રાજ્યના ગૃહમંત્રીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી
- આણંદની ઓચિંતી મુલાકાત લીધી
- ક્ષત્રિયો દ્વારા ભાજપના પ્રચારનો વિરોધ કરાતા મોવડી મંડળ હરકતમાં આવ્યું : ડેમેજ કંટ્રોલના પ્રયાસ હાથ ધરાયા
આણંદ જિલ્લાના ઉમરેઠ સહિતના વિવિધ તાલુકા મથકો ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના પ્રવેશબંધીના બેનરો મારી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેમજ પ્રચાર અર્થે આવતા ભાજપના કાર્યકરોને અહીંયા પ્રચાર માટે આવવું નહીં તેમ જણાવી રવાના કરવામાં આવ્યા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે.
જેને લઈ મોવડી મંડળ હરકતમાં આવ્યું છે અને પ્રદેશ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બુધવારે ઓચિંતી આણંદની મુલાકાત લીધી હતી. તેઓ નાવલી સ્થિત કમલમ્ કાર્યલય ખાતે પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર સાથે પહોંચ્યા હતા. કમલમ્ ખાતે ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે એક બેઠક યોજાઈ હતી. સ્થાનિક રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં લગભગ ૫૦ મિનિટ જેટલી ગુપ્ત બેઠક યોજાયા બાદ રાજ્યના ગૃહમંત્રી આણંદ ખાતેથી રવાના થયા હતા.
જો કે ત્યારબાદ પણ ગુપ્ત બેઠકનો દોર જારી રહ્યો હતો પરંતુ આ બેઠકમાં શું નિવેડો આવ્યો તે અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું હતું. જો કે કેટલાક ક્ષત્રિય યુવકોની પૂછપરછ કરતા, ચૂંટણીલક્ષી બેઠક હોવાનું જણાવી આ બાબતે વધુ બોલવાનું ટાળ્યું હતું.
ક્ષત્રિય આગેવાનો સાથે યોજાયેલી આ બેઠકમાં ક્ષત્રિય સમાજને પોતાના પક્ષમાં લેવા ભાજપ મોવડી મંડળ દ્વારા ભરપૂર પ્રયાસો હાથ ધરાયા હોવા સાથે સમાધાન બાબતે આણંદના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે.