિલ્લા પંચાયતની બેઠક મેળવવા બોરસદ ભાજપના બે જૂથ આમને સામને

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લા પંચાયતની બેઠક મેળવવા બોરસદ ભાજપના બે જૂથ આમને સામને 1 - image


- જન્મ દિવસની ઉજવણીના બેનર ફાડવા મુદ્દે મારામારી થઈ હતી

- દાવોલ બેઠક પર 20 વર્ષનું વર્ચસ્વ ખતમ કરવા રોનકસિંહ ગોહેલનું જૂથ પ્રયત્ન કરતું હોવાનો પ્રતાપસિંહનો આક્ષેપ : છેલ્લી બે ચૂંટણીમાં રોનકસિંહને કામગીરી સોંપાતા તકરારની શરૂઆત

આણંદ : દાવોલ ગામે ગુરૂવારે રાત્રે બોરસદ તાલુકાના ભાજપના કાર્યકર્તા રોનકસિંહ ગોહેલના જન્મદિવસની ઉજવણીનું બેનર ફાડવા બાબતે જૂથ અથડામણ થઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સભ્ય પ્રતાપસિંહ ગોહેલ અને રોનકસિંહના જૂથો પથ્થરો, લાકડી અને ધારીયાથી આમને સામને આવી ગયા હતા. આ મારામારી પાછળ જિલ્લા પંચાયતની દાવોલ બેઠકમાં વર્ચસ્વ સ્થાપિત કરવા બાબતે ભાજપના બે જૂથો સામસામે આવી ગયાનું બહાર આવ્યું છે. આ બંને જૂથ વચ્ચે અગાઉ પણ તકરાર થઇ હતી. ત્યારે ભાજપ સંગઠન દ્વારા સમાધાનના પ્રયાસો કરાયા છતાં નિષ્ફળ રહ્યા હતા.  

પ્રતાપસિંહ ગોહેલે વર્ષ ૨૦૧૦માં બોરસદ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડી હતી. જેમાં કોંગ્રેસના અમિત ચાવડાની સામે પ્રતાપસિંહની ૧૭ હજાર મતોથી હાર થઈ હતી. તે જિલ્લા પંચાયતમાં દાવોલ બેઠક પરથી બે વખત ભાજપના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમના પત્ની રોહિણીબેન હાલ જિલ્લા પંચાયતમાં દાવોલના ભાજપના સભ્ય છે. 

છેલ્લા ૨૦ વર્ષથી જિલ્લા પંચાયતની દાવોલ બેઠક પર પ્રતાપસિંહનું વર્ચસ્વ છે. ભૂતકાળની ચૂંટણીમાં તેમને ચૂંટણી પ્રભારી તરીકે પ્રદેશ મંડળ તરફથી નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે રોનકસિંહ ગોહેલને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ પ્રતાપસિંહને તેમાંથી બાકાત રખાયા હોવાથી રાજકીય સમીકરણો બદલાયા હતા. નારાજ થયેલા પ્રતાપસિંહે લોકસભાની ચૂંટણી બાદ વીડિયો ક્લીપ જાહેર કરી સાંસદ વિરૂદ્ધ બળાપો રજૂ કર્યો હતો. 

મેં કરેલી સારી કામગીરી ગમતી ન હોવાથી મારો વિરોધ કરી રહ્યા છે : રોનકસિંહ ગોહેલ 

રોનકસિંહ ગોહેલે જણાવ્યું હતું કે, હું સાત વર્ષથી જિલ્લા પંચાયતની દાવોલ બેઠક પર ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યો છું. જિલ્લા પંચાયતના સ્થાનિક સભ્યને મારી પ્રવૃત્તિ ગમતી નથી, જેના કારણે વારંવાર મારો વિરોધ કરી રહ્યા છે. તેમને એવી બીક છે કે આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમની ટિકિટ છીનવીને મને આપવામાં આવશે, તેથી ખોટી ઉશ્કેરણીઓ કરી રહ્યા છે. હું ભાજપનો કાર્યકર છું અને પાર્ટી કહે તે મુજબ કામગીરી કરૂં છું. ચૂંટણીમાં મેં કરેલી સારી કામગીરી તેમને ન ગમી હોવાથી મારા વિરૂદ્ધ ભ્રમ ફેલાવી રહ્યા છે. 

બંને જુથ વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરાયા હતા : તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ 

બોરસદ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ વિજયસિંહ રાજે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની દાવોલ બેઠક પરની જૂથબંધીની અસર સમગ્ર તાલુકામાં ફેલાઈ છે. ભૂતકાળમાં પણ બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરાયા હતા પરંતુ અન્ય વ્યક્તિઓની ચઢવણીથી સમાધાન શક્ય બન્યું ન હતું. ગુરુવારે જે બનાવ બન્યો તે ભાજપ માટે દુઃખદ છે. તાલુકા સંગઠન દ્વારા ફરીથી બંને જૂથને સાથે બેસાડી સમાધાનના પ્રયાસો કરવામાં આવશે. 

ભાજપની અંગત મિટિંગોમાંથી મને બાકાત રખાય છે : પ્રતાપસિંહ ગોહેલ

પ્રતાપસિંહ ગોહેલે જૂથબંધી સંદર્ભે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૦ વર્ષથી ભાજપમાં સક્રીય છું. ચાર વખત જિલ્લા પંચાયતમાં જીત મેળવી છે. એક વખત વિધાનસભા પણ લડયો છું. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી મારી કામગીરી ઉપર શંકા કરવામાં આવી રહી છે. ભાજપની અંગત મિટિંગોમાંથી મને બાકાત રાખવામાં આવે છે. ચૂંટણીઓની કામગીરી પણ મને સોંપવામાં આવતી નથી. મારી પત્નીને જિલ્લા પંચાયતમાં કોઈ કમિટી આપવામાં આવતી નથી. જેથી મેં નારાજ થઈને પ્રદેશકક્ષાએ રજૂઆતો કરી હતી છતાં પરિણામ આવ્યું ન હતું. સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ દ્વારા મારી અવગણના કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતમાં મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે અન્યને જવાબદારીઓ સોંપીને આગળ લાવવામાં આવી રહ્યા છે. જેથી સ્થાનિક નેતાઓ મને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાનું કહી બદનામ કરી રહ્યા છે. હું કોંગ્રેસમાં જોડાવ તેવું ઈચ્છી રહ્યા છે પરંતુ હું ભાજપનો કાર્યકર છું અને ભાજપમાં જ રહીશ.

કોણ કોના જૂથમાં ?

રોનકસિંહના જૂથના સમર્થકો

આણંદના સાંસદ મિતેશ પટેલ અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી

પ્રતાપસિંહના જૂથના સમર્થકો 

બોરસદ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ વિજયસિંહ રાજ અને તાલુકા સંગઠનના જૂના કાર્યકરો 


Google NewsGoogle News