ખંભાતના યુવકને લોનની લાલચ આપી રૂ. 14.52 લાખની ઠગાઈ
- 5 શખ્સો વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો
- યુવકની જાણ બહાર ક્રેડિટકાર્ડ પર લોન લઈને ખાતામાંથી પૈસા ઉપાડી લીધા
ખંભાતના જવાહર રોડ ઉપર નાની ઉંચી શેરીમાં રહેતા પ્રશાંતભાઈ પ્રવિણભાઈ રાણા વિદ્યાનગરની એલીકોન કંપનીમાં નોકરી કરે છે. તેઓની સાથે જ નોકરી કરતા મુકેશભાઈ ભાઈલાલભાઈ સોલંકીએ પ્રશાંતભાઈને લોન જોઈતી હોય તો મળશે તેમ જણાવી દિપકભાઈનો નંબર આપ્યો હતો.
જેથી પ્રશાંતભાઈએ લોન માટે દિપકભાઈના મોબાઈલ ઉપર સંપર્ક કરતા દિપકભાઈએ વિરલભાઈ નામની વ્યક્તિનો નંબર આપી પાનકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો મોકલી આપવા જણાવ્યું હતું. જેથી પ્રશાંતભાઈએ વિરલભાઈના વોટ્સએપ નંબર ઉપર ઉક્ત દસ્તાવેજો મોકલી આપતા વિરલભાઈએ તમારો સીબીલ સારો છે એટલે લોન થઈ જશે તેમ જણાવી રૂબરૂ મળવા માટે જણાવ્યું હતું.
બાદમાં ખંભાત નજીક વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી (રહે. બોરિયાવી), દિપક ફતેસિંહ ગોહેલ (રહે.રાવળાપુરા), સ્મિત મેકવાન (રહે.ગામડી), જય ઉર્ફે કાઠિયાવાડી ચેતનભાઈ ચૌહાણ (રહે.બોટાદ)ને પ્રશાંતભાઈને રૂબરૂ મળ્યા હતા. જો કે તમામ શખ્સોએ પ્રશાંતભાઈને પગાર ઓછો છે જેથી ખાતામાં પૈસા નાંખીને ટ્રાન્જેક્શન બતાવીશું તો લોન મળી જશે તેમ જણાવ્યું હતું.
બાદમાં પ્રશાંતભાઈના ખાતામાં બેલેન્સ કરી અને તેઓના ક્રેડિટ કાર્ડ ઉપર જાણ બહાર લોન લઈ અલગ-અલગ તારીખ અને સમયે બેંક ખાતામાંથી તેમજ એટીએમ દ્વારા અને ગુગલપેના માધ્યમથી કુલ રૂા.૧૪,૫૨,૪૭૨ મેળવી લીધા હતા અને પ્રશાંતભાઈને લોન પણ અપાવી ન હતી. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા પ્રશાંતભાઈએ ખંભાત શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેથી પોલીસે વિરલ ખ્રિસ્તી, દિપક ગોહેલ, સ્મિત મેકવાન, જય ઉર્ફે કાઠીયાવાડી ચૌહાણ અને તુષારકુમાર વાળંદ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.