આણંદ જિલ્લામાં તાપમાનનો પારો વધીને 38.5 ડિગ્રી પર પહોંચ્યો
- ફરીથી કાળઝાળ ગરમીની શરૂઆત
- આગામી દિવસોમાં જિલ્લાવાસીઓએ આકરા તાપનો સામનો કરવો પડશે
આણંદ : આકાશમાંથી વાદળો હટતાની સાથે જ આણંદ જિલ્લામાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે. મંગળવારે આણંદ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૮.૦ ડી.સે.ને પાર કરી જતા બપોરના સુમારે જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મંગળવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૮.૫ ડી.સે. અને લઘુત્તમ તાપમાન ૨૧.૦ ડી.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા, પવનની ઝડપ ૨.૩ કી.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૦.૮ નોંધાયો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો છે અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાન હજી ઉંચું જશે અને જિલ્લાવાસીઓને આકરી ગરમીનો સામનો કરવો પડશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.