Get The App

આણંદ શહેરમાં ટાઉન હોલ પાસે ડ્રેનેજ કામગીરીથી ટ્રાફિકજામ

Updated: May 2nd, 2022


Google NewsGoogle News
આણંદ શહેરમાં ટાઉન હોલ પાસે ડ્રેનેજ કામગીરીથી ટ્રાફિકજામ 1 - image


- મંથર ગતિએ ચાલતી કામગીરીથી વાહનચાલકોને પડતી ભારે હાલાકી

આણંદ : આણંદ શહેરના હાર્દસમા આણંદ-વિદ્યાનગર રોડ પર ટાઉનહોલ નજીક છેલ્લા ચાર માસ ઉપરાંત સમયથી ચાલી રહેલ ડ્રેનેજની કામગીરી સાવ મંથર ગતિએ ચાલતી હોઈ ટ્રાફીકથી સતત ધમધમતા રહેતા આ માર્ગ પર વાહનચાલકોને ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. પાલિકા સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતના કારણે સ્થાનિકોને ભારે હાડમારી ભોગવવી પડે છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી ન હાલતું હોવાનો રોષ જાગૃતોએ ઠાલવ્યો છે.

આણંદ-વિદ્યાનગર રોડ પર ટાઉનહોલ નજીક આણંદ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈનના કામગીરી હાથ ધરવામાં આવી છે. આશરે ચાર માસ પૂર્વે આ કામગીરીની શરૂઆત થતા ટાઉનહોલથી પ્રાર્થના વિહાર સુધીનો એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો અને આ માર્ગના વાહનવ્યવહારને અન્ય સાઈડે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો કે આ કામને ઘણો લાંબો સમય વીતી ગયો છે. હાલમાં પણ આ માર્ગ પર ખોદકામ કરી કામગીરી ચાલી રહી છે પરંતુ સાવ મંથર ગતિએ કામગીરી ચાલતી હોઈ વાહનચાલકો તેમજ માર્ગની આસપાસમાં આવેલ દુકાનદારોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. એક તરફના માર્ગ ઉપર ડાયવર્ઝન આપવામાં આવતા છાશવારે ટ્રાફીકજામના દ્રશ્યો જોવા મળે છે તો બીજી તરફ એક સાઈડનો માર્ગ બંધ રહેતા તે તરફના દુકાનદારોને આર્થિક ફટકો પણ પહોંચી રહ્યો છે.

પાલિકા સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતને લઈ છેલ્લા ઘણા સમયથી સાવ મંદ ગતિએ કામગીરી થઈ રહી હોવાનો રોષ જાગૃતોએ ઠાલવ્યો છે. પાલિકાના સત્તાધીશો દ્વારા માત્ર કામોની મંજૂરી આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ વિકાસના કામો કઈ ગતિએ થાય છે અને આ કામો નિર્ધારીત સમયમાં પૂર્ણ થાય છે કે કેમ તે જોવામાં કોઈ રસ ન હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે.

 જો આ જ ગતિથી ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલશે તો આગામી દોઢ માસ બાદ ચોમાસાના આગમન સાથે જ અનેક સમસ્યાઓ માથું ઉંચકશે તેવો મત જાગૃતોએ વ્યક્ત કર્યો છે. ચોમાસા પૂર્વે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ જાગૃત નગરજનો દ્વારા કરાઈ છે.


Google NewsGoogle News