આણંદ જિલ્લામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો
- ચરોતરમાં ગરમીનો કહેર યથાવત
- આગામી ચાર દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિવત્
આણંદ : આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમીનો કહેર યથાવત રહેવા પામ્યો છે. મહતમ તાપમાનનો પારો ૪૪ ડિ.સે. પહોંચતા જિલ્લાવાસીઓ આગ ઝરતી ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. તેમાંય બપોરે લૂ વાતા પવનો અને સાંજ ઢળતા બફારો વધી જતા નગરજનોે આકુળવ્યાકૂળ થઈ ઉઠયાં છે.
આણંદ જિલ્લામાં હિટવેવની સ્થિતિ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી મહત્તમ તાપમાન ૪૦ ડિ.સે.ની ઉપર રહેતા નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ગુરુવારે જિલ્લામાં મહતમ તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું હતું. બપોરે આગ ઝરતી ગરમીના લીધે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.
આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ફૂંકાતા સૂકા ગરમ પવનોને કારણે ગરમીનું જોર વધ્યું છે. જેથી સામાન્ય તાપમાન ૨ થી ૩ ડિગ્રી જેટલું વધુ રહે છે. જેને લઈ મોડી રાત્રી સુધી અસહ્ય ગરમી અનુભવાઈ રહી છે.
મે મહિનામાં સતત એક સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમી પાછલા વર્ષોનો રેકર્ડ તોડશે તેવી સંભાવના જોવાઈ રહી છે. હીટ વેવ અને વોર્મ નાઈટની આગાહી સાથે આગામી ચાર દિવસમાં ગરમીમાં કોઈ રાહત મળવાની સંભાવના નથી.
જિલ્લાવાસીઓ ઠંડા પાણી, શેરડીનો રસ, આઈસ્ક્રીમ, બરફગોળાનું સેવન કરી ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સાથે સાથે ગરમીને ડામવા વરીયાળી શરબત, છાસ, કેરીનો બાફલો જેવા ઘરેલુ નુસખાં સહિત ઠંડક મેળવવા માટે એરકન્ડીશનર અને કૂલર જેવા ઈલેકટ્રોનીક ઉપકરણોનો સહારો લેવો પડયો છે.
ગુરુવારના રોજ આણંદ જિલ્લાનું તાપમાન
મહતમ તાપમાન |
૪૪.૦ |
લઘુતમ તાપમાન |
૨૯.૭ |
હવામાં ભેજનું પ્રમાણ |
૫૮ ટકા |
પવનની ઝડપ |
૪.૯ કિ.મી./કલાક |
સૂર્યપ્રકાશ |
૧૧.૩ |