આણંદના મોગરીથી અંધારિયાના રોડના કામમાં વિલંબનો વીડિયો વાઈરલ
- 8 મહિના થવા છતાં રોડ હજૂ બન્યો નથી
- ધૂળ અને સિમેન્ટ ઉડવાથી શ્વાસની તકલીફ : 40 સોસાયટીના રહીશો બારણા બંધ રાખવા મજબૂર
વિદ્યાનગરથી મોગરી અને ત્યાંથી બોરસદ હાઇવેને જોડતા રોડનું આરસીસીનું કામ આઠ મહિના અગાઉ શરૂ કરાયું હતું. આખો રોડ તોડી નાખ્યા બાદ ધીમી ગતિએ રોડનું કામ ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ૮ મહિના થવા છતાં એક બાજુ આરસીસીનું કામ થયું નથી. એક બાજૂથી વાહનોની અવર-જવરના લીધે ધૂળ- સિમેન્ટની રજકણો ઉજવાના લીધે કૃપાલુ સોસાયટી સહિત ૪૦થી વધુ સોસાયટીના રહીશોને શ્વાસના રોગો સહિત આરોગ્ય ઉપર અસરો થઈ રહી છે. આખો દિવસ ઘરના બારણાં બંધ રાખવા લોકો મજબૂર બન્યા છે. રોડનું કામ એક દિવસ કરાય છે અને અઠવાડિયા સુધી બંધ રખાતું હોવાથી હજૂ પણ રોડનું કામ પુરૂ થઈ શક્યું નથી. ત્યારે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરી તંત્ર વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરે તેવી લોકોએ માંગણી સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે.