આણંદ શહેરમાં થિયેટર અને સ્માર્ટ બજારને બંધ કરાયા
- ફાયર વિભાગનું 3 દિવસથી સઘન ચેકિંગ
- ફાયર એનઓસી ના હોવાથી બે ગેમ ઝોન બંધ કરાયા : સીસ્વા ગામે રિસોર્ટની તમામ એડવેન્ચર પ્રવૃત્તિઓ બંધ કરાઈ
આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલા ગેમીંગ ઝોનની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લામાં આવેલા શોપિંગ મોલ, હોસ્પિટલ, સ્કૂલ કોચીંગ સેન્ટર, સીનેમાગૃહ, રેસ્ટોરન્ટ, લોક મેળા, રીસોર્ટ વગેરેની આકસ્મિક તપાસણી કરવા તથા તપાસણી દરમિયાન કોઈપણ ક્ષતિ જણાય તો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે તાલુકાવાઈઝ મામલતદારની અધ્યક્ષતામાં કમિટિની રચના પણ કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં તપાસણી દરમિયાન વિદ્યાનગર રોડ પર આવેલા ગોલ્ડ સિનેમાની ફાયર એનઓસી રીન્યૂ કરાવવામાં ન આવી હોવાનું તથા અધિકૃત વ્યક્તિની નિમણૂંક ન થઈ હોવાનું માલૂમ પડયું હતું. સાથે સાથે સ્માર્ટ બજારની પણ ફાયર એનઓસી રીન્યૂ ન થઈ હોવાનું માલૂમ પડતા ફાયર ઓફિસર ધર્મેશ ગોરે બંને એકમો બંધ કરાવ્યા હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત સોજિત્રા રોડ પર આવેલી મારુતિ સોલારીસના જમ્પીંગ ઝપાક પાસે ફાયર એનઓસી ન હોઈ તથા એન્ટ્રી અને એક્ઝીટ માટે એક જ ગેટ જોવા મળ્યો હતો. ઉપરાંત મારુતી સોલારીસના ટાઈમઝોન પાસે, શાન મોલના ગેમ ઝોન પાસે પણ ફાયર એનઓસી ન હતી. જેથી આ તમામ મિલકતોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી.
ઉપરાંત બોરસદ તાલુકાના સીસ્વા ગામે આવેલા કેમ્પ ડીલી રીસોર્ટના માલિક દ્વારા ફાયર સેફ્ટી માટે અરજી કરેલી હોઈ આ રીસોર્ટની તમામ એડવેન્ચર પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી છે.
તા.૨૮મી મેના રોજ આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં આણંદ જિલ્લામાં આવેલા તમામ બહુમાળી ઈમારતો સહિતના એકમો ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરવાની સૂચના આપવામાં આવતા આણંદ ફાયર વિભાગ દ્વારા મંગળવારે વિવિધ ટીમો બનાવી આણંદ તથા આસપાસના વિસ્તારમાં ૩૦ થી ૪૦ એકમોની તપાસ કરવામાં આવી હતી.