આજે ધનતેરસ પર્વે માતા લક્ષ્મી, સોના- ચાંદી, જૂના સિક્કાઓનું પૂજન કરાશે
- એકાદશી અને વાઘ બારસની ઉજવણી કરાઈ
- ખેડૂતો ખેતીના ઓજારો, બળદ, ટ્રેક્ટરને કંકુ તિલક કરશે : દાગીનાઓની ખરીદીમાં લોકો ઉમટશે
આણંદ : પ્રકાશનો પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બુધવારે ધનતેરસના રોજ ચરોતર વાસીઓ માતા લક્ષ્મીની પૂજા કરી, સુખ-સમૃદ્ધિની કામના કરશે. તેમજ જૂના સિક્કાઓ, સોના-ચાંદીના દાગીનાનું પૂજન કરશે. જ્યારે ખેડૂતો ખેતીના ઓજારો, બળદ, ટ્રેક્ટર સહિતનાનું પૂજન કરશે. ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું અનેરૂ મહત્વ હોવાથી સોનીની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામશે તેવી વેપારીઓમાં આશા સેવાઈ રહી છે.
ચરોતરવાસીઓએ દિવાળી પૂર્વે એકાદશી અને વાઘ બારસથી તહેવારની ઉજવણીની શરૂઆત કરી દીધી છે.
ઘરની બહાર રંગોળી અને દીવડાઓથી સજાવટ કરવાનું શરૂ કરાયું છે. ત્યારે બુધવારે ધનતેરસના રોજ લોકો લક્ષ્મીજીની પૂજા કરી ધન સંપત્તિમાં વધારો થાય અને સુખ-સમૃદ્ધિ આવે તેવી માતા લક્ષ્મીને પ્રાર્થના કરતા હોય છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો ધનતેરસના દિવસે વર્ષો જૂના સંગ્રહ કરેલા રાજા-મહારાજાના સમયના જૂના સિક્કાઓને લક્ષ્મીજીના શરણે મૂકે છે. તેમજ આ ધનમાં દર વર્ષે નવો સિક્કો ઉમેરવાનો ચરોતરમાં રિવાજ છે. બાદમાં માતાજીને કમળનું ફૂલ અર્પણ કરવામાં આવે છે. લક્ષ્મી પૂજનના દિવસે કમળનું મહત્વ અનેરૂ હોવાથી તેના ભાવમાં વધારો જોવા મળે છે.
ધનતેરસના દિવસે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખેતીના ઓજારો, ટ્રેક્ટર અને બળદને કંકુ-તિલક કરી પૂજા કરે છે.
તેમજ વેપારીઓ દ્વારા નવા વર્ષના ચોપડાનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના દિવસે કોઈ પાસેથી ઉધાર પૈસા લેવાથી લોકો દૂર રહે છે. તેમજ ધનતેસરનો દિવસ શુભ હોવાથી લોકો યથાશક્તિ સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. પરિણામે સોનીની દુકાનોમાં ભીડ જામતી હોય છે.