વિદ્યાર્થીઓને માલવાહક વાહનમાં બેસાડી પોલીસ મથકની મુલાકાતે લઇ જવાયા
- આણંદ નગર પાલિકા સંચાલિત શાળાના
- જીવના જોખમે મુસાફરી સામે વાલીઓમાં જોવા મળતો ભારે આક્રોશ
આણંદ : આણંદ શહેરની નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા નં.૬ના આશરે ૩૦ જેટલા બાળકોને માલવાહક વાહનમાં ખીચોખીચ બેસાડી આણંદ મહિલા પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવતા શાળા સંચાલકો સામે વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો.
આજે બપોરના સુમારે આણંદ શહેરની નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા નં.૬ના ધો.૬ થી ૮ના આશરે ૩૦ જેટલા બાળકોને એક માલવાહક વાહનમાં ખીચોખીચ ભરી શાળા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા પોલીસ મથકની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતાં.
જો કે બાળકોને માલવાહક વાહનમાં જીવના જોખમે લઈ જવાતા જાગૃતોમાં ભારે અચરજ ફેલાયું હતું. બીજી તરફ આ અંગે શાળાના આચાર્યની પૂછપરછ કરતા તેઓએ કાયદાનો કોઈ ભંગ નહિ કર્યો હોવાનું અને બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખ્યું હોવાનું ગાણું ગાયું હતું.