મોડી રાત્રે મહિલાને બંધક બનાવી દાગીના, મોબાઇલની લૂંટ ચલાવી
- પેટલાદના વડદલા ગામે સીમ વિસ્તારમાં લૂંટારૂ ત્રાટક્યા
- 3 શખ્સોએ ઘરમાં એકલી રહેતી મહિલાને નિશાન બનાવી, ગામમાં ફફડાટ
તોરણીયા માતા સીમ વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય શાંતાબેન રમણભાઈ ઠાકોર પતિના અવસાન બાદ બંને પુત્રોના લગ્ન થઈ ગયેલા હાવોથી સાસરીમાં રહેતા હોવાથી તેણી ઘરે એકલા રહે છે. ગત તા.૨૮મી જુલાઈના રોજ રાત્રિના સુમારે શાંતાબેન જમી-પરવારી ઓસરીમાં ખાટલો નાખી સુઈ ગયા હતા. રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ તેણીએ ઉઠીને ભેંસોને ઘાસ નાખ્યા બાદ પુનઃ ખાટલામાં આડા પડયા હતા ત્યારે ત્રણેક જેટલા અજાણ્યા શખ્સો ઘરની આગળનો ઝાંપો કુદીને તેમની પાસે આવ્યા હતા.
જ્યાં એક શખ્સ ખાટલા પાસે બેસી ગયો હતો અને તેણીને માર મારવાની ધમકી આપી ઘરની ચાવી આપવા જણાવતા શાંતાબેને ચાવી ઓટલી ઉપર મુકી હોવાનું જણાવ્યું હતું. જેથી અન્ય બે શખ્સો ચાવી લઈ ઘર ખોલી અંદર ગયા હતા. જ્યારે ખાટલા પાસે બેઠેલ શખ્શે શાંતાબેનના કાનમાં પહેરેલ બે સોનાના કાપ , પગમાં પહેરેલ ચાંદીના બે છડા તેમજ મોબાઈલ ફોન મળી કુલ્લે રૂા.૩૧ હજારની લૂંટ ચલાવી હતી.
બીજી તરફ ઘરમાં પ્રવેશેલ બંને શખ્સોએ ઘરનો સામન વેરવિખેર કરી જોતા કોઈ કિંમતી ચીજવસ્તુઓ હાથ લાગી ન હતી. બાદમાં આ ત્રણેય શખ્શો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલ શાંતાબેન નજીકમાં જ રહેતા દેરાણીના ઘરે ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. બાદમાં આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને શાંતાબેનની ફરિયાદના આધારે ત્રણ અજાણ્યા શખ્શો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.